સુરત કોંગ્રેસના નેતાએ પોતાને અને ભાજપ પ્રમુખને લોકસભાના ઉમેદવાર જાહેર કરી દીધા

PC: facebook.com

સુરત શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને રનિંગ નગર સેવક અશોક જીરાવાલાએ સુરત બેઠક પરથી પોતાને તો ઉમેદવાર જાહેર કરી જ દીધા પરંતુ સામે ભાજપના હાલના પ્રમુખને પણ ચૂંટણીમાં ઊભા કરી દીધા છે. તેમનું નામ ફાઈનલ જ હોય તે રીતે તેમના ફેસબુક એકાઉન્ટ અને તેમની ફેન કલબની વોલ પર પ્રચાર શરૂ કરી દેવાયો છે. આમ તો લોકસભા-2019ની જાહેરાત હજી સુધી થઈ નથી અને તે ફેબ્રુઆરીના અંતિમ દિવસોમાં થાય એવો વરતારો છે પરંતુ તેની તૈયારીમાં તમામ રાજકીય પક્ષો લાગી ગયા છે. જેમાં સુરતના સ્થાનિક નેતાઓ પણ સામેલ છે.

કોંગ્રેસની વાત કરીએ તો અશોક જીરાવાળા ફેડરેશન ઓફ ગુજરાત વિવર્સ એસોસિયેશનના પણ પ્રમુખ છે અને હાલ વિવર્સની 600 કરોડ ઉપરાંતની ટેક્સ ક્રેડિટ લેપ્સ મુદ્દે લડત ચલાવી રહ્યાં છે અને ગુજરાત તથા મહારાષ્ટ્રની હાઈકોર્ટમાં પણ આ મામલે રિટ-પીટીશન કરી ચુક્યા છે. તેઓએ પણ લોકસભાની તૈયારી શરૂ કરી દીધી હોવાનું તેમની ફેસબુક વોલને ઓબ્ઝર્વ કરતા માલૂમ પડી રહ્યું છે. તેમણે અશોક જીરાવાળા ફેન કલબ, કામરેજ વિધાનસભા, સુરત કોંગ્રેસ જેવા વિવિધ ગ્રુપમાં લોકસભાનો તાજ તેમના શિરે મુકવાની વાતો ફોટા સાથે વહેતી કરી છે. વોલ પર મુકાયેલા પોસ્ટરમાં લખાયું છે કે..‘ સુરત કે કોનો કોનો સે નિકલી એક હી આવાજ અશોક જીરાવાલા કે સર પર હો સુરત લોકસભા કા તાજ’, કરો જશ્ન કી તૈયારી ક્યું કિ સુરત લોકસભા ચુનાવ મેં હે અશોક જીરા કી બારી..’ 2019માં કોનો પતંગ ચગશે? (સુરત) અશોક જીરાવાલા વર્સિસ ભાજપ સુરત, સુરત લોકસભાની ટિકિટ પર તમારો કિંમતી વોટ કોને આપશો? અશોક જીરાવાળા કે નીતીન ભજીયાવાળા’ વગેરે લખાણો વહેતા કરાયા છે.

આ અંગે અશોક જીરાવાળાને પૂછતા તેમણે કહ્યું કે હા, મેં સુરત લોકસભા માટે ટિકિટ માંગી છે અને હું લડવા પણ માંગુ છું. મારા સિવાય બીજો કોઈ યોગ્ય ઉમેદવાર પણ આ વિસ્તારમાં નથી.

ઉલ્લેખનીય છે કે, અશોક જીરાવાળા કોંગ્રેસના શહેર પ્રમુખપદે રહ્યાં બાદ પણ ભાજપમાં ભ્રમણે ગયા હતા અને પાટીદાર આંદોલન બાદ કોંગ્રેસમાં ફરી ભુસ્કો મારી સુરત મહાનગર પાલિકાની ચૂંટણીમાં જંપલાવી પાટીદારોના બળ પર જીત્યા હતા. વિધાનસભામાં પણ એ જ જોરે લડયા પણ હારી ગયા હતા.

જીરાવાળાનું શું થયું હતું વિધાનસભામાં?

અશોક જીરાવાળાને આમ તો કોંગ્રેસની પહેલી લિસ્ટમાં ટિકિટ મળી ન હતી અને કામરેજ બેઠક પર નિલેશ કુંભાણીનું નામ ઘોષિત થયું હતું. જોકે, પાટિદાર અનામત આંદોલન સમિતિના અલ્પેશ કથિરિયા, ધાર્મિક માલવીયા સહિત તેમના પ્રખર સમર્થક કહેવાય છે. ‘પાસ’એ જેના નામની જાહેરાત થઈ હતી તે નિલેશ કુંભાણી, પપન તોગડિયાની ઓફિસમાં પહોંચી જઈ હંગામો કર્યો હતો અને અશોક જીરાને ટિકિટ આપવા દબાણ કરી તેમની વાત કોંગ્રેસ પાસે મનાવડાવી હતી. આમ કામરેજ પર અશોક જીરાવાળા લડ્યાં પણ પાટીદારોના સમર્થન બાદ પણ જીરાવાલા હારી ગયા. અશોક જીરા 28,181 વોટની સરસાઈથી ભાજપના વીડી જાલાવડિયા સામે હાર્યાં હતા. જોકે, હવે તેઓને પાટીદારોના સહારે ફરી લોકસભા લડવાના અભરખા જાગ્યા છે. જે ચર્ચાનો વિષય બન્યો છે. તો બીજી તરફ, ઓફિશિયલી પણ અશોક જીરાવાળા ઉપરાંત પપન તોગડિયાએ સુરત લોકસભા સીટ પર ચૂંટણી લડવા કોંગ્રેસ પાસે ટિકિટ માંગી છે. તો નવસારી બેઠક પર મહેન્દ્ર સુરતિયાએ પણ ટિકિટ માંગી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp