ગુજરાતમાં 100-150 મીટર ઉંચી ઇમારતો બનશે પરંતુ પ્લાન પાસ થતા નથી, હવે નવો નિયમ...

PC: business-standard.com

ગુજરાતમાં બહુમાળી મકાનો એટલે કે 100 થી 150 મીટરના મકાનો બનાવવા માટે રાજ્ય સરકારે મંજૂરી આપી છે પરંતુ આ ઇમારતો માટે શહેરી વિસ્તારમાં પ્લાન પાસ થતાં નથી. એવું કારણ આપવામાં આવે છે કે આટલી ઉંચી ઇમારત બનાવવી હોય તો જે તે ડેવલપર્સે મકાનના સ્ટ્રક્ચરની ડિઝાઇન 100 વર્ષના આયુષ્ય સાથે રજૂ કરવી પડશે. ગુજરાત સરકારે એક વર્ષ પહેલાં કોમન જીડીસીઆરમાં સુધારો કરી અમદાવાદ સહિતના શહેરોમાં 100 થી 150 મીટર ઉંચી ઇમારતો બનાવવાની મંજૂરી આપવાનું નક્કી કર્યું હતું અને તે પ્રમાણે ફાઇનલ જાહેરનામું પણ રજૂ કરી દેવામાં આવ્યું હતું. જો કે ગાંધીનગરમાં યોજાયેલી એક બેઠકમાં એવું નક્કી થયું હતું કે આટલી ઉંચી ઇમારતનું આયુષ્ય પણ વધારે હોવું જોઇએ જેથી બિલ્ડર કે ડેવલપર્સે પ્લાનની સાથે 100 વર્ષના આયુષ્યવાળી ડિઝાઇન પણ રજૂ કરવી પડશે.

અમદાવાદના એક કેસમાં 108 મીટર એટલે કે 33 માળની એક ઇમારતનો પ્લાન મંજૂરી માટે આવ્યો હતો પરંતુ તેમાં ક્વેરી કાઢવામાં આવી હતી. આ પ્લાનમાં ઇમારતની જે ડિઝાઇન મૂકવામાં આવી હતી તેમાં 100 વર્ષના આયુષ્ય અંગેનો કોઇ ઉલ્લેખ ન હતો. સ્ટ્રક્ચરલ કમિટીના સભ્યોએ એક નહીં 30 જેટલી ક્વેરી કાઢી હતી. આ ઇમારતની ડિઝાઇન 50 વર્ષના આયુષ્યને ધ્યાનમાં રાખી તૈયાર કરવામાં આવી હતી જે રિજેક્ટ કરી દેવામાં આવી હતી અને ડેવલપર્સને કહેવામાં આવ્યું હતું કે સ્ટ્રક્ચરલ ડિઝાઇન બદલવાની રહેશે.

એક્સપર્ટ ઇજનેરોએ બેઠકમાં એવો મત વ્યક્ત કર્યો હતો કે, જ્યારે 108 મીટરની ઊંચાઇની ઇમારતને મંજૂરી આપવામાં સૌથી મહત્ત્વનું પાસુ ઇમારતનું આયુષ્ય છે. આવી ઊંચાઇની ઇમારત મંજૂર કરવામાં આવે તો ઓછામાં ઓછું 100 વર્ષનું આયુષ્ય હોવું જોઇએ. જો 50 વર્ષના આયુષ્યવાળી ઇમારત હોય તો ફરી 50 વર્ષ બાદ રિ-ડેવલપમેન્ટ કરવું પડે અને ફરી તેટલોને તેટલો ખર્ચ ભોગવવો પડે તે યોગ્ય નથી. જો કે ડેવપર્સે ફરીથી ડિઝાઇન રજૂ કરતાં તેમનો પ્લાન 15 દિવસમાં પાસ થયો છે.

ઉંચી ઇમારતો માટે એક્સપર્ટ તરફથી કુરદતી આપત્તિ જેવી કે, સાયક્લોન કે ભૂકંપપ્રૂફ બાંધકામ માટે પણ કેટલાંક સૂચનો કરવામાં આવ્યા છે. ફાયર સેફ્ટીના કેટલાંક મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી છે. રાજ્ય સરકારે 2014માં મંજૂર કરેલા જીડીસીઆરમાં 45 મીટરથી વધુ ઉંચાઇ અને 70 મીટર સુધીની ઊંચાઇના બિલ્ડિંગને મંજૂરી આપવા માટે જોગવાઇ કરી હતી. જેના માટે પણ કમિટી બનાવી હતી. જેમાં અત્યાર સુધીમાં 50 બિલ્ડિંગને મંજૂરી આપવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp