પત્ની સેક્સ માટે ના પાડે તો શું વિચારે છે ભારતીય પુરુષ? સરવેમાં થયો ખુલાસો

PC: medicalnewstoday.com

હાલ જ્યારે મેરિટલ રેપ ચર્ચામાં છે, ત્યાં નેશનલ ફેમિલી હેલ્થ સર્વે-5ની ભારતીયોની બેડરૂમ લાઈફ પર એક મહત્ત્વનો રિપોર્ટ સામે આવ્યો છે. 2019-2021માં કરવામાં આવેલા આ સર્વેમાં પૂછવામાં આવેલા એક સવાલના જવાબમાં 80 ટકા મહિલાઓ અને 66 ટકા પુરુષોએ કહ્યું છે કે, પત્ની દ્વારા પતિને સેક્સ માટે ના કહેવામાં કંઈ જ ખોટું નથી. આ સર્વેમાં સેક્સ માટે ઈન્કાર કરવા માટે ત્રણ કારણ આપવામાં આવ્યા હતા. પહેલું જો પતિને કોઈપણ પ્રકારનો યૌન વિકાર હોય, જો પતિએ કોઈ અન્ય મહિલા સાથે સેક્સ કર્યું હોય અથવા તો પછી પત્ની થાકી ગઈ હોય અથવા તો મૂડ ના હોય.

સર્વેમાં સામેલ આઠ ટકા મહિલાઓ અને દસ ટકા પુરુષોને લાગે છે કે, તેમાંથી કોઈપણ કારણને પગલે પત્ની સેક્સ માટે ઈન્કાર ના કરી શકે. રિપોર્ટ પરથી જાણવા મળ્યું છે કે, દેશમાં 82 ટકા મહિલાઓનું કહેવુ છે કે, તે પોતાના પતિને સેક્સ કરવાથી ઈન્કાર કરી શકે છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ગત અઠવાડિયે NFHS-5નો આ રિપોર્ટ રીલિઝ કર્યો.

આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, પાંચમાંથી ચાર કરતા વધુ (82 ટકા) મહિલાઓ પોતાના પતિને સેક્સ કરવાનો ઈન્કાર કરી શકે છે. પતિ સાથે સેક્સ માટે ના કહેનારી આ મહિલાઓની સૌથી વધુ સંખ્યા ગોવા (92 ટકા)માં છે જ્યારે અરૂણાચલ પ્રદેશ (63 ટકા) અને જમ્મૂ તેમજ કાશ્મીર (65 ટકા)માં આ સૌથી ઓછી છે. જેન્ડર એટિટ્યૂડ અંગે જાણકારી મેળવવા માટે આ સર્વેમાં પુરુષોને કેટલાક વધારાના સવાલ પૂછવામાં આવ્યા. આ સવાલ એ સ્થિતિઓ સાથે સંકળાયેલા હતા, જ્યારે પત્ની પોતાના પતિના ઈચ્છવા છતા સેક્સ કરવાનો ઈન્કાર કરી દે છે.

પુરુષોને એવુ પૂછવામાં આવ્યું હતું કે, તેમને લાગે છે કે શું તેઓ પત્ની દ્વારા સેક્સ માટે ઈન્કાર કરાયા બાદ આ ચાર પ્રકારના વર્તન કરવાનો હક ધરાવે છે, જેમકે- ગુસ્સે થઈ જવુ, પત્નીને ખિજવાવુ, પત્નીને ઘર ખર્ચ માટે પૈસા ના આપવા, માર મારવો, પત્નીની ઈચ્છા વિરુદ્ધ જબરદસ્તી સેક્સ કરવું અથવા કોઈ અન્ય મહિલા સાથે સેક્સ કરવાનું સામેલ છે. સર્વેમાં 15-49 ઉંમરના માત્ર 6 ટકા પુરુષોનું માનવુ છે કે, જો પત્ની સેક્સ કરવાની ના પાડી દે તો તેમની પાસે આ ચાર વિકલ્પો અપનાવવાનો અધિકાર છે. સર્વેમાં સામેલ 72 ટકા પુરુષોએ આ ચારમાંથી કોઈપણ વિકલ્પ પસંદ ના કર્યો. 19 ટકા પુરુષોનું માનવુ છે કે, પત્ની દ્વારા સેક્સ માટે ના પડાયા બાદ પતિને ગુસ્સો કરવાનો અથવા તેને ખિજવાવાનો અધિકાર છે.

સર્વે કહે છે કે, લગભગ તમામ રાજ્યોમાં આ ચાર વિકલ્પોમાંથી કોઈપણ વિકલ્પ સાથે સહમત ના થનારા પુરુષોની સંખ્યા 70 ટકા કરતા વધુ છે જ્યારે, પંજાબ (21 ટકા), ચંદીગઢ (28 ટકા), કર્ણાટક (45 ટકા) અને લદ્દાખ (46 ટકા)માં આમાંથી કોઈપણ વિકલ્પ સાથે સહમત ના થનારા પુરુષોની સંખ્યા 50 ટકા કરતા ઓછી છે. NFHS-4ની સરખામણીમાં આ ટકાવારીમાં પાંચ ટકાનો ઘટાડો આવ્યો છે.

સર્વે જણાવે છે કે, પરીણિત મહિલાઓમાં રોજગારનો દર 32 ટકા છે જ્યારે NFHSના અગાઉના સર્વેમાં આ દર 31 ટકા હતો. આ 32 ટકા મહિલાઓમાંથી 15 ટકાને પગાર પણ નથી મળતો અને તેમાંથી 14 ટકા મહિલાઓ એ પણ નથી પૂછી શકતી કે તેમણે કમાયેલા રૂપિયા ક્યાં ખર્ચવામાં આવ્યા. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ભારતમાં જે 32 ટકા પરીણિત મહિલાઓ પાસે નોકરી છે, તેમની ઉંમર 15-49 વર્ષની વચ્ચે છે જ્યારે આ આયુવર્ગના 98 ટકા પુરુષો પાસે નોકરી છે.

સર્વે જણાવે છે કે, માત્ર 56 ટકા મહિલાઓને એકલા બજાર જવાની પરવાનગી છે, 52 ટકા મહિલાઓ એકલી હોસ્પિટલ જાય છે અને 50 ટકા મહિલાઓ જ પોતાના ગામ અથવા કમ્યુનિટીમાંથી એકલી બહાર નીકળે છે. કુલ મળીને, ભારતમાં માત્ર 42 ટકા મહિલાઓને આ તમામ સ્થળો પર એકલા જવાની પરવાનગી છે જ્યારે પાંચ ટકા મહિલાઓને આમાંથી કોઈપણ સ્થળે એકલા જવાની પરવાનગી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp