ધોલેરા સર(SIR)નો જન્મ કેમ થયો?

PC: khabarchhe.com

2006થી ધોલેરાની બ્લૂ પ્રિન્ટ બનાવવાનું ગુજરાત સરકારે નક્કી કર્યું હતું. ભાજપના ટોચના પાંચ નેતાઓએ તેની બ્લૂ પ્રિન્ટ નક્કી કરી લીધી હતી. આ નેતાઓ કોણ તે સહેજે કલ્પી શકાય તેમ છે. સત્તા ચક્રની આસપાસ રહેતાં અને તેની આસપાસ સત્તા મેળવવા માંગતા કાર્યકરોની ફોજ હોય છે. તેની સાથે જ જેટલી જમીન વેચાતી મળે તે ભાજપ અને ભાજપ સાથે જોડાયેલા બિલ્ડરો અને સત્તાના દલાલોએ જમીન ખરીદી લીધી હતી. નેતાઓએ પોતાનું કાળું નાણું અહીં રોકી દીધા બાદ તુરંત 2009ના વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટ સમયે ગુજરાતની ભાજપ સરકારે ધ ગુજરાત સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ રિજિયન ઑર્ડિનન્સ 2009 અંગેનો વટહુકમ બહાર પાડીને સરની જાહેરાત કરી હતી. 6 જાન્યુઆરી, 2009ના રોજ તેનો અમલ શરૂ થયો હતો. સર એક્ટ અંતર્ગત રાજ્યમાં 6 જેટલા સર સ્થાપવાની સરકારે જાહેરાત કરી જેમાં અમદાવાદથી 120 કિ.મી. દૂર આવેલા ધેલેરા બંદરનો પણ સમાવેશ કર્યો હતો. જે 100 ચોરસ કિ.મી. કરતાં પણ વધારે હશે એવું કહેવામાં આવ્યું હતું. જેમાં અડધો ભાગ ઔદ્યોગિક વિસ્તાર પણ રાખવાની જાહેરાત કરાઈ હતી. ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બોર્ડને તેના વિકાસની સત્તા સોંપવામાં આવી હતી. સર માટે બે વર્ષ બાદ 2011મા અમદાવાદ જિલ્લાના ધોલેરા શહેર આસપાસનાં 22 ગામોની 92,000 હેક્ટર જમીન ખેડૂતો પાસેથી આંચકી લેવાનું નક્કી થયું હતું. તેમ છતાં અહીં વસતા ખેડૂતો કે 22 ગામના લોકોને પૂછવામાં પણ આવ્યું ન હતું કે તેમની જમીન સરકાર લઈ લેવા માગે છે, તમે આપવા તૈયાર છો. ત્યારથી ખેડૂતો અને સરકાર સામ સામે છે. હવે ભાજપની રૂપાણી સરકાર આખરી ખેલ ખેલી રહી છે. ખેડૂતોને જમીન આપી દેવા માટે નોટિસ આપવામાં આવી છે.

જમીનોના ભાવ 10 ગણાં થઈ ગયા

ભાજપની સરકારે વાઇબ્રન્ટ ગુજરાતમાં ધોલેરા સર અને સ્માર્ટ સિટી પ્રોજેક્ટની જાહેરાત કરી તેની સાથે જ જમીનના ભાવ આસમાને થોડાં દિવસોમાં જ પહોંચી ગયા હતા. લોકો જમીન ખરીદવા માટે પડાપડી કરવા લાગ્યા. જેમની પાસે કાળું નાણું હતું તેઓ અહીં જમીન જૂની જંત્રીની કિંમતે ખરીદવા લાગ્યા. મુંબઈ, સુરત, અમદાવાદ, ગાંધીનગરનું કાળું નાણું અહીં ઠલવાવા લાગ્યું હતું. રાજકારણીઓ અને ઉદ્યોગપતિઓ અહીં રોકાણ કરવા લાગ્યા હતા. જ્યાં કોઈ જમીનનો ભાવ પૂછતું ન હતું ત્યાં જમીન લાવો લાવો થવા લાગ્યું હતું. ભાજપ સરકારનું આ મોટું ષડયંત્ર હતું. ધનવાનો તેમાં ફસાઈ રહ્યાં હતા. કારણ કે તેઓ જે જમીન ખરીદી રહ્યાં હતા તે તો કોઈ રાજકારણીઓ કે બિલ્ડરોએ અગાઉથી ખરીદી લીધી હતી. જે હવે અનેક ગણી કિંમતે વેચી રહ્યાં હતા. ભાજપના એક વગદાર મહિલા રાજકારણીએ પોતાના પુત્રના મિત્રોના નામે હજારો હેક્ટર જમીન ખરીદી લીધી હતી.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp