મહાનગરોમાં 54 ટકા મતદારો મતદાનથી અળગા કેમ રહ્યાં?

PC: nyoooz.com

ગુજરાતમાં છ મહાનગરોની યોજાયેલી ચૂંટણીમાં 54 ટકા લોકો મતદાનથી અળગા રહ્યાં છે. છેલ્લી ત્રણ ચૂંટણીની સરખામણીએ 2021માં ઓછું મતદાન થયું છે તેમ છતાં ભાજપને ફાયદો થાય તેવી સંભાવના છે. આઇબી રિપોર્ટ પ્રમાણે પાંચ મહાનગરોમાં ભાજપ સત્તા મેળવે છે જ્યારે એક મહાનગરમાં સત્તાની નજીક રહેશે. શહેરી વિસ્તારના મતદાનમાં કોંગ્રેસે મહેનત કરી નથી પરંતુ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ મેદાનમાં રહેલા જોવા મળ્યા છે.

રાજ્યમાં અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત, ભાવનગર અને જામનગર મહાનગરની યોજાયેલી ચૂંટણીમાં ઓછા મતદાનમાં સૌથી મોટું કારણ કોરોના સંક્રમણ છે. લોકો કોરોનાથી હજી પણ ડરેલા છે. ઓછા મતદાનમાં પેટ્રોલ-ડીઝલના દામ અને કોરોના સંક્રમણ સમયે લોકો પાસેથી માસ્કના બહાને ઉઘરાવેલા 1000 રૂપિયા સૌથી મોટું કારણ છે. લોકોને મોંઘવારી નડી છે જેનો ગુસ્સો લોકોએ ઘરમાં બેસીને શાસક પક્ષ ભાજપ પર ઉતાર્યો છે.

મહાનગરોની ચૂંટણીમાં ભાજપના નેતાઓ તેના કાર્યકર્તાઓને એવી અપીલ કરી હતી કે વધુને વધુ લોકોને મતદાન સુધી લઇ આવજો પરંતુ ખુદ ભાજપના કાર્યકર્તાઓએ સોશ્યલ ડિસ્ટન્સીંગનું પાલન કર્યું છે. આ ચૂંટણીનું પરિણામ જ્યારે 22મી ફેબ્રુઆરીએ આવશે ત્યારે પાલિકા અને પંચાયતોની ચૂંટણીનો રોડ મેપ તૈયાર થશે. ભાજપને એવું છે કે મહાનગરોની ચૂંટણીના પરિણામો પછી લોકો પાલિકા અને પંચાયતોમાં ભાજપને મત આપશે પરંતુ અત્યારે આ પગલું લેવાશે કે કેમ તે કહેવું વહેલું એટલા માટે છે કે મતદાન ખૂબ ઓછું થયું છે.

ગુજરાતની છ મહાનગરોની ચૂંટણીમાં કંગાળ 46 ટકા જેટલું મતદાન નોંધાયું છે. રાજ્યમાં 2020ના વર્ષમાં અનેક તહેવારો પર સરકારે કોરોના સંક્રમણના કારણે બ્રેક મારી હતી પરંતુ ચૂંટણી સમયે સભા અને રેલીઓમાં કોઇ નિયંત્રણો રાખ્યા નહીં હોવાથી લોકો ગુસ્સામાં રહ્યાં છે. વળી, કોરોના સંક્રમણના બહાને શહેરોમાં માસ્ક નહીં પહેરવા બદલ લોકોને દંડીત પણ વધારે કર્યા છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ આસામાને હોવાથી સામાન્ય મતદાર શાસક પક્ષ તરફી મતદાનથી દૂર રહ્યો છે.

છ મહાનગરોની ચૂંટણીમાં કોંગ્રેસના પ્રદેશ નેતાઓ જાણે છે કે તેમનો ગજ વાગવાનો નથી તેથી તે લોકોને મતદાન કરાવવાથી અળગા રહ્યાં છે. કોંગ્રેસના કાર્યકરોએ પણ મતદારોના પાર્ટી તરફી મતદાન કરાવવા માટે કોઇ પ્રયાસ કર્યો નથી. શહેરી વિસ્તારમાં કોંગ્રેસનો દેખાવ હંમેશા કંગાળ રહ્યો છે પરંતુ આ વખતે કોંગ્રેસનું સ્થાન આમ આદમી પાર્ટીએ લીધું છે. મતદાન સમયે આમ આદમી પાર્ટીના કાર્યકરો લોકોને મતદાન કરવા માટે પ્રેરી રહ્યાં હોવાના દ્રશ્યો જોવા મળ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp