સરકારે બનાવી સ્વપ્ન નગરી ઈન્દ્રપ્રસ્થ જેવી ધોલેરા યોજના, પણ ધરતી પર છે ખરી?

PC: khabarchhe.com

અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર બગોદરાથી ડાબી તરફના રસ્તે ધોલેરા આવે છે. 2009મા વાઇબ્રન્ટ ગુજરાતનો કાર્યક્રમ થયો હતો. જાણે MOU કરવા માટે લોકો પડાપડી કરી રહ્યાં હોય એવો માહોલ સરકારે અખબારો અને ટીવીમાં ઊભો કરી દીધો હતો. ધોલેરાની ખારી જમીન પર અર્જુને બાનાવેલી ઈન્દ્રપ્રસ્થ જેવી વૈભવી અને માયાવી નગરીની જેમ ધોલેરાને વિશ્વ સમક્ષ ભપકાદાર કાર્યક્રમ દ્વારા રજૂ કરાઈ હતી.

રોકાણના આંખો ફાડી નાંખે એવા આંકડાઓ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનની મદદથી શ્રેષ્ઠ આયોજન રજૂ કરીને આપવામાં આવ્યા હતા. તે વખતની ભાજપ સરકારે વિકાસનાં હસીન પણ રંગીન સપનાંનું વાવેતર કર્યું હતું. કલ્પના નગરની જેમ ધોલેરા સ્માર્ટ સિટીને દુનિયા સમક્ષ રજૂ કરીને ગુજરાત કેવો વિકાસ કરી રહ્યું છે તે બતાવવામાં આવતું હતું. જેમાં ખારો પટ અને જ્યાં ભરતી વખતે સમુદ્રના પાણી ફરી વળે છે અને દર વર્ષે દરિયો દૂર જતો જાય છે એ ધોલેરાના ઊંચે આકાશમાં ઊડતાં વિમાનોની વીડિયો ભાજપ સરકારે બનાવી અને લોકોને અહીં જમીન ખરીદવા માટે લલચાવી દીધા. આજે આ તમામ રોકાણકાર પસ્તાવો કરી રહ્યાં છે. તેઓ માની રહ્યાં છે કે જે દીવા સ્વપ્ન ભાજપની સરકારે બતાવેલાં તે પૂરાં થયા નથી. જાપાનમાં દોડે છે એવી હાઇસ્પીડ મેટ્રો ટ્રેન પણ પ્લાનમાં અને વીડિયોમાં બતાવી છે. જોનીસ બર્ગને પણ પાછળ પાડી દે તેવા રસ્તા અને પૂલનો વીડિયો રજૂ કર્યો છે. જેને 10 વર્ષ થયા પણ આજે સ્થળ પર કંઈ પણ નથી. માત્ર સરકાર થોડાં રૂપિયા રોકી રહી છે. બિલ્ડરો નહીં.

અમદાવાદ – ધોલેરા વચ્ચે સુપર એક્સપ્રેસ હાઈવેની પરિકલ્પના તૈયાર કરાઈ છે. ખારી જમીન પર હરિયાળા વૃક્ષો સરકાર પોતાના પ્રેઝન્ટેશનમાં બતાવી રહી છે, જ્યાં ક્યારેય વૃક્ષો જ ઊગી શકે તેમ નથી. માત્ર ભાજપના ચોક્કસ નેતાઓ માટે ધોલેરા એક કલ્પવૃક્ષ છે. અમદાવાદના અખબાર માલિકો અને રાજકીય વ્યક્તિઓ સાથે સંબંધ ધરાવતાં ટીવીના માલિકોએ અહીં જંગી રોકાણ કર્યા છે. તેઓ પણ ભાજપ સરકારની નરી કલ્પનામાં આવી ગયા છે. સરકારે ધોલેરાના રસ્તા પર દોડતી મોંઘી હાઇસ્પીડ કાર, વર્લ્ડ ક્લાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, આકાશને આંબતી ઈમારતોની વિદેશી કોપી કરીને વીડિયોમાં 10 વર્ષથી બતાવવામાં આવી રહ્યું છે. અમેરિકા પાસે પણ નહીં હોય એવી સગવડો ધોલેરામાં બતાવવામાં આવી રહી છે. તમામ કલ્પનાઓનું રાજ્ય સરકારે એટલાં મોટાપાયે જાહેરાતો કરી હતી કે તેની સમગ્ર ભારતમાં માત્ર ધોલેરા સરની પરિકથા જેવી કલ્પનાની જ ચર્ચા થતી હતી. જે ભાજપના નેતાઓ માટે કલ્પવૃક્ષ સાબિત થયું છે. ધન દૌલત અને ભારતની સત્તા પણ અપાવી છે. સરકારે જે સ્વર્ગ બતાવ્યું હતું એવું સ્વર્ગ અહીં ક્યાંય ધરતી પર જોવા મળતું નથી. આ બધી વાઇબ્રન્ટ ગુજરાતની કમાલ છે. સરકારે સર્જેલી કલ્પનાસૃષ્ટિ જેમાં અખબારો અને ટીવીના માલિકોએ ભરપૂર પ્રચાર કર્યો, જેના જાહેરખબર તરીકે નાણાં ચૂકવવામાં આવતાં હતા. સ્માર્ટસિટીનું નિર્માણ કરવાના સ્વપ્ન વેચીને ભાજપે કેન્દ્ર સરકાર પણ બનાવી દીધી છે, પણ ધોલેરાના લોકો ન્યાય ઝંખી રહ્યાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp