26th January selfie contest

ગુજરાતના મોદીબ્રાન્ડ પોલિટિક્સની UPમાં નકલ કરવા જતા યોગી ભેરવાઇ ગયા છે

PC: https://www.aajtak.in

હાલ ભારતના રાજકારણમાં સૌથી વધુ ચર્યા હોય તો તે છે ઉત્તરપ્રદેશની ફેબ્રુઆરીમાં થનારી વિધાનસભાની ચૂંટણીની. કહેવાય છે કે ઉત્તરપ્રદેશની ચૂંટણીથી જ દેશના વડાપ્રધાન નક્કી થાય છે. તાજેતરમાં જ યુપીની એક સભામાં ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું હતું કે જો વર્ષ 2024માં નરેન્દ્રભાઇને વડાપ્રધાન બનાવવા હોય તો વર્ષ 2022ની ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણી જીતવી જરૂરી છે.

પરંતુ હાલમાં પરિસ્થિતિ એવી ઊભી થઇ છે કે એક સમયે ઉત્તરપ્રદેશમાં ભાજપનો કોઇ વિકલ્પ દેખાતો ન હતો ત્યાં અચાનક જ સમાજવાદી પાર્ટીના અખિલેશની ચારેબાજુ ચર્ચા થઇ રહી છે. ઓબીસીના મોટા નેતા સ્વામીપ્રસાદ મૌર્ય સહિત 14 જેટલા ભાજપના ધારાસભ્યો અને મંત્રીઓએ યોગીની લીડરશીપ સામે બળવો કરીને સમાજવાદી પાર્ટી જોઇન કરી લીધી છે.

એકહથ્થુ શાસન

આ બધા નેતાઓને વાંધો ભારતીય જનતા પાર્ટી કરતા યોગી આદિત્યનાથની કામ કરવાનીની નીતિ સામે વધુ છે. વરિષ્ટ પત્રકાર શ્રવણ ગર્ગે એક ડિબેટમાં હાલમાં જ કહ્યું કે યુપીમાં જે હાલ થઇ રહ્યું છે તે યોગી આદિત્યનાથની શાસન કરવાની ખોટી નીતિઓને કારણે થઇ રહ્યું છે. ત્યાં ભાજપના પોલિટિકલ ફેલ્યોર કરતા ગર્વનેન્સ ફેલ્યોર વધારે છે.

યોગીની સામે ત્યાંના નેતાઓને સૌથી મોટો વાંધો શું છે. સૌથી મોટો વાંધો એ છે કે યોગી એકહથ્થુ શાસન ચલાવતા હતા. તેમણે શાસન માટે મંત્રીઓ કે ધારાસભ્યોની મદદ લેવાને બદલે 11 આઇએસ અને આઇપીએસ ઓફિસરોની એક ટીમ બનાવી હતી જેમની સલાહના આધારે તેઓ તમામ કામો કરતા હતા. તે ટીમને ત્યાંના પત્રકારો ટીમ 11 કહેતા હતા. કહેવાય છે કે યોગીની કેબિનેટ બેઠકો તો નામ પૂરતી રહેતી હતી. તેમાં મંત્રીઓએ માત્ર નિર્ણયો પર પોતાની સહી જ કરવાની રહેતી હતી. આમ ત્યાં એક રીતે અધિકારી રાજ આવી ગયું હતું.

હવે ગુજરાતમાં પણ નરેન્દ્ર ભાઇના આવ્યા પછી અધિકારી રાજ જ હતું. આ પ્રકારની ફરિયાદો વાંરવાર થતી રહી હતી. નરેન્દ્ર ભાઇ વડાપ્રધાન બની ગયા દિલ્હી ગયા ત્યારપછી તો ભાજપના ઘણા મોટા નેતાઓએ પણ ખુલ્લેઆમ આવી ફરિયાદો કરી કે ગુજરાતમાં અધિકારી રાજ છે. આમ, યોગીએ પણ નરેન્દ્રભાઇની સ્ટાઇલથી જ યુપીમાં રાજ કરવાનું શરૂ કર્યું.

કદાચ તેમણે વિચાર્યું હોય કે નરેન્દ્રભાઇ પણ વિધાનસભાની ચૂંટણી લડ્યા વગર જ સીધા ગુજરાતના મુખ્યમંત્રી બની ગયા હતા. યોગીને પણ તે રીતે જ સીધા મુખ્યપ્રધાન બનાવાયા હતા. આમ, એક રીતે બન્નેમાં સમાનતા હતી. જોકે, યોગીએ નરેન્દ્ર મોદી જેટલા લોકપ્રિય નથી. નરેન્દ્રભાઇ પોતાની ગુજરાત અને ગુજરાત બહારની લોકપ્રિયતાને કારણે શક્તિશાળી હતા. ખાસ કરીને વર્ષ 2002 પછી તો તેઓ આખા દેશમાં જાણીતા બની ગયા હતા. તેમની લોકપ્રિયતા તમામ જ્ઞાતિઓ અને વર્ગો વચ્ચે હતી. તેમના બળે જ ઘણા લોકો ચૂંટણી જીતીને આવતા હતા.

જ્યારે યોગી આદિત્યનાથ તેમના ગોરખપુર સિવાય આખા યુપીમાં એટલા લોકપ્રિય નથી. આ ઉપરાંત તેમની છાપ ઠાકુર તરીકેની છે. જેની સામે તેમની સરકારમાં ઘણા મંત્રીઓ અને ધારાસભ્યો એવા છે જેમની લોકોમાં પકડ છે. તેઓ યોગીના સહારે ચૂંટણી જીત્યા ન હતા. અગાઉ 200 જેટલા ધારાસભ્યોએ યોગીની એકહથ્થું શાસન કરવાની નીતિ સામે એક રીતે બળવો પોકાર્યો હતો પરંતુ તે દવાબી દેવાયો હતો. જોકે, હવે ચૂંટણી નજીક આવતા જે સ્પ્રીંગ 5 વર્ષ સુધી દબાવાઇ હતી તે અચાનક ઉછળીને બહાર આવી રહી છે. વર્ષ 2017માં અમિત શાહે જે સોશિયલ એન્જિનિંયરીંગ કરીને તમામ જ્ઞાતિઓ અને વર્ગોને ભેગા કરીને ચૂંટણી જીતાડી હતી તે વર્ગો હવે ભાજપથી દૂર થઇ રહ્યા છે.

તો શું ભાજપ ઉત્તરપ્રદેશમાં હવે માત્ર પોતાના હિન્દુત્વના એજન્ડા પર જીતનો મદાર રાખે છે. શું તેમાં સફળતા મળશે. તે માટે 10 માર્ચ સુધીની રાહ જોવી પડશે.

કેન્દ્ર સામે બાથ ભીડવી

નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી બન્યા ત્યારપછી વર્ષ 2004 સુધી તો કેન્દ્રમાં ભાજપની સરકાર હતી. 2002ના રમખાણો પછી તેમનું રાજીનામું લઇ લેવાશે તેવી વાત હતી. પરંતુ તેમ થઇ ન શક્યું. વડાપ્રધાન અટલબિહારી વાજપેયીની ઇચ્છા હોવા છતાં લાલકૃષ્ણ આડવાણી કેમ્પના સમર્થનને કારણે નરેન્દ્રભાઇને દૂર કરી શકાય નહી. આ કેન્દ્રની સામે તેમની પહેલી જીત હતી. હાલમાં યોગી આદિત્યનાથ પણ કેન્દ્ર સરકાર સામે બાથ ભીડતા હોવાની ચર્ચા વારંવાર થાય છે.
કેન્દ્રમાંથી આઇએએસ અરવિંદ શર્માને તેમની કેબિનેટમાં શામેલ કરવા મોકલાયા પરંતુ તેમણે તેમને માત્ર સંગઠનમાં હોદ્દો આપીને બેસાડી દીધા. હાલમાં ચીફ સેક્રટરી તરીકે એક ઓફિસરને મોકલાયા છે. પરંતુ યોગી પોતાની ટીમ 11થી જ કામ કરે છે. આમ નરેન્દ્ર ભાઇની જેમ જ યોગી પણ પોતાના રાજ્યમાં કેન્દ્રના હસ્તક્ષેપને પસંદ કરતા નથી એવું બતાવે છે. કેન્દ્ર સરકાર એક બાજુ લખીમપુર ખીરી કાંડમાં બદનામ થઇ ચૂકેલા ગૃહરાજ્યમંત્રી આશીષ મિશ્રા ટેણીને હટાવતી નથી. ત્યાં રાજ્ય સરકાર તે ઘટનાને એક સાજિશ તરીકે જણાવે છે. આમ, ભલે ડબલ એન્જિનની સરકાર કહેવાતી હોય પરંતુ ઘણીવાર બન્ને એન્જિન એક જ દિશામાં જતા હોય તેમ લાગતું નથી. કેન્દ્ર સામે બાથ ભીડવામાં પણ યોગી થાપ ખાઇ રહ્યા હોય તેમ લાગે છે. કારણ કે તેમને જોઇએ તેવી સફળતા મળતી નથી. તેમને રામમંદિરના શિલાન્યાસમાં ક્યાંય મહત્વ મળતું નથી. કાશી કોરિડોરના ઉદ્ઘાટનમાં પણ તેઓ પાર્શ્વ ભૂમિકામાં જ રહે છે. એટલે પીએમ મોદી વાંરવાર યોગીને કટ ટુ સાઇઝ તો કરી જ દે છે. વડાપ્રધાન ગાડીમાં બેસીને આગળ જતા હોય અને યોગી પાછળ પાછળ ચાલતા આવતા હોય તે તસ્વીર તો બધાએ જોઇજ છે.

હિન્દુત્વ, વિકાસ અને ઉદ્યોગપતિઓનું સમર્થન

યોગી આદિત્યનાથનો ચહેરો પહેલાથી જ હિન્દુત્વનો ચહેરો છે. તેમના ભાષણો હિન્દુત્વવાદીઓમાં પ્રચલિત છે. પરંતુ જ્યારે વિકાસની વાત એવા ત્યારે તેમનું નામ તેની સાથે જોડાતું નથી. કહેવાય છે કે યોગીના કાળમાં ઉત્તરપ્રદેશમાં સારો વિકાસ થયો છે તેનો પ્રચાર કરીને બ્રાન્ડ યોગી બનાવવા માટે આખા દેશમાં રૂ. 600 કરોડથી વધુના ખર્ચે પ્રચાર કરાયો છે. અંગ્રેજીના છાપાઓમાં પણ આખા પાનાની જાહેરાતો કરાઇ છે. પરંતુ તેની કોઇ ખાસ અસર હાલ સુધી જોવા મળતી નથી. તેમને વિકાસ સાથે જોડીને લોકો હજુ જોઇ શકતા નથી. તેમણે પણ વાઇબ્રન્ટ ગુજરાતની જેમ ઉત્તરપ્રદેશમાં મૂડીરોકાણ આવે તેવા પ્રયાસો કરી જોયા પરંતુ તેનો કોઇ ફાયદો થયો હોય તેમ દેખાતું નથી. કોઇ મોટા ઉદ્યોગગૃહોના માલિકોએ તેમના વખાણ કર્યા હોય તેવું ક્યાંય દેખાતું નથી. જ્યારે નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રીત્વના કાળમાં ટાટા હોય કે અંબાણી હોય કે બીજા ઉદ્યોગગૃહો તમામે તમામે નરેન્દ્રભાઇના વખાણ કર્યા અને તેમને વડાપ્રધાન તરીકે જોવાની ખુલ્લેઆમ જાહેરાત કરી. યોગી આદિત્યનાથ સાથે ઉદ્યોગગૃહો નથી. એટલે તેમની છબિ હિન્દુત્વ સુધી જ સીમિત છે. તેઓ વિકાસપુરુષ તરીકે પોતાને પ્રસ્થાપિત કરી શકાય નથી. એટલે જે તમામ જ્ઞાતિઓ અને વર્ગો તેમની સાથે જોડાયેલા દેખાતા નથી.

હવે શું થશે

યોગી આદિત્યનાથને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું સમર્થન છે. સંઘ તેમને ભવિષ્યમાં હિન્દુત્વના ચહેરા તરીકે જૂએ છે. હવે સંઘ પરિવાર અને ભાજપના સહારે યોગી આદિત્યનાથ જો યુપીની ચૂંટણી ફરી જીતી જાય તો તેઓ કદાચ બીજા નરેન્દ્ર મોદી બની જશે. તેમની સ્ટાઇલથી જ કામ કરશે. તેઓ વધુ તાકાત સાથે કામ કરશે. કદાચ તેમને વર્ષ 2029માં વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે પણ પ્રોજેક્ટ કરવામાં આવે. પરંતુ એક વાત નક્કી છે ઉત્તરપ્રદેશ એ ગુજરાત નથી. ત્યાં વિપક્ષ નબળો નથી. જ્ઞાતિઓનું રાજકારણ કરતા નેતાઓની પકડ ઊંડે સુધી છે. સૌથી મોટી વાત ત્યાની પ્રજા ગુજરાતની પ્રજા કરતા રાજકીય રીતે વધુ સક્રિય છે. ગુજરાતમાં આજે પણ મોદીના નામે જ ચૂંટણીઓ જીતાય છે. ઉત્તરપ્રદેશમાં પણ મોદીનું નામ ચાલે છે પરંતુ કેન્દ્રમાં સરકાર બનાવવા માટે. ઉત્તરપ્રદેશમાં ચૂંટણી જીતવા યોગીનું નામ કેટલું ચાલે છે, તે જોવાનું રહ્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp