26th January selfie contest
BazarBit

સમાગમ વખતે હીરોઇનોના વિચારો આવી જાય છે, કેવી રીતે છૂટવું

PC: khabarchhe.com

પ્રશ્ન: મારી ઉંમર અઠ્ઠાવીસ વર્ષની છે. મારી પત્ની પ્રેમાણ પણ ઓછું ભણેલી છે. મારી સમસ્યા એ છે કે, ક્યારેક મને સમાગમ કરતી વખતે કાજોલ કે કરિશ્મા કપૂરનાં વિચારો આવી જાય છે. આવું બનવાથી હું સમાગમ દરમિયાન વધારે આનંદ મેળવી શકું છું. કદાચ મારા વધારે આનંદને લીધે મારી પત્ની પણ વધારે આનંદ મેળવતી હશે, પણ જાતીય સુખ માણી લીધા પછી પાછળથી મને પસ્તાવાની લાગણી થાય છે. મને લાગે છે કે, હું મારી પત્ની પ્રત્યે વફાદાર રહ્યો નથી. અલબત્ત, સેક્સ દરમિયાન અન્ય સ્ત્રીના વિચારો મને કાયમ નથી આવતા અને મેં અન્ય સ્ત્રી સાથે ક્યારેય શરીર સંબંધ બાંધ્યો ય નથી. તેમ છતાં હિરોઈનોનાં વિચારો ક્યારેક આવે જ છે. મારે આમાંથી છૂટવું જોઈએ કે નહીં? છૂટવું તો શી રીતે છૂટવું?

ઉત્તર: મને લાગે છે કે, આપની સમસ્યા જાતીય નથી, બલકે એક ફિલોસોફિકલ સમસ્યા છે. આપણા સમાજનો ઢાંચો હવે કઇંક એવો છે કે, યુવકો મોટી ઉંમરે લગ્ન કરતાં થયા છે. આથી લગ્ન પૂર્વે તેઓ એકલપેટા જાતીયસુખનો અનુભવ લે છે. તેમની 'સોલીટરી સેક્સસ્યુઅલ લાઈફ' તેમને ગમતી યુવતીઓની કલ્પનાઓથી સભર હોય છે.

અપરિણીત યુવાનો માધુરી, જૂહી, રવિના, મમતા કે ઉર્મિલાના વિચારો કરીને જાતીયસુખ મેળવે એ ઘટના સામાન્ય છે. તે જ રીતે અપરિણીત યુવતીઓ સલમાન, શાહરુખ કે અક્ષયના વિચારો કરીને એકાંતમાં કામસુખ મેળવે એ ઘટના ય અસામાન્ય નથી. ક્યારેક તેમની આ ટેવ લગ્ન પછી પણ ચાલુ રહે છે અને જીવનસાથી સાથે કામસુખ માણતી વખતે પણ પોતાના ભૂતકાળના જે તે ગમતા ફિલ્મી કલાકારોને તેઓ મનોમન પોતાની નજીક લાવી દે છે.

હવે આ ઘટનાને અત્યારનું તબીબી વિજ્ઞાન સાહજિક ગણે છે. સેક્સોલોજિસ્ટનું સાયન્સ કે જે પશ્વિમના પ્રભાવ હેઠળ છે, તેમાં આવી ઘટનાઓને બીમારી, ‘વિકૃતિ', અસામાન્યતા કે મેજર ડેવીએશન તરીકે લેવામાં નથી આવતી. આવી વર્તણૂક કે આવા વલણને વ્યક્તિની નોર્મલ સેક્સ્યુઆલીટીનો જ એક ભાગ ગણવામાં આવે છે અને એટલે જ પશ્ચિમી સંસ્કૃતિમાં એવાં યુગલો મળી આવે છે, જેઓ પોતાના જાતીય સાથીઓને પોતાની આવી ફેંટસીઓ વિષે પૂર્ણપણે માહિતગાર કરતા હોય. આટલી હદની સેક્સ્યુઅલ ફ્રેન્કનેસ ભારતીય સમાજમાં ઘણા ઓછાં યુગલો વચ્ચે સંભવિત બનતી હશે.

આથી આગળ વધીને પશ્ચિમી સમાજમાં કેટલાક નવયુવક યુવતીઓ સેક્સ્યુઅલ ફેંટસીઝ શેર કરવાની રમતો પણ રમે છે. દાખલા તરીકે યુવકને અમુક હિરોઈન ગમતી હોય તો તે પોતે પોતાના પાર્ટનરને જે તે હિરોઈન જેવાં કપડાં પહેરવાનું, તેના જેવી હરકતો કરવાનું કહે અને એ રીતે બંને જણા નવા જ પ્રકારનો જાતીય આનંદ માણે. ફેન્ટસી શેરિંગ એ બહુ આનંદદાયક કહેવાતી જાતીય રમત છે પણ જો બંને પાર્ટનરો પૂરતા પરિપક્વ ન હોય તો આ રમત લાગણીગત રીતે જોખમી પણ બની રહે છે.

આ વાત અલબત્ત આપણા સમાજની નથી. મહાનગરોના અમુક નાનકડા સેક્ટરને બાદ કરતા હજુ સામાન્ય ભારતીય યુગલ પોતાની કામકલ્પનાઓને પાર્ટનરથી છૂપી રાખવાનું વલણ ધરાવે છે. આપણી સામાજિક તરેહોને જોતાં સેક્સ્યુઅલ એક્ટ દરમિયાન અન્ય સ્ત્રી કે પુરુષના વિચારો કરવા એ નોર્મલ કે એબનોર્મલ ગણવું એય અસ્પષ્ટ છે. કેટલાક લોકો આવા વલણને માનસિક વ્યભિચાર ગણાવવાનો આગ્રહ રાખે છે.

મારા મતે આપે આટલા મુદ્દાઓને આધારે નિર્ણય લેવો જોઈએ.

(1) જો આપ અન્ય સ્ત્રીનાં વિચારો વગર સેક્સનો આનંદ માણવા અસમર્થ હોવ તો એ ઠિક નથી. એને અસામાન્ય ગણીને નિવારવા કોશિશ કરવી જોઈએ.

(2) જો ક્યારેક જ તમને કરિશ્મા કે કાજોલ કે પછી અન્ય કોઈ હિરોઈનના વિચારો આવતા હોય તો તેને સામાન્ય બાબત ગણીને અવગણો તો ચાલશે.

(3) આપની પત્ની જાતીયતાની બાબતમાં કેટલી સુમાહિતગાર, સમજુ તથા પરિપક્વ છે તેની પ્રથમ ચકાસણી કરી લો. એ માટે અન્ય કોઈ કપલનું ઉદાહરણ આપીને આવા જ કોઈ સેન્સીટીવ જણાતા જાતીય મુદ્દાની ચર્ચા ઉપાડો. જો પત્ની સહિષ્ણુ, નવા વિચારો અપનાવવા તૈયાર, ફ્લેક્સીબલ અને સ્વસ્થ જણાય તો તમારી પોતાની વાત એની સમક્ષ મૂકી શકો.

(4) જો તમને હિરોઇનોનાં વિચારો તમારી ઈચ્છા વિરુધ્ધ ફોર્સફૂલી તથા કમ્પલ્ઝીવલી આવતા હોય અને તમે એને રોકી જ ન શકતા હોવ તો એ મનોરુગ્ણતાની નિશાની થઈ કહેવાય, પણ જો એ વિચારો કરવા ન કરવા તમારા પોતાના નિશ્ચય અને હાથની વાત હોય તો જ આ ચર્ચા અર્થસભર બને.

(5) જો આ વિચારો તથા આનુષાંગિક વર્તણૂકથી આપનો પત્ની પ્રત્યેનો લગાવ ઘટતો હોય, તેને માટે જો તમે શુષ્ક થઈ જતા હોવ યા આપ બંને વચ્ચેનું અંતર વધી જતું હોય તો આપે આ વિચારો દૂર કરવા કોશિશ કરવી જરૂરી છે.

(6) પણ જો આવા ક્યારેક આવતા વિચારોથી આપનું કામજીવન વધારે રોચક બનતું હોય (આપ બંનેનું), બેમાંથી કોઈને અપરાધભાવ, લઘુતાગ્રંથિ યા ગીલ્ટ કે જેલસી ન થતાં હોય અને સરવાળે આપનું દામ્પત્યજીવન વધારે સમૃધ્ધ બનતું હોય તો ઉપરોક્ત કલ્પનાઓ ભલે આવતી.

(7) જો એની પત્નીને જાણ કરવાથી કલેશ, ઘર્ષણ, ગૃહકંકાસ, ઉજાગરા, સવાલજવાબ, વફાઈ-બેવફાઇની કડાકૂડ વગેરે જન્મ લેવાના હોય યા પત્ની હતાશા, નિરાશા કે દુ:ખમાં ડૂબી જાય એમ હોય તો તમારા મનની વાત મનમાં જ રહે એ બહેતર છે. નૈતિક રીતે તમે ખોટા હોવ પણ આ સિવાય કોઈ અન્ય વ્યવહારિક ઉકેલ મને સૂઝતો નથી.

(8) પણ જો પત્ની આ સામાન્ય ઘટનાને સામાન્ય ગણીને ચલાવી શકે એમ હોય તો એને કહેવાનું શક્ય બની શકે.

(9) સામે પક્ષે આપ પણ પત્નીને એની પોતાની કલ્પનાઓ અંગે પૂછી શકો. ને જો હોય તો એને સાહજિક્તાથી સ્વીકારવાનું વલણ દાખવી શકો.

(10) મેં એક એવું યુગલ જોયું છે જેમાં સેક્સ દરમિયાન અન્ય પુરુષોના વિચારો કરતી સ્ત્રી વર્ષો સુધી પોતાના પતિ પ્રત્યે બેવફાઇ કરી રહી હોવાની માન્યતા લઈને મનોમન રિબાયા કરતી હતી. છેવટે પોતાની માનસિક વ્યથામાંથી છૂટવા મોટી ઉંમરે એકવાર પતિ સમક્ષ પોતાની કલ્પનાના પુરુષ પાત્રની વાતનો એકરાર કરે છે.

અને સ્ત્રીના આઘાત તથા આશ્ચર્ય વચ્ચે પતિ તેને સરળતાથી એવું કહીને ઉભો રહી જાય છે કે, ‘એમાં આટલી બધી ચિંતાતુર અને દુ:ખી કેમ થઈ જાય છે? હું પણ સંભોગ દરમિયાન કોઈક સ્ત્રીની કલ્પનાઓ કરી લઉં છું!’

ભાઈશ્રી! આપે આમાં રહેવું છૂટવું એ નિર્ણય આપે જ કરવાનો છે. શક્ય હોય તો પતિ-પત્ની સાથે  બેસીને અન્ય કશાયે ઉલ્લેખ વગર 'અંગત અંગત'નો આ પીસ વાંચજો. કદાચ આપને રસ્તો જડી જશે.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp