26th January selfie contest

રાજ્યમાં 11 વર્ષમાં 990 કામદારો બાંધકામ સાઇટ પર મૃત્યુ પામ્યા, સહાય કેટલાને?

PC: surrey.ca

રાજ્યમાં 11 વર્ષમાં 990 જેટલા કામદારો બાંધકામની સાઇટ પર મૃત્યુ પામ્યા છે. મોટાભાગના કેસોમાં યોગ્ય વળતર વગર જ મામલો રફેદફે થઇ જાય છે.  

2018માં 144 બાંધકામ સ્થળે અકસ્માત થયા હતા. જેમાં 137 કર્મચારીઓના મૃત્યુ થયા હતા. રાજ્યભરના પોલીસ સ્ટેશનોમાં કરેલી અરજીઓમાં આપેલા જવાબોનું સંકલન કરતાં આ વિગતો બહાર આવી છે. સરકાર પાસે તો આવી સંકલિત માહિતી ન હતી. રાજ્યસરકારની અયોગ્ય નીતિને કારણે 2018 સુધીમાં 990 મોતમાં માત્ર 44 કામદારોને બોર્ડની આકસ્મિક મૃત્યુ સહાય મળી છે. જે ચોપડે નોંધાતા નથી અને મોતને રફેદફે કરી દેવામાં આવે છે એ આંક ઘણો મોટો હોઈ શકે છે.

બાંધકામ મઝદૂર સંગઠનની માહિતી મુજબ, અકસ્માતનો ભોગ બનતા કામદારોમાં દાહોદ – પંચમહાલ જિલ્લાના આદિવાસીઓ અને પરપ્રાંતના શ્રમિકોનો સમાવેશ થાય છે. અકસ્માતોનો ભોગ બનતા આ ગરીબ શ્રમજીવીઓના આશ્રિતોને વળતર માટે વલખાં મારવા પડે છે. ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ પાસે આશરે રૂ.2200 કરોડનું કલ્યાણ ભંડોળ પડેલું હોવા છતાં મોતને ભેંટતા મજૂરો માટે આ નાણાં વાપરવા માટે હોવા છતાં સરકાર મદદ કરતી નથી. રૂ.1.50 લાખથી રૂ.3 લાખ સહાય આ ભંડોળમાંથી આપવી પડે છે. પણ તેમ થતું નથી.

વિપુલ પંડ્યાએ જણાવ્યું હતું કે છેલ્લા 11 વર્ષમાં ગુજરાતના 990 બાંધકામ કર્મચારીઓએ તેમના જીવન ગુમાવ્યા છે. મોટાભાગના અકસ્માત ગુજરાતના ટોચના શહેરો, અમદાવાદ, સુરત અને વડોદરામાં થયા હતા, જેમાં મુખ્યત્વે દાહોદ અને પંચમહાલ જીલ્લાના સ્થળાંતરિત કામદારો સામેલ હતા.

ગુજરાત બિલ્ડિંગ અને અન્ય કન્સ્ટ્રક્શન વર્કર્સ વેલ્ફેર બોર્ડ માટે આ કાયદાના જોગવાઈઓ હેઠળ રૂ.2,200 કરોડનું કલ્યાણ ભંડોળ એકત્રિત કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારે આના પર માત્ર રૂ.82.16 લાખ સહાય આપી છે.

આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠનના જણાવ્યા પ્રમાણે બાંધકામના સ્થળે અકસ્માતો દરમિયાન થયેલા મોતની ઘટનાઓ વધી રહી છે તે ચિંતાજનક છે. અકસ્માતો અને કામ સંબંધિત બિમારીઓના કારણે દુનિયામાં 27.8 લાખ કર્મચારીઓ દર વર્ષે મરી જાય છે. દર વર્ષે 60,000 બાંધકામ કામદારો ઘાતક અકસ્માત પછી અપંગતાના કારણે જીવનભર પીડાય છે. ભારત માટે ચોક્કસ આંકડા ઉપલબ્ધ નથી. પણ 1 હજાર અકસ્માત દીઠ 165 લોકો મોતને ભેટે છે.

દુનિયામાં કુલ ૨૨ કરોડ જેટલાં લોકોના ઘર કન્સ્ટ્રક્શન ક્ષેત્રના કારણે ચાલે છે. હવે મજૂરો માટે ખરાબ દિવસો આવી રહ્યાં છે. દુનિયામાં 2 કરોડ લોકોની રોજી રોબોટ લઈ લેશે. આવા રોબોટનું ફેક્ટરીમાં ઉત્પાદન શરૂ થવાની તૈયારીમાં છે.

ગુજરાતમાં નોંધાયેલા કુલ અકસ્માતોમાં ઉપરથી નીચે પડવું, માટીની ભેખડ ઘસી જતા નીચે દબાઈ જવું, ઇલેક્ટ્રિક કરંટ લાગવાથી અને નીચે કામ કરતા હોય ત્યારે ઉપરથી ભારે વસ્તુ માથા ઉપર પડવાને કારણે મુત્યું થયાનું જાણવા મળે છે.

બાંધકામ કામદારોની સલામતી અને સ્વાસ્થ્ય માટે ભારત સરકારે ધી બિલ્ડીંગ એન્ડ અધર કન્સ્ટ્રકશન વર્કસ(રેગ્યુલેશન ઓફ એમ્પ્લોયમેન્ટ એન્ડ કન્ડીશન ઓફ સર્વિસ ) એકટ-૧૯૯૬ ઘડેલો છે. રાજ્ય સરકારે વર્ષ: 2003માં આ કાયદા હેઠળ નિયમો પણ ઘડેલાં છે અને તેમાં 80 ટકા જોગવાઈઓ કામદારોની સલામતી અને સ્વાસ્થ્યને લગતી હોય તેમ છતાં અકસ્માતોની ઘટનાઓ બને છે. મોટાભાગની અકસ્માતની ઘટનામાં પોલીસ જાણવાજોગ નોંધ કરે છે. જુજ બનાવોમાં જ પોલીસે એફ આઈ આર નોંધીને IPC ની ક્લમ 304 હેઠળ કાર્યવાહી કરે છે. મોટાભાગના અકસ્માતોના બનાવો ઉપર ઢાંક પીછોડો કરવામાં આવે છે. ગરીબ મજૂરોની મજબૂરીનો ફાયદો ઉઠાવી તેમને થોડી લાલચ આપી કેસ રફેદફે કરવાની ઘણી ઘટનાઓ બની ચૂકી છે.

 

 

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp