પોલીસકર્મીઓ માટે 2084 કરોડના 10438 મકાનોનું બાંધકામ પ્રગતિમાં: પ્રદિપસિંહ

PC: Khabarchhe.com

ગુજરાત સરકારની પ્રેસ રીલિઝ મુજબ વિધાનસભામાં પોલીસ વિભાગ માટે રહેણાંક આવાસો અંગે પૂછવામાં આવેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે, રાજ્યમાં નાગરિકોની શાંતિ, સલામતિ માટે સતત ખડેપગે રહેતા પોલીસ જવાનો માટે ફરજના સ્થળે સુવિધાજનક રહેણાંક આવાસો મળી રહે તે માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે. ગૃહ રાજ્ય મંત્રીએ જણાવ્યું કે ડાંગમાં 351 પોલીસ કર્મચારીઓનું મહેકમ છે. જેની સામે ઉપલબ્ધ રહેણાંકના મકાનો 315 છે.

પ્રદિપસિંહ જાડેજાએ વધુમાં જણાવ્યું કે, ડાંગમાં હવે 36 મકાનો ખૂટતા હોવાથી સુબીર અને સાપુતારા ખાતે બી - ટાઇપના નવા 32 મકાનોનું રૂા. 703.07 લાખના ખર્ચે બાંધકામ પૂર્ણ થતા હવે સેટીસફેક્શન રેશિયો 99 ટકા જેટલો થવા પામશે. ડાંગમાં બિન રહેણાંકના જુદા જુદા 17 જેટલા મકાનો આવેલા છે. જે પૂરતા પ્રમાણમાં છે.

પ્રદિપસિંહ જાડેજાએ વધુમાં જણાવ્યું કે હાલમાં રાજ્યમાં પોલીસ કર્મચારીઓ માટે રહેણાંકના મકાનોનો સેટીસફેક્શન રેશિયો 51 ટકા છે. રાજ્યના પોલીસ મહેકમમાં નવી ભરતી હેઠળ સેવામાં જોડાતા કર્મચારીઓને પૂરતા પ્રમાણમાં રહેણાંકના મકાનો મળી રહે તે માટે સમગ્ર રાજ્યમાં અંદાજે રૂા. 2084.63 કરોડના ખર્ચે વિવિધ કેટેગરીના 10,438 રહેણાંકના મકાનોનું બાંધકામ પ્રગતિ હેઠળ છે. જેનું બાંધકામ આગામી વર્ષ સુધી તબક્કાવાર પૂર્ણ થતા સેટીસફેક્શન રેશિયો વધીને 61 ટકા થઇ જશે.

પ્રદિપસિંહ જાડેજાએ ઉમેર્યું કે, રાજ્યમાં રૂા. 752.74 કરોડના ખર્ચે 559 જેટલા વિવિધ પ્રકારના બિન રહેણાંકના મકાનોનું બાંધકામ પ્રગતિ હેઠળ છે. ડાંગ જિલ્લામાં પોલીસ કર્મચારીઓ માટે રહેણાંકંક આવાસો અંગેના પ્રશ્નમાં પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે ડાંગ જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં પોલીસ વિભાગ માટે 32 જેટલા રહેણાંક મકાનોનું રૂા. 703.07 લાખના ખર્ચે બાંધકામ હાથ ધરવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp