ફળ-ફૂલ ઉગાડવા સરકાર સસ્તા ભાડે જમીન આપશે, તમારે લેવી હોય તો જાણી લો પ્રક્રિયા

PC: zeenews.india.com

રાજ્યની ખેડવાણ જમીનમાં વધારો કરવા સરકારે નવી કૃષિ નીતિ બનાવી છે. બિન ઉપજાઉ ઉજ્જડ-બંજર, પડતર સરકારી જમીનો લાંબાગાળાના લીઝ પર આપવાનો નિર્ણય સરકારે કર્યો છે. જેમાં બાગાયતી અને ઔષધિય પાકો માટે અપાશે. અપાશે. આ જિલ્લામાં બાગાયતી તથા ઔષધિય પાકો માટે રાજ્યમાં આવેલી બિન ઉપજાઉ સરકારી પડતર જમીનમાંથી 20 હજાર હેકટર જમીન 30 વર્ષની લીઝ-ભાડાપટ્ટે ફાળવવામાં આવશે. નજીવા દરે વાર્ષિક લીઝ રેન્ટ અને સિકયુરિટી ડિપોઝીટ લેવાશે. બાગાયત વિકાસ મિશનનો પ્રથમ તબક્કે રાજ્યના 5 જિલ્લા કચ્છ, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં અમલ કરવામાં આવશે. ખેડૂતો, કંપનીઓ, વ્યક્તિઓ, સંસ્થા, ભાગીદારી પેઢી જમીન ખરીદી શકશે. બિન ખેડૂતો તે ખરીદ કરી શકશે.જે રીતે બિનોબા ભાવેની ભૂદાનની જમીનોનો આજે કોઈ હિસાબ નથી એવી સ્થિતિ થઈ શકે છે. દલિત પરીવારો, સહકારી મંડળીઓને સરકારે જમીનો આપી હતી જેમાં ભરપુર ભ્રષ્ટાચાર કોંગ્રેસના સમયમાં થયો હતો. આવો જ ભ્રષ્ટાચાર આ જમીનોમાં ભાજપની સરકારમાં થવાની શક્યતા છે.

જે ખેડૂતો નથી એવા લોકો ખરીદ કરશે. ખરેખર તો જે ખેડૂતના શેઢા નજીક તે જમીન આવતી હોય તેને પ્રાયોરીટી આપવાની જરૂર હતી. તો સાચા ખેડૂતોને જમીન મળત. હવે આમાં લાગવગીયા અને પૈસાદાર લોકો કે કંપનીઓ જ જમીન ખરીદી શકશે. સામાન્ય ખેડૂતે જો આ જમીન લેવી હોય તો એક એકરે તેને 3 લાખનું ખર્ચ કરવું પડશે. તેથી તે સરકારી જમીન નહીં લઈ શકે. જે પૈસાદાર લોકો છે. તે લઈ શકશે.

પ્રક્રિયા

1 - પ્રગતિશીલ ખેડૂતો, સક્ષમ વ્યકિતઓ, સંસ્થાઓ, કંપનીઓ અથવા ભાગીદારી પેઢીને ફાળવી શકાશે.

2 - પ્રોજેક્ટ દીઠ જમીનનું ક્ષેત્રફળ 125 એકર થી 1 હજાર એકર (50 હેકટર થી 400 હેકટર સુધી) સુધી રહેશે. રાજ્યમાં આવી 50 હજાર એકર જમીન અપાશે.

3- જિલ્લાના કલેકટરની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાની સમિતિ જમીનના બ્લોક- સર્વે નંબરોની ઓળખ કરી જીલ્લા કક્ષાએ પસંદગી યાદી તૈયાર કરશે.

4 - પસંદગી યાદીના આધારે મહેસુલ વિભાગના પરામર્શમાં કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ જમીનની યાદી આઇ-ખેડૂત પોર્ટલ પર જાહેર કરશે.

5 -  જમીન વપરાશના આયોજન સાથે આઇ-ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરી શકશે.

6 - ઓનલાઇન મળતી દરખાસ્તની રાજ્યકક્ષાની ટેકનીકલ સમિતિ તાંત્રિક ચકાસણી કરશે અને રાજયકક્ષાની ઉચ્ચ સ્તરીય સમિતિ(હાઇ પાવર કમિટી)ને ભલામણ માટે મોકલશે.  

7- મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને રચાનારી રાજયકક્ષાની ઉચ્ચ સ્તરીય સમિતિ(હાઇ પાવર કમિટી) દરખાસ્ત ચકાસી જમીન 30 વર્ષ ભાડાપટ્ટે આપવા નક્કી કરશે.  

8 - 30 વર્ષની લીઝ પૂર્ણ થયે વધુ મુદત માટે ભાડાપટ્ટો લંબાવવા વિચારણા કરી શકાશે.

9 - લીઝધારક લીઝની મુદત પૂર્ણ થતા પહેલા વળતર વગર જમીન પરત કરી શકશે.

10 - જમીન માટે પ્રથમ 5 વર્ષ કોઇ બેઝીક ભાડુ લેવામાં આવશે નહી.

11 - 6થી 10 વર્ષ માટે દર વર્ષે એકર દીઠ રૂ.100, 11થી 20 વર્ષ માટે દર વર્ષે એકર દીઠ રૂ.250, 21થી 30 વર્ષ માટે દર વર્ષે એકર દીઠ રૂ.500 બેઝીક ભાડુ રહેશે.

12 - સિકયુરિટી ડિપોઝીટ તરીકે એકર દીઠ રુ.2500 જમીન ફાળવણી વખતે એક સાથે ભરવાની રહેશે.

13 - 5 વર્ષમાં પ્રોજેક્ટમાં મંજુર થયા અનુસારનું ડેવલપમેન્ટ જમીન પર  કરવાનુ રહેશે.

14 - પ્રોજેક્ટમાં સૂક્ષ્મ સિંચાઇની આધુનિક ટેક્નોલોજી વાળી ટપક કે ફુવારા પધ્ધતિની પિયત વ્યવસ્થા માટે સરકાર તરફથી પ્રવર્તમાન ધારાધોરણો મુજબ (GGRCના નિયત દર મુજબ) મળવાપાત્ર ખર્ચના 70% સુધી, ટોપ પ્રાયોરીટીમાં ફક્ત એકવાર સહાય મળશે.

15 - ટોપ પ્રાયોરીટીમાં કૃષિ વિષયક વિજ જોડાણ આપવામાં આવશે. આ માટે ખેતી વિષયક કનેકશન ગણીને દર તથા નિયમો લાગુ પડશે.

16 -  વીજ જોડાણ ન મળી શકે તો સ્વ-વપરાશ માટે જરૂરિયાત મુજબની સોલાર પેનલ (મોટર અને પમ્પસેટ સિવાય) નાખવા 25% સહાય, મોટા બ્લોક માટે આ સહાય પ્રોરેટા બેઝ પર મળવાપાત્ર થશે.

17 - વીંડ  મીલ લગાવી શકાશે. જેમાં વધારાની વીજળી વેચી શકાશે નહી.

18 - લીઝ પરની જમીનના રૂપાંતરીત વેરામાંથી મૂક્તિ આપવામાં આવશે.

19 - બિન ખેડૂત લીઝધારકને  ખેડૂતનો દરજજો મળશે નહી.

20 -જમીન સબલીઝ કે અન્ય ઉપયોગ કરવા આપી શકાશે નહી.

21 - લીઝની જમીન પર આનુષાંગિક પ્રવૃત્તિના હેતુ માટે જમીન ડીમ્ડ એન.એ. થયેલી ગણાશે. પરંતુ બાંધકામ પ્લાન સક્ષમ સત્તાધિકારી પાસે મંજૂર કરાવવા પડશે. કલેક્ટરને જાણ કરવાની રહેશે. તેમજ આવી જમીનો આકારણીને (બિનખેતી આકાર અને અન્ય ઇતર વેરાઓ) પાત્ર રહેશે.

22 - લીઝની જમીન સુધી પહોંચવા માટે કાચો એપ્રોચ રોડ ખુલ્લો કરી આપવામાં આવશે.

23 - સાત સભ્યોની જિલ્લા કક્ષાની જમીન પસંદગી સમિતિ સંબંધિત જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને રચાશે. જે બિન ઉપજાઉ સરકારી પડતર જમીન પૈકી બાગાયતી અને ઔષધીય પાકોની ખેતી માટે ઉપયોગમાં આવી શકે તેવી

જમીનના બ્લોક/સર્વે નંબરની યાદી તૈયાર કરીને જે તે પસંદ થયેલા બ્લોક, સર્વે નંબરની જમીન દબાણ કે અન્ય ઉપયોગમાં ન હોય તેની ખાતરી કરી ફાળવણી માટે જાહેર કરવા મંજૂરી માટે કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગને યાદી મોકલશે.

24 - મળેલી અરજીઓની સ્ક્રુટીની કૃષિ સચિવશ્રીની અધ્યક્ષતાની સાત સભ્યોની ટેક્નિકલ કમિટી કરશે.

25 - આ ટેક્નિકલ સમિતિની દરખાસ્ત અને ભલામણોના આધારે આવી જમીન લીઝ પર ફાળવવાનો અંતિમ નિર્ણય મુખ્યમંત્રીની 9 સભ્યોની હાઇપાવર કમિટી કરશે. આ કમિટીમાં નાયબ મુખ્યમંત્રી તેમજ કૃષિ, મહેસૂલ મંત્રીઓ, કૃષિ રાજ્યમંત્રી, મુખ્ય સચિવ તથા મહેસૂલ અને નાણાં વિભાગના અધિક મુખ્ય સચિવઓ સભ્ય તરીકે અને કૃષિ સચિવ સભ્ય સચિવ તરીકે ફરજ બજાવશે. બાગાયત નિયામક અમલીકરણ નોડલ અધિકારી રહેશે.

વેલ્યુએડીશનથી નિકાસ વધારાશે.

સુકા અને અર્ધસુકા તેમજ દરિયાકાંઠાના ખારાશવાળા વિસ્તારોને કારણે કૃષિ વિકાસ પડકાર રૂપ છે.1.96 કરોડ હેકટર જમીન પૈકીની 50 ટકા એટલે કે 98 લાખ હેકટર જમીન ખેતી હેઠળ આવેલી છે.
પડતર અને બિન ઉપજાઉ જમીનોમાં બાગાયતી અને ઔષધિય પાકોના વાવેતરની વિપૂલ સંભાવનાઓ છે.2019-20માં 4.46 લાખ હેકટરમાં ફળ પાક વાવેતર છે. 92.61 લાખ મેટ્રિક ટન ઉત્પાદન સાથે દેશના ફળ-શાકભાજીના કુલ ઉત્પાદનમાં 9.20 થાય છે.કુલ બાગાયતી પાકોના વાવેતરમાં વર્ષે 20 હજાર હેકટર જેટલો વધારો થઇ રહ્યો છે. ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારો દાડમ, જામફળ, ખારેક, પપૈયા જેવા પાકના હબ તરીકે ઉભરી આવ્યા છે.  
સૂકા, અર્ધસુકા કે ખારાશ ધરાવતા વિસ્તારોની જમીનો આપવામાં આવશે એવી જાહેરાત મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કરી હતી. 

 

 

 

 
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp