‘પ્લેટિનમ’ ઍવોર્ડ પ્રચાર માટે ધોલેરાનો ફરેબી ટેગ બનશે

PC: khabarchhe.com

જાન્યુઆરી 2019માં વાયબ્રન્ટ ગુજરાતમાં ધોલેરા માટે પ્રચાર કરવામાં આવશે. જેમાં પ્રચાર કરવા માટે કોઈકને કોઈ તુક્કા શોધી કાઢવામાં આવે છે. હવે તેને પ્લેટિનમ ઍવોર્ડ આપીને ધેલેરાને ટેગ આપવાનો સરકારી પ્રયાસ કરાયો છે. ઇન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ (આઇજીબીસી)એ ગ્રીન સિટીઝ રેટિંગ દ્વારા નક્કી કરાયેલા સાત પર્યાવરણીય માપદંડો પ્રમાણે – ઇકો-વિઝન, લેન્ડ યુઝ પ્લાનિંગ એન્ડ બિલ્ટ એનવાયર્નમેન્ટ, હેલ્થ એન્ડ વેલ બિઇંગ, સસ્ટેનિબિલિટી મોબિલીટી, વોટર, એનર્જી એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેનેજમેન્ટ, ઇન્ફર્મેશન એન્ડ કમ્યુનિકેશન્સ ટેક્નોલોજી અને ઇનોવેશન ઇન સિટી પ્લાનિંગ સહિત આઇજીબીસીના ધોરણોને આધારે પ્રાપ્ત કરેલા ક્રેડિટ પોઇન્ટ્સને આધારે ધોલેરાની પસંદગી કરવામાં આવી છે.

મુંબઇ ખાતે 8 ઓક્ટોબર, 2016ના રોજ ભારતના ગ્રીન મીશનને પ્રેરણા આપતા ઇન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ (આઇજીબીસી)એ તેના પ્રતિષ્ઠિત ગ્રીન સિટી ‘પ્લેટિનમ’ રેટિંગ્સ દિલ્હી-મુંબઇ ઇન્ડસ્ટ્રિયલ કોરિડોર (ડીએમઆઇસી) પ્રોજેક્ટ અંતર્ગત આકાર લઇ રહેલા ઔદ્યોગિક શહેર ધોલેરા સ્પેશિયલ ઇનવેસ્ટમેન્ટ રિજન (ડીએસઆઇઆર)ને એનાયત કર્યો હતો.

ધોલેરા સિટીનો કુલ વિસ્તાર 920 ચોરસ કિમી છે અને 540 ચોરસ કિમી વિસ્તારમાં વિકાસ કામગીરી હાથ ધરવામાં આવશે, જે ભારતમાં આકાર લેતું સૌથી મોટું ગ્રીન સિટી બનાવવાની પોકળ જાહેરાત ગુજરાત સરકાર 2009થી કરી રહી છે. તેમ છતાં મુંબઇમાં આઇજીબીસીની ગ્રીન બિલ્ડિંગ કોંગ્રેસ 2016માં વર્લ્ડ ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલના ચેરપર્સન તાઇ લી સિઆંગ આજે રેટિંગ્સ સર્ટિફિકેટ એનાયત કર્યું હતું.

આઇજીબીસીના ગ્રીન સિટી રેટિંગ મેળવનાર ધોલેરા વિશ્વના કેટલાક શહેરો પૈકીનું એક છે અને તે ભારતમાં પ્રથમ ગ્રીનફિલ્ડ સિટી છે. ઍવો પ્રચાર હવે 2019ના વાયબ્રન્ટ ગુજરાતમાં કરવાના છે. લોકો ફરીફરી છેતરાશે તેમને વર્ષો સુધી મૂડી રોકાણ કરનારને વળતર નહીં મળે.

ડીએમઆઇસીડીસીના સીઇઓ અને એમડી અલ્કેશ કુમાર શર્મા તો ઍવો પ્રચાર કરી રહ્યાં છે કે, ‘ધોલરા શહેરનું વિશ્વ સ્તરીય માળખું વિશ્વભરમાં શ્રેષ્ઠ કાર્યપદ્ધતિ સામે બેન્ચમાર્ક છે અને શહેરમાં કાર્યક્ષમ ગતિશીલતાનું આયોજન, 100 ટકા ટ્રીટમેન્ટ અને ગંદા પાણીના પુનઃઉપયોગ, કચરાનું જાહેરમાં ડમ્પિંગ કરાવ્યાં વિના 100 ટકા ઘન કચરાનું એકત્રીકરણ, સ્ટ્રોમ વોટર મેનેજમેન્ટ અને રેઇન વોટર હાર્વેસ્ટિંગ જેવા મહત્ત્વપૂર્ણ માળખાને પણ સાંકળી લેવાશે.’ તેમનો દાવો ગમે તે હોય પણ ગુજરાતમાં સ્માર્ટ સિટી બનાવવાની જાહેરાત કરવામાં આવી છે તેમ છતાં તેમાં એક પણ શહેરમાં એક પણ પ્રોજેક્ટ સ્માર્ટ સિટી નથી બન્યો.

ડિઝાઇન સ્ટેજથી જ ધોલેરાને ગ્રીન સિટી તરીકે ભારતના લોકો માટે પ્રચાર કરીને જમીન ખરીદવા લલચાવવામાં આવી રહ્યાં છે. ધોલેરાની પ્રોજેક્ટ ટીમે આ દિશામાં સહિયારા પ્રયાસો કર્યાં છે, એવું ભ્રામક ચિત્ર ઊભું કરાઈ રહ્યું છે. આગામી દિવસોમાં ધોલેરા સિટી ઔદ્યોગિક સમૂહોને સંરક્ષણ, એરોસ્પેસ અને હેવી એન્જિનિયરિંગ જેવા ક્ષેત્રોમાં વિશાળ તકો પૂરી પાડશે, ઍવો દાવો 10 વર્ષથી કરવામાં આવી રહ્યો હોવા છતાં આજે એક પણ પ્રોજેક્ટ દ્વારા તેની ફેક્ટરીનું બાંધકામ પણ શરૂ કર્યું નથી.

તેમ છતા શર્માએ મુંબઈ, સુરત, દિલ્હી, ચેન્નાઈ અને વિદેશના લોકો કે જેમણે ધોલેરામાં જમીન ખરીદ કરી છે. તેને માટે ફરી એક વખત લોલીપોપ આપીને ઍવો પ્રચાર કરી રહ્યાં છે કે, પ્લેટેનિયમ રેટિંગથી ધોલેરાના અમારા ગ્રાહકોને લાભ થશે. કારણ કે અન્ય શહેરોની સરખામણીમાં અહીં જીવન નિર્વાહ ખર્ચ ઓછો રહેશે. એવું તેઓ કહે છે. પણ સરકારના દર જ એટલા ઊંચા હશે કે તે શક્ય નહીં બને. નાગરિકોની સ્વસ્થ અને ગુણવત્તાયુક્ત જીવનશૈલી ટોચની પ્રાથમિકતા બની રહેશે, એવો દાવો ધોલેરા સરના વ્યવસ્થાપકો કાયમ કરી રહ્યાં છે પણ 35 હજાર ખેડૂતો હાલ ત્યાં રહે છે તેને એક મેડિકલ વાન પણ આપી શક્યા નથી.

ધોલેરાના અધિકારીઓ બહારની દુનિયા સમક્ષ પ્રચાર કરે છે કે, ડીએમઆઇસી પ્રોજેક્ટ હેઠળ વિકાસ પામનારા અન્ય ગ્રીનફિલ્ડ સિટીમાં પણ સમાન કાર્યપદ્ધતિ અને ધોરણોને અનુસરવામાં આવ્યાં છે. ધોલેરા દેશ માટે ગર્વ લેવાની બાબત બની રહેશે અને તે શહેરના આયોજનમાં વિશ્વ સ્તરીય બેન્ચમાર્ક સ્થાપવામાં દિશાસૂચક બનશે. સ્માર્ટ સિટી વિકસાવવાના સરકારના પ્રયાસો સાથે ધોલેરા દેશના અન્ય ગ્રીનફિલ્ડ સિટી માટે પ્રેરણાસ્રોત બની રહેશે. પણ અહીં સમુદ્રના પાણી ફરી વળે છે તથા નર્મદાનું પાણી અહીંના ખેતરોને આપવાનો પણ ઇનકાર કરી દેવામાં આવ્યો છે ત્યારે આવા દાવા પર કોઈ લોકોને ભરોસો બેસી શકતો નથી.

ધોલેરામાં એપ્રિલ 2016થી બાંધકામનો પ્રારંભ થઇ ચૂક્યો છે તેમજ રોડ અને અન્ડરગ્રાઉન્ડ સર્વિસિસ, એબીસીડી બિલ્ડિંગ, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને આઇસીટી માટેના રૂ. 2,300 કરોડના કોન્ટ્રાક્સ અપાયા છે. આઇસીટી કામગીરીમાં સિટી ઇન્ટિગ્રેટેડ ઓપરેશન્સ સેન્ટર, ઇ-ગવર્નન્સ, સિટી એપ્લીકેશન્સ, ડેટા સેન્ટર, સિટી-વાઇડ નેટવર્ક અને સિટી ડેશબોર્ડ્સ માટેની અદ્યતન ડિઝાઇનનો સમાવેશ થાય છે.

પ્રોજેક્ટના અમલીકરણ ઉપર દેખરેખ રાખતા એઇસીઓએમ, પ્રોગ્રામ ડિરેક્ટર જગદિશ સાલગોન્કર પ્રોજેક્ટ કામગીરી ઉપર સંતોષ જાહેર કરીને તેમની પ્રાથમિકતા મુખ્ય એન્કર ટેનન્ટ્સ મેળવવા માટે કામ કરવાના છે, જેથી શહેરમાં લોકોના રહેવાનો પ્રારંભ કરી શકે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp