લેસ્બિયન મેરેજઃ જીવન એકલા નહીં જીવાશે... પાયલે યશવિકા સાથે કર્યા લગ્ન

PC: instagram.com/payal_lit

પાયલ અને યશવિકા નામની બે યુવતીઓએ એકબીજા સાથે લગ્ન કરી લીધા છે. સોશિયલ મીડિયા પર આ ઈન્ડિયન લેસ્બિયન કપલની લવસ્ટોરી ચર્ચામાં છે. કપલનું કહેવુ છે કે, તેમનું રિલેશન એટલું જ માન્ય છે જેટલું કોઈ નોર્મલ રિલેશન. જોકે, હજુ પણ તેમને સમાજમાં પોતાની સ્વીકાર્યતાને લઈને સંઘર્ષ કરવો પડી રહ્યો છે. એક યૂટ્યૂબ ચેનલ સાથે વાતચીત કરતા યશવિકા કહે છે કે, મેં પાયલને ડાયરેક્ટ લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. ના તો મેં તેને આઈ લવ યુ કહ્યું અને ના કોઈ બીજી ફોર્માલિટી. યશવિકાના જણાવ્યા અનુસાર, પ્રેમને જો પ્રેમની નજરથી જોવામાં આવે તો તમને માત્ર પ્રેમ જ દેખાશે. જરૂર છે માત્ર તમારો દ્રષ્ટિકોણ બદલવાની.

યશવિકાએ જણાવ્યું કે, તેની પાયલ સાથે મુલાકાત 2017માં ટિકટોક પર થઈ હતી. પાયલ તેને ઈગ્નોર કરી રહી હતી. તેના પર યશવિકાએ ગુસ્સામાં કહ્યું કે, ક્યાં તો મારી સાથે વાત કર અથવા તો પછી મને બ્લોક કરી દે. ત્યારબાદ પાયલે યશવિકાને બ્લોક કરી દીધી હતી. પરંતુ, છ મહિના બાદ પાયલને પોતાની ભૂલ સમજાઈ અને તેણે પોતાના તરફથી યશવિકા સાથે સંપર્ક કર્યો. પાયલ મજાકિયા અંદાજમાં કહે છે કે, છ મહિનામાં જ મને આભાસ થઈ ગયો હતો કે જીવન એકલા ના જીવી શકાય. ત્યારબાદ 2018માં તેમની પહેલી મુલાકાત થઈ. મુલાકાતના થોડાં દિવસ બાદ જ તેમણે એકબીજાને ડેટ કરવાનું શરૂ કરી દીધુ.

પાયલ લુધિયાણામાં જોબ કરતી હતી, જ્યારે યશવિકા નૈનીતાલમાં કામ કરતી હતી. એવામાં તેઓ દર મહિને મળવા માટે એકબીજાના શહેરમાં જતા હતા. આ સિલસિલો આશરે બે વર્ષ સુધી ચાલ્યો. પરંતુ, 2020માં જ્યારે કોરોનાની એન્ટ્રી થઈ તો લોકડાઉનમાં તેમણે સાથે રહેવાનો નિર્ણય કરી લીધો. આ દરમિયાન તેમણે પોતપોતાની ફેમિલીમાં પોતાના સંબંધોને ડિસ્ક્લોઝ કરવાનો પણ નિર્ણય કર્યો. પાયલના પરિવારે તો તેમના સંબંધને સરળતાથી સ્વીકારી લીધો પરંતુ, યશવિકાએ પોતાના પેરેન્ટ્સને સમજાવવા માટે મહેનત કરવી પડી. યશવિકા કહે છે કે, જ્યારે મેં પાયલ વિશે પરિવારને જણાવ્યું તો તેમણે કહ્યું કે, તું કોઈ છોકરા સાથે લગ્ન કરી લે અને તેમા પાયલને પણ સાથે રાખી લેજે. ત્યારે યશવિકાએ ક્લિયર કર્યું કે તે લગ્ન જ પાયલ સાથે કરવા માંગે છે.

ઓક્ટોબર 2022માં તેમણે લગ્ન કરી લીધા. કપલે પોતાની એક યૂટ્યૂબ ચેનલ પણ શરૂ કરી, અહીં તેઓ પોતાના જીવન સાથે સંકળાયેલા રોજબરોજના કિસ્સા શેર કરવા માંડ્યા. તેમણે લગ્નથી લઈને કરવા ચોથ મનાવતા પોતાના વીડિયો યૂટ્યૂબ પર શેર કર્યા છે. ધીમે-ધીમે તેમની ચેનલ ચર્ચામાં આવી ગઈ તો કપલ લુધિયાણાથી મુંબઈમાં શિફ્ટ થઈ ગયુ. કપલને ડર હતો કે ત્યાં કોઈ પ્રકારની મુશ્કેલી ના થઈ જાય. યશવિકા કહે છે કે, તેમના લગ્નમાં તેમના કેટલાક નજીકના ફ્રેન્ડ્સ આવ્યા હતા. લગ્નમાં પાયલે શેરવાની પહેરી હતી, જ્યારે યશવિકાએ ચણિયા-ચોળી પહેલી હતી. તેમના લગ્ન હિંદુ રીતિ-રિવાજથી સંપન્ન થયા. જોકે, લગ્ન ભારતમાં હાલ તે માન્ય નથી પરંતુ, કપલને આશા છે કે તેમના લગ્નને જલ્દી માન્યતા મળી જશે અને સમાજ તેમનો સ્વીકાર કરશે. યશવિકા અને પાયલ કહે છે કે, લોકોએ અમારી ભાવનાઓનો આદર કરવો જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp