ખોટા નામે જમીન પચાવી પાડી-બીજાને વેચી દેનારા ભૂમાફિયા અંગે જુઓ સરકારનો નિર્ણય

PC: khabarchhe.com

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતમાં સામાન્ય નાગરિક, ખેડૂત કે સરકારી, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કે જાહેર ટ્રસ્ટો-ધર્મસ્થાનકોની માલિકીની જમીન-મિલ્કત છેતરપિંડીથી હડપ કરનારા ભૂમાફિયા તત્ત્વો સામે કડકાઇથી પેશ આવી સખ્ત હાથે કામ લેવાનો અડગ નિર્ધાર કર્યો છે. મુખ્યમંત્રીએ આ માટે દસ્તાવેજ નોંધણી કામગીરી ચોકસાઇપૂર્ણ, પારદર્શી અને ભુલચૂક વગરની સરળ બનાવવા ભારતીય રજીસ્ટ્રેશન અધિનિયમ 1908ની કેટલીક જોગવાઇઓમાં સુધારા સૂચવતું ગુજરાત સુધારા વિધેયક 7/2020 જે વિધાનસભામાં મૂકાયું છે તે આગામી વિધાનસભા સત્રમાં ચર્ચાને અંતે મંજૂર કરી કાયદો બનાવવાનો નિર્ણય કર્યો છે.

વિજય રૂપાણીએ મિલ્કત ધારક ખેડૂતો સહિત સામાન્ય નાગરિકોના હિતોના રક્ષણની પ્રતિબદ્ધતા સાથે આવા નિર્દોષ નાગરિકોની મિલ્કત હડપ કરી જનારા તત્ત્વો સામે લાલ આંખ કરી આ વિધેયકમાં મહત્ત્વપૂર્ણ જોગવાઇઓ સૂચવેલી છે. વૈશ્વિક વિકાસની હરણફાળ ભરી રહેલા દેશના અગ્રેસર રાજ્ય તરીકે ગુજરાત દેશ-દુનિયાના રોકાણકારો, ઊદ્યોગો, વેપાર-રોજગાર માટે બેસ્ટ ચોઇસ ફોર ઇન્વેસ્ટમેન્ટ અને લેન્ડ ઓફ ઓપોર્ચ્યુનિટી બન્યું છે.

છેલ્લા બે દાયકામાં ગુજરાતના સર્વાંગી વિકાસને કારણે રાજ્યમાં આર્થિક, સામાજીક અને વ્યાપારી અને ખેતીવાડીની પ્રવૃત્તિઓમાં નોંધપાત્ર વધારો થયો છે. સાથો સાથ આ બધી પ્રવૃત્તિઓના વેગને કારણે જરૂરી તેવું માળખું ઉભુ કરવા જમીનની માંગમાં પણ ઉત્તરોત્તર નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે અને તેથી જમીનના બજાર મુલ્યમાં વધારો થઇ રહ્યો છે.

જમીનની લે-વેચ સાથે સંકળાયેલા કેટલાક તત્ત્વો તેમજ વ્યક્તિગત રીતે તેમાં હિત ધરાવતા તત્ત્વો દ્વારા આ પરિસ્થિતિનો લાભ લઇ અને રાતો રાત આર્થિક ઉપાર્જન કરી લેવાના બદ ઇરાદા સાથે ગેરકાયદેસર પ્રવૃત્તિ હાથ ધરી સામાન્ય નાગરિકોની, ખેડૂતોની કે રાજ્ય સરકારની માલિકીની કે સ્થાનિક સત્તા મંડળની માલિકીની જમીનો બળજબરીથી, ગુનાહિત ધાક-ધમકીથી કે છેતરપીંડીથી બનાવટી દસ્તાવેજો ઉભા કરી પ્રત્યક્ષ કબ્જો કે માલિકી હક ન હોય છતાં ગેરકાયદેસર કબ્જો જમાવી અને કેટલાક કિસ્સામાં વહીવટી તંત્ર સાથે મેળાપણું કરી આવી જમીન પચાવી પાડી અન્યોના નામે તબદીલ કરાવી, વેચાણ કરાવી તેમજ ભાડે આપવાની ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે.

રાજ્ય સરકારને પણ સામાન્ય નાગરીકો, ધરતીપુત્રોની તેમજ ધાર્મિક શૈક્ષણિક અને જાહેર સંસ્થાઓની જમીન પચાવી પાડી તે વેચી દેવા સુધીની ગેરકાયદેસર પ્રવૃત્તિઓની ફરીયાદો વખતો વખત મળેલી છે. આ બધી જ પ્રવૃત્તિઓને ડામી દેવા તેમજ મિલ્કતના કાયદેસરના અને સાચા માલિકના હિત જાળવવા હવે આવી મિલ્કતોના દસ્તાવેજ નોંધણીની પ્રક્રિયાઓ સરળ, પારદર્શી અને ટેકનોલોજીયુકત ઓનલાઇન બનાવાશે.

મુખ્યમંત્રીએ આ હેતુસર સામાન્ય નાગરિક-પ્રજાજન કોઇ મિલ્કત દસ્તાવેજ વકીલ કે દસ્તાવેજ લખનારની મદદ સિવાય પોતાની જાતે ઓનલાઇન ડ્રાફટનો ઉપયોગ કરીને જાતે ફેરફાર કરી શકે તે સુનિશ્ચિત કર્યુ છે. આના પરિણામે અગાઉ દસ્તાવેજ લખવા માટે ચૂકવવી પડતી ફીના નાણાં તેમજ સમય બેયનો બચાવ થઇ શકશે.

વિજય રૂપાણીએ છેતરપીંડીથી કે પાવર ઓફ એટર્નીના દુરૂપયોગથી ભૂમાફિયાઓ જમીન પચાવી પાડતા હતા તેના પર સકંજો કસવા આ વિધેયકમાં એવી જોગવાઇ પણ કરી છે કે, દસ્તાવેજ નોંધણી માટે રજૂ કરનારી વ્યક્તિએ તે પોતે મિલકતના માલિક હોવાના પૂરાવા-સાબિતી આપવા પડશે. સાચા માલિકની સાબિતી દસ્તાવેજ નોંધણી તંત્રને મળી રહે અને ખોટા વ્યક્તિ, ભળતા નામે દસ્તાવેજ નોંધાવીના શકે તેવી જડબેસલાક વ્યવસ્થાઓ આ સુધારા વિધેયકમાં આમેજ કરવામાં આવી છે.

તદઅનુસાર, ખેતીની જમીન માટે 7/1ર અને સિટી સર્વેની જમીન માટે પ્રોપર્ટી કાર્ડ જેવા આધાર દસ્તાવેજ કરનારે આપવાના રહેશે. રાજ્ય સરકાર અથવા કેન્દ્ર સરકારની અથવા રાજ્ય-કેન્દ્ર સરકારના સાહસ, સત્તામંડળની કોઇ મિલ્કતના વેચાણ, તબદીલી, ભેટ, ભાડાપટ્ટાના વ્યવહારોના દસ્તાવેજ માટે આ સુધારા વિધેયકમાં સ્પષ્ટ જોગવાઇ સૂચવવામાં આવી છે.

આ હેતુસર જે વ્યક્તિને અધિકૃત કરવામાં આવી હોય તેણે સક્ષમ સત્તાધિકારીની પૂર્વમંજૂરી દસ્તાવેજ નોંધણી માટે રજૂ કરવી આવશ્યક બનાવવામાં આવી છે. મુખ્યમંત્રીએ પ્રવર્તમાન ભારતીય રજીસ્ટ્રેશન એકટ 1908માં નવી ત્રણ કલમો દાખલ કરીને શિક્ષા કે દંડની જોગવાઇઓ પણ વધુ વ્યાપક બનાવી છે.

એટલે કે, ઇલેકટ્રોનીક સાધનોથી રજીસ્ટ્રેશન કરવામાં દાબ-દબાણ કે છેતરપિંડી કરનાર વ્યક્તિને, પાવર ઓફ એટર્નીઓ દુરૂપયોગ કરનારાને તેમજ આવી ખોટી માહિતી આપી દસ્તાવેજ કરાવી લેનાર વ્યક્તિને 7 વર્ષની કેદની સજા તેમજ મિલ્કતની બજાર કિંમત જેટલી રકમના દંડની અથવા બેયની સજાની જોગવાઇ આ સુધારા વિધેયકમાં કરવામાં આવી છે.

મુખ્યમંત્રીએ રાજ્યમાં સામાન્ય માનવી, ખેડૂતના હિતોની રક્ષા કરીને મિલ્કતો પચાવી પાડનારા તત્ત્વોને ડામી દેવાના આશયથી લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબીશન એકટ, જુગાર-દારૂ-સાયબર ક્રાઇમ, નાણાં ધીરધાર સામે ગેરકાયદે વ્યાજ વસુલી, જાતિય સતામણી, ગૌવંશ હત્યા માટે પાસાનું શસ્ત્ર અજમાવ્યું છે. આ ઉપરાંત રાજ્યની શાંતિ, સલામતિ, સુરક્ષા જાળવી રાખવા ગુંડા વિરોધી ઓર્ડિનન્સ રજુ કરેલું છે અને ગુંડા તત્ત્વોને નશ્યત કરવાનો નિર્ધાર રાખ્યો છે.

મુખ્યમંત્રીએ હવે, આ દસ્તાવેજ નોંધણી અધિનિયમમાં સુધારા અને કડક સજાની જોગવાઇઓ કરીને પારદર્શી, ભ્રષ્ટાચારમુક્ત અને સંવેદનશીલ શાસનની નેમ સાકાર કરી છે.

મુખ્યમંત્રી ભ્રષ્ટાચારીઓ, ગૂનાખોરો, અસામાજીક તત્ત્વો અને ભૂમાફિયાઓને દશેદિશાએથી નેસ્તનાબૂદ કરી ગુજરાતને ઉત્તમથી સર્વોત્તમ બનાવવા માટે સંકલ્પબદ્ધ છે તેમાં આ દસ્તાવેજ-નોંધણી સુધારા વિધેયક નવું બળ પૂરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp