સાત હજારને બચાવાયા પણ મોત અંગે મૌન

PC: khabarchhe.com

બનાસકાંઠાના નર્મદા કેનાલ તુટતાં ખારીયા ગામે મૃત્યુ પામેલાં 25 લોકો અંગે રાજ્ય સરાકરે મૌન સેવ્યું છે. ગામ લોકોના કહેવા પ્રમાણે ખારીયા આસપાસના ગામો મળીને 100 જેટલાં લોકો અને હજારો પશુઓના મોત થયા છે. તેથી સરકારે 150 ટૂકડીઓ સરવે માટે મોકલી છે. પણ કેટલાં લોકોના મોત થયા છે તે અંગે ભુપેન્દ્રસિંહ ચૂડાસમાએ કહેવાનું ટાળ્યું હતુ. તેથી તેમાં સરકાર કંઈક છુપાવી રહી હોવાનું સમજાય છે.

બચાવ કામગીરી

NDRFની ૬ ટીમોએ આજે દિવસ દરમિયાન બનાસકાંઠા જિલ્‍લામાં ૩૪૬ લોકોને રેસક્યુ કર્યા હતા. ભારે વરસાદમાં મૃત્‍યુ પામેલા ૫ વ્યક્તિઓના પાર્થિવ દેહોને NDRF ની ટીમે બહાર કાઢ્યા હતા. જ્યારે અસરગ્રસ્‍ત વિસ્‍તારોમાં ૨૭૫૨ ફૂડ પેકેટ્સ અને ૬૫ કિલોગ્રામ ડ્રાયફ્રુટ્સનું વિતરણ પણ તેમણે કર્યું હતું.

AIR FORCEના ૧૦ હેલિકોપ્‍ટર્સ રેસક્યુ ઓપરેશનમાં કાર્યરત રહ્યા હતા. આજે દિવસ દરમિયાન ૩૫૦ લોકોને રેસક્યુ કરાયા હતા. છેલ્‍લા ત્રણ દિવસો દરમિયાન વાયુસેનાના હેલિકોપ્‍ટર્સ દ્વારા ૪૦૭ લોકોને રેસક્યુ કરીને ઉગારી લેવામાં સફળતા મળી હતી. લશ્કરની છ કોલમ અસરગ્રસ્‍ત વિસ્‍તારોમાં તહેનાત છે. લશ્કર દ્વારા છેલ્‍લા બે દિવસો દરમિયાન ૨૬૩૨ લોકોને ઉગારીને સલામત સ્થળે લઇ જવાયા છે. બી.એસ.એફ.ની ૯ પાર્ટી દ્વારા ૪૭ લોકોને રેસક્યુ કરાયા છે જ્યારે એસ.ડી.આર.એફ.ની ૧૧ ટીમ દ્વારા આજે ૧૧૮ લોકોને બચાવી લેવાયા છે. સ્‍થાનિક ટીમ અને ફાયર બ્રિગેડ દ્વારા અત્‍યાર સુધીમાં ૮૩૧ લોકોને બચાવી શકાયા છે. આમ,કુલ ૬૯૮૬ લોકોને રેસક્યુ કરી શકાયા છે. છેલ્‍લા ચોવીસ કલાક દરમિયાન બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં NDRF, ARMY, FDRF દ્વારા ૬૨૦૦ લોકોને બચાવી લેવામાં સ્‍થાનિક વહીવટીતંત્રને સફળતા મળી છે. આજે દિવસ દરમિયાન બનાસકાંઠા જિલ્‍લામાં ૩૪૦૪૩ લોકોનું સલામત સ્‍થળે સ્‍થળાંતરણ કરાવવામાં આવ્‍યું છે.

માર્ગોની સ્‍થિતિ

આજે સાંજે ૬ વાગ્‍યાની સ્‍થિતિએ ગુજરાતમાં ભારે વરસાદને કારણે પ નેશનલ હાઇવે, ૨૩ સ્‍ટેટ હાઇવે, ૧૩૧ અન્‍ય માર્ગો અને પંચાયત હસ્‍તકના ૫૪૩ માર્ગો સહિત કુલ ૭૦૨ માર્ગો પર વાહન વ્‍યવહારને અસર થઇ છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા નેશનલ હાઇવે પર વાહન વ્‍યવહાર પૂર્વવત કરવા અથાગ પરિશ્રમ હાથ ધરાયો છે. માર્ગ-મકાન વિભાગના સચિવ એસ. બી. વસાવાએ જણાવ્‍યું હતું કે, ડીસા-ધાનેરા હાઇવે આજે મોડી રાત્રે ચાલુ થઇ જાય તેવી સંભાવના છે. જ્યારે થરાદ-ધાનેરા હાઇવે આવતી કાલે બપોર સુધીમાં ચાલુ થઇ જવાની સંભાવના છે. અસરગ્રસ્‍ત વિસ્‍તારોમાં માર્ગોની સ્‍થિતિ પૂર્વવત કરવા ૭૦ જે.સી.બી. અને ૮૦ડમ્‍પર સાથે ૨૬ ટીમો યુદ્ધના ધોરણે કામ કરી રહી છે.

વીજળીની સ્‍થિતિ

બનાસકાંઠા અને પાટણ જિલ્‍લાના પૂરગ્રસ્‍ત વિસ્‍તારોમાં વીજ પૂરવઠો પુનઃ સ્‍થાપિત કરવાના કામને ટોચ અગ્રતા આપવામાં આવી છે. આજે સવારે ૧૦-૦૦ વાગે બનાસકાંઠ જિલ્‍લાના ૪૦૪ ગામોમાં વીજ પૂરવઠો બંધ હતો. આજે દિવસ દરમિયાન ઉત્તર ગુજરાત વીજ કંપની લિ.ના અધિકારીઓએ તનતોડ મહેનત કરીને ૧૧૨ ગામોમાં વીજ પૂરવઠો પુનઃ સ્‍થાપિત કરી દીધો છે. બાકી રહેલા ૨૯૨ ગામોમાં કામગીરી ચાલી રહી છે. પાટણ જિલ્‍લાના ૮૪ ગામોમાં વીજ પૂરવઠો ખોરવાયો હતો. આજે દિવસ દરમિયાન ૧૮ ગામોમાં વીજ પૂરવઠો પુનઃ સ્‍થાપિત કરી દેવાયો છે. ૬૬ ગામોમાં કામ ચાલુ છે. વીજળી વિભાગની ૧૨૨ ગેંગ અસરગ્રસ્‍ત વિસ્‍તારોમાં વીજ પૂરવઠો પુનઃ સ્‍થાપિત કરવાના કામમાં લાગેલી છે.

રોગચાળા સામે અગમચેતી

આરોગ્‍યલક્ષી કામગીરી બનાસકાંઠા જિલ્‍લાના ૧૪ તાલુકા પૈકી ૧૧ તાલુકામાં અતિવૃષ્ટિની વધુ અસર થઇ છે. આ ૧૧ તાલુકાઓના ૧૫૧ ગામની ૮૦ હજારથી વધુ વસ્‍તીના આરોગ્‍યની રાજ્ય સરકાર વિશેષ ચિંતા કરી રહી છે. પાણીજન્ય રોગો સામે આગોતરું રક્ષણ મળી રહે તેવા પૂરતા પગલાં લેવાઇ રહ્યા છે. કોઇપણ પરિસ્‍થિતિને પહોંચી વળવા આરોગ્‍ય તંત્ર સંપૂર્ણ સતર્ક અને સજાગ છે. અમદાવાદ, ગાંધીનગર, આણંદ અને ખેડામાંથી પાંચ-પાંચ તબીબી અધિકારીઓને વાહનો અને દવાઓ સાથે બનાસકાંઠા જિલ્‍લામાં તાકિદે મોકલવામાં આવ્‍યા છે. જિલ્‍લામાં ૮૮ મેડિકલ ઓફિસર્સ, ૭૪૫ ફિમેલ હેલ્‍થ વર્કર, ૭૩૩ મદદનીશ હેલ્‍થ વર્કર અને ૨૮૦૦ આશા વર્કર કાર્યરત છે જ, તે ઉપરાંત તાકિદની પરિસ્‍થિતિને પહોંચી વળવા જી.એમ.ઇ.આર.એસ. મેડિકલ કોલેજ, હિંમતનગરના ૫૦ ઇન્‍ટર્ન ડૉક્ટર્સને સ્‍ટેન્‍ડ બાય રાખવામાં આવ્‍યા છે. આજે ૧૬ મેડિકલ કેમ્‍પ દ્વારા ૬૪૦ જેટલા દર્દીઓને સારવાર આપવામાં આવી છે. પાટણ જિલ્‍લામાં પણ આજ પ્રકારે વિશેષ ધ્‍યાન કેન્‍દ્રીત કરીને કામગીરી કરવામાં આવી રહી છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp