સચિવાલયના મીના બજારનો વટ, ઝૂંપડું પણ 10 લાખમાં...

PC: google.co.in

નવા અને જૂના સચિવાલયને અડીને આવેલા મીના બજારનો ગાંધીનગરમાં વટ છે. સરકારી જમીન પર ઊભા થયેલા ઝૂંપડાંની પણ કિંમત શરૂ થઈ છે. તાજેતરમાં એક ઝુંપડું કે જ્યાં દુકાન થઈ શકે તેવી છે તેની કિંમત 10 લાખ રાખવામાં આવી હતી અને આશ્ચર્ય સાથે તે વેચાઈ ગયું છે.

ગાંધીનગરની રચના સમયે સચિવાલય બનાવવા માટે જે ખેડૂતોએ જમીન આપી હતી તેમને રાહતદરે ગાંધીનગરમાં જમીનના પ્લોટ અથવા તો ચીપટાઇપ જેવી દુકાનો બનાવીને આપવામાં આવેલી છે. સરકારનો આશય એ હતો કે જમીન ગુમાવનાર ખેડૂતના પરિવારનો સભ્ય દુકાન કે સ્ટોર ચલાવીને તેના પરિવારનું પોષણ કરી શકે. પરંતુ અહીં તો નવો જ ઘાટ થયો છે.

રાહત દરે આપેલા પ્લોટ પર અથવા તો સરકારે આપેલી દુકાન વેચવાનું કારસ્તાન ચાલી રહ્યું છે. ખોબા જેવડી દુકાનોના ભાવ આસમાને છે. આ દુકાનો ભાડાથી ચાલે ત્યાં સુધી વાંઘો નથી પરંતુ સરકારે રાહતદરે આપેલી જમીન કે દુકાન વેચવી એ શરતભંગ બને છે.

મીના બજારમાં ફાળવવામાં આવેલી દુકાનો અને જમીન પર માત્ર 10 ટકા લોકોએ લાભ જાળવી રાખ્યો છે બાકીના 90 ટકા રાહતદરના લાભાર્થીઓએ જમીન અને દુકાન વેચી નાંખી છે. તાજેતરમાં જ આઠ બાય આઠનું એક નાનકડું ઝૂંપડું 10 લાખ રૂપિયામાં વેચાઈ ગયું છે. સચિવાલયના કર્મચારીઓની ખરીદી માટેનું આ મીના બજાર એક એવું યુનિક બજાર છે કે જ્યાં તમને તમામ પ્રકારની ચીજવસ્તુઓ સસ્તા ભાવે મળી રહે છે.

હજારો કર્મચારીઓ જ્યાં ગ્રાહક બનતાં હોય છે ત્યાં સરકારી જમીન પર ઊભી થયેલી દુકાનો લાખો રૂપિયામાં વેચી નાંખવામાં આવે છે. છેલ્લા પાંચ વર્ષમાં મીના બજારમાં 50 દુકાનો વેચાઈ ચૂકી છે. આ વેચાણ કરારમાં ખરીદનારના નામે થતી નથી છતાં ખરીદનારા વેપારીઓ લાખો રૂપિયા ચૂકવી રહ્યાં છે. મીના બજારના શોપિંગ પછી આવેલી સરકારી જમીનમાં ઊભા થયેલા ઝૂંપડાં પણ વેચાઈ રહ્યાં છે. બે વર્ષમાં આવા 7 ઝૂંપડાં વેચાઈ ચૂક્યાં છે.

ગુજરાત સરકાર જ્યાંથી નિયમોનું પાલન કરે છે ત્યાં જ ગેરકાયદે વેચાણ ચાલી રહ્યું છે છતાં કોઈ પગલાં લેવામાં આવતા નથી. તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ મીના બજારની કાયાપલટ કરવાનો નિર્ણય કર્યો હતો પરંતુ આવા જામી પડેલા વેપારીઓએ તેનો સખ્ત વિરોધ કર્યો હતો. જો કાયાપલટ થઈ હોત તો નકલી અને શરતભંગના કેસો પકડાઈ ચૂક્યા હોત.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp