કઈ રીતે પ્રેક્ટિકલ પાર્ટનર બની લગ્નજીવન ખુશહાલ બનાવશો?

PC: lifeoftrends.com

લગ્ન જીવન એ ગાડીના બે વ્હીલ જેવું હોય છે જો બંને વ્હીલ બેલેન્સ્ડ હોય તો ગાડીરૂપી જીવન સરખું ચાલે છે અને જો બંને સાથીમાં સમજણનો અભાવ હોય તો જીવનમાં અનેક પ્રશ્નો આવતા જતા રહે છે અને મનભેદ થતા રહે છે, જેની અસર પરિવાર અને બાળકો પર પણ પડ્યા વગર નથી રહેતી. આજના જમાનામાં પતિ-પત્ની બંને કામ કરતા હોય છે અને તેવા સમયે કોણ કોને સમય આપે એ મોટો પ્રશ્ન હોય છે. આ ઉપરાંત એક સાથીની બીજા સાથી પાસેથી અનેક અપેક્ષાઓ રહેલી હોય છે અને એમાંથી મોટાભાગની સંતોષાતી નથી હોતી જેના કારણે એ સાથીને મન દુ:ખનો અનુભવ થતો હોય છે. પરંતુ તેની અપેક્ષાઓ વધુ પ્રમાણમાં પણ હોઈ શકે છે એનો ખ્યાલ કદાચ તેને ન આવ્યો હોય જેના કારણે તે વધુ દુ:ખી થાય છે, એને જરૂરત છે એક પ્રેક્ટિકલ સાથી બનવાની જે તેના સાથીને સમજી શકે અને સાથીની ઈચ્છાઓ તેમજ જરૂરતોને પણ સમજી શકે. તો આવો જોઈએ કે કેવો હોય છે એક પ્રેક્ટિકલ સાથી?

સાથીને સાંભળો

વ્યસ્ત જીવનશૈલીને કારણે પતિ-પત્ની એકબીજા ઉપરાંત પરિવાર અને બાળકોને પણ પૂરતો સમય નથી આપી શકતા. જેના કારણે સંબંધોમાં ક્યારેક કડવાશ પણ આવે છે. એવું ન થાય એના માટે એકબીજાને સમય આપવો જરૂરી છે પરંતુ તમારો સાથી શું કહેવા માગે છે એ જાણવું પણ એટલું જ મહત્ત્વનું છે.

ટાઈમ મેનેજમેન્ટ

વ્યસ્તતામાં અનુકૂળતા મેળવવા માટે સમયની ગોઠવણી ખૂબ જ જરૂરી છે એ પણ ખાસ પુરુષ માટે કે તે રજાના દિવસે આખો દિવસ આરામ કરવાને બદલે વહેલા ઊઠીને પરિવાર સાથે સમય પસાર કરે. પત્ની માટે સરપ્રાઇઝ ગોઠવે કે નાસ્તો બનાવે અથવા તો ઘરના કામમાં મદદરૂપ થાય. આ ઉપરાંત રોજની દિનચર્યામાં એક કલાક વહેલા ઊઠીને પણ બધા સાથે વાતચીત કરી હળીમળીને પસાર કરી સમય આપી શકે છે.

પળેપળને યાદગાર બનાવો

પુરુષની ખાસિયત હોય છે કે તે જન્મદિવસ, મેરેજ એનીવર્સરી જેવા ખાસ દિવસો ભૂલી જતા હોય છે અને એ ખાસ દિવસે જ એ બાબતે ઝઘડા થતા હોય છે. પરંતુ એવું ન કરતા રિમાઈન્ડરમાં એ તારીખ રાખીને તે દિવસને નાની નાની ગિફ્ટ આપીને ,સરપ્રાઇઝ આપીને તે દિવસની દરેક પલને સાથી માટે ખુશીની પળો બનાવવી જોઈએ.

મિત્ર પણ બનો

મિત્રો એ જીવનની એવી વ્યક્તિ હોય છે જેની સાથે લડાઈ, ઝગડો, પ્રેમ, દરેક વ્યવહાર આવકાર્ય હોય છે. મિત્રતામાં જો કોઈ ભૂલ થાય તો પણ તેને ભૂલી પ્રેમથી રહેવું એને જ મિત્રતા કહેવાય છે. સારી નરસી કોઈ પણ વાત તેની સાથે પેટ છૂટી થાય છે અને ગમે તેવા ખરાબ સમયમાં મિત્ર સાથ આપતો હોય છે. એવી જ રીતે જો લગ્નજીવનમાં પણ બંને સાથી એકબીજાના સૌથી સારા મિત્રો બનીને રહે તો એવું લગ્નજીવન સૌથી સુખી લગ્નજીવન સાબિત થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp