સરકારના આ નિર્ણયને કારણે ગુજરાતના બિલ્ડરોને નવરાત્રીમાં મળી દિવાળીની ભેટ

PC: squarespace.com

રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના બિલ્ડરો માટે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં બાંધકામ ક્ષેત્રે ઓનલાઇન પ્લાન પાસ કરવાના નિર્ણયને રાજ્ય સરકારે પરત લેતા બિલ્ડરોને નવરાત્રીમાં જ દિવાળીની ભેટ મળી ગઈ છે. સરકારના આ નિર્ણયના કારણે એવું માનવામાં આવી રહ્યું છે કે, થોડા સમયથી ઠપ પડેલા બાંધકામ ક્ષેત્રમાં ધીમે ધીમે તેજી આવશે. રાજ્ય સરકાર દ્વારા ઓનલાઇન પ્લાન પાસ કરવાનો નિર્ણયને પરત લેવાના કારણે બિલ્ડરો ઉપરાંત બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલા એક કરોડથી વધારે લોકોને ફાયદો થશે. આ સાથે હવે બિલ્ડિંગોના નવા પ્લાન પાસ થતા મકાન ખરીદવા માગતા લોકોને રાહત મળશે.

ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા 7 મે, 2018ના રોજ રાજ્યમાં કોઈ પણ બિલ્ડિંગના કે શોપિંગ મોલના બાંધકામના પ્લાન પાસ કરવાની તમામ પ્રક્રિયા ઓનલાઇન કરી હતી. જેના કારણે ઓફલાઇન પ્લાન પાસ થતા ન હતા. સરકારે બનાવેલા સોફ્ટવેરમાં કેટલીક ખામીઓના કારણે બિલ્ડરોએ રાજ્ય સરકારને રજૂઆત કરી હતી. બિલ્ડરોની રજૂઆતના કારણે રાજ્ય સરકાર દ્વારા ઓનલાઇન પ્લાન પાસ કરવાના સોફ્ટવેરમાં 14 વખત સુધારા કરવામાં આવ્યા હતા. સોફ્ટવેરમાં 14 વાર સુધારા કર્યા પછી પણ અમુક ક્ષતિઓ દૂર થઈ શકી ન હતી. બિલ્ડરો દ્વારા બિલ્ડિંગો બનાવવા માટે અલગ અલગ પ્લાન તૈયાર કરવામાં આવે છે. આ પ્લાન સોફ્ટવેરના પૂટઅપ થતો ન હતો. રાજ્ય સરકાર દ્વારા ઓનલાઇન સોફ્ટવેરમાં 200 જેટલા લેયર ઉમેરવામાં આવ્યા હતા. છતાં પણ GDCRના અમુક નિયમો સોફ્ટવેર સાથે મેચ થઈ શક્યા ન હતા.

આ બાબતે બિલ્ડરોએ અલગ અલગ સમયે રાજ્ય સરકારને 8 વખત રજૂઆતો કરી હતી પરંતુ ઓનલાઇન પ્લાન પાસ કરવાના નિર્ણયથી કંટાળીને બિલ્ડરોએ સરકાર સામે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. બિલ્ડરોના આ વિરોધના કારણે સરકારે ઓનલાઇન પ્લાન કરવાના નિર્ણયમાં પાછી પાની કરી 159 જેટલા દિવસમાં સરકારે પોતાનો નિર્ણય પરત લીધો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp