રિયલ એસ્ટેટમાં RERA પછી GSTનું સંકટ, કોને લાભ એ નિશ્ચિત નથી

PC: livemint.com

ભારત અને ગુજરાતના રિયલ એસ્ટેટ સેક્ટરને છેલ્લા એક વર્ષમાં બીજી વાર મોટા પડકારનો સામનો કરવાનો વારો આવે એવા એંધાણ જણાઇ રહ્યા છે, કેમ કે જીએસટી કાઉન્સિલ રિયલ એસ્ટેટ સેક્ટરને જીએસટી હેઠળ લાવવા ગંભીરતાથી વિચારી રહી છે.

નાણાંમંત્રી અરૂણ જેટલીએ પણ આ સપ્તાહે કહ્યું હતું કે રિયલ એસ્ટેટને જીએસટી લહેઠળ લાવવા ગંભીરતાથી વિચારણા થઇ રહી છે, કેમ કે જીએસટી કાઉન્સિલ તેની નવેમ્બર મહિનામાં મળનારી બેઠકમાં આ મુદ્દે ચર્ચા-વિચારણા હાથ ધરશે.

ઉલ્લેખનીય છે કે ઘર, મકાન અને ફ્લેટ ખરીદનારા ગ્રાહકોના હિતોનું રક્ષણ કરવા કેન્દ્ર સરકારે રિયલ એસ્ટેટ સેક્ટરને ભારે ભીંસમાં લેવા રિયલ એસ્ટેટ રેગ્યુલેશન એન્ડ ડેવલોપમેન્ટ એક્ટ (RERA)નો અમલ શરૂ કરી દીધો છે.

રિયલ એસ્ટેટ સેક્ટર ઉપર હાલ સ્ટેમ્પ ડ્યુટી અને ટ્રાન્ઝેક્શન ટેક્ષ એમ બે પ્રકારના કરવેરા નાંખવામાં આવ્યા છે, જો કે જુદા જુદા રાજ્યમાં એ કરવેરાના દર અલગ અલગ હોય છે, પરંતુ જો આ સેક્ટરને જીએસટી હેઠળ લાવવામાં આવે તો સમગ્ર દેશમાં એક જ કરવેરો લાગુ પડે. હાલ બાંધકામ હેઠળની સંપત્તિ ઉપર ગ્રાહકો અગાઉથી જ 12 ટકા જીએસટી ચૂકવે છે.

સરકાર કેવી રીતે અમલ શરૂ કરશે તે અંગે હાલ કોઇ સ્પષ્ટતા કરાઇ નથી એમ કેપીએમજી ઇન્ડિયાના ભાગીદાર સંતોષ દલવીએ બ્લુમબર્ગને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું. જો સમગ્ર રિયલ એસ્ટેટ સેક્ટરને જીએસટી હેઠળ લાવવામાં આવશે તો સરકારને સ્ટેમ્પ ડ્યુટી રદ કરવી પડશે પરંતુ તેના બદલામાં સરકાર રાજ્યોને થનારા નુકસાનનું કેવી રીતે વળતર આપશે તે અંગે હાલ કોઇ સ્પષ્ટતા કરાઇ નથી.

હાપલ બાંધકામ હેઠળની સંપત્તિ ઉપર લાગુ પડતા 12 ટકા જીએસટી અને સ્ટેમ્પ ડ્યુટીની રકમ થઇને કુલ 18 ટકા ટેક્સની રકમ થાય છે તેથી કયા દરે જીએસટી લાગુ કરવો તે બાબત સૌથી મહત્વની બની રહેશે એમ તેમણે મેર્યું હતું.

આ દલીલ સાથે સંમત થતાં અર્નેસ્ટ એન્ડ યંગના પાર્ટનર બિપીન સાપરાએ કહ્યું હતું કે આ કિસ્સો સરકાર માટે એક કસોટી બની રહેશે. બીજું કે ડેવલપર્સ કંપનીઓ કાચા માલ ઉપર પણ કરવેરા ચૂકવે છે પરંતુ અન્ય વેપારીઓને ઇન્પુટ ક્રેડિટુના સ્વરૂપમાં મળતું કોઇ ટેક્ષ રિફંડ મળતુ નથી.

રિયલ એસ્ટેટ સેક્ટરને જીએસટી હેઠળ લાવવામાં આવશે તો ડેવલપર્સ કંપનીઓને સારી એવી ઇન્પુટ ક્રેડિટ મળશે જેથી કરીને મકાનોની કિંમતો પણ નીચી આવશે એમ અનારોક પ્રોપર્ટી કન્સલ્ટન્ટના ચેરમેન અનુજ પુરીએ કહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp