26th January selfie contest
BazarBit

લગ્ન બાદ શા માટે સાસરામાં નથી રહેવા ઈચ્છતી મહિલાઓ, હોઈ શકે છે આ 5 કારણો

PC: google.com

લગ્ન બાદ દરેક વ્યક્તિ એવું જ ઈચ્છતી હોય છે કે, જીવનભર સૌ સારીરીતે અને ખુશી-ખુશી રહે. જોકે, આજકાલ લગ્ન બાદ કપલનું છોકરાના પેરેન્ટ્સનું ઘર છોડીને અલગ રહેવું હવે સામાન્ય વાત બની રહી છે. આવા મામલાઓમાં પુરુષ મોટાભાગે પોતાની પત્નીને માતા-પિતાથી અલગ થવાનું કારણ ગણાવે છે. પરંતુ એવા કયા કારણો હોય છે, જેને કારણે પત્નીઓ સાસુ-સસરાથી અલગ રહેવાનું દબાણ બનાવવા માંડે છે? ચાલો જાણીએ તેના વિશેઃ

સાસુ-સસરા સાથે અણબનાવ

લગ્ન બાદ એવી આશા રાખવી કે સાસુ-સસરા અને વહુની વચ્ચેના સંબંધો એકદમ પરફેક્ટ હશે તો તે વાસ્તવિક નહીં પરંતુ કાલ્પનિક વાત છે. દરેક પરિવાર એકબીજાથી અલગ હોય છે અને તેમની જીવવાની રીત પણ અલગ હોય છે. એવામાં વહુ તેમાં ઢળી જ જાય તે જરૂરી નથી. એ જ રીતે સાસુ-સસરા પણ વહુની અલગ વિચારસરણીથી હેરાન થઈ શકે છે. જેને કારણે સાસુ-સસરાનું વહુની સાથે નથી બનતું. શરૂઆતમાં ભલે આ બધી બાબતોને ઈગ્નોર કરીને શાંતિ બનાવી રાખવાનો પ્રયત્ન કરવામાં આવે, પરંતુ ધીમે-ધીમે આ અંતર ઝઘડાનું રૂપ લઈ લે છે. એવામાં અલગ થવા સિવાય કોઈ ઉપાય નથી બચતો.

જેઠાણી સાથે અણબનાવ

એવા ઘણા પરિવાર છે, જ્યાં જેઠાણી અને દેરાણીની વચ્ચે જરા પણ બનતું નથી હોતું. આ પ્રકારના પરિવારોમાં ઝઘડા સામાન્ય વાત બની જાય છે. આવુ સામાન્યરીતે ત્યારે થાય છે, જ્યારે બે વહુઓની વચ્ચે એ વાતને લઈને ખેંચતાણ ચાલે છે કે તે ઘરમાં કોની ચાલશે? આ સ્થિતિમાં કેટલીક મહિલાઓ દરરોજ ઝઘડો કરવાને બદલે અલગ થવાની બાબતને વધુ સારી સમજે છે અને તે પોતાના પતિ પર તેને લઈને દબાણ બનાવવાનું શરૂ કરી દે છે.

અડજસ્ટમેન્ટ ઈશ્યૂ

દરેક પરિવારના પોતાના રિવાજ અને પરંપરાઓ હોય છે, એવામાં ઘણીવાર વહુઓ તે અનુસાર પોતાને ઢાળવામાં મુશ્કેલી અનુભવે છે. દાખલા તરીકે, જો કોઈ ઘરમાં રિવાજ હોય કે સવારે નાસ્તાથી લઈને બે ટાઈમના જમવાના સુધી બધુ જ વહુઓ જ બનાવે છે, તો તે મહિલાઓને મુશ્કેલી આવી શકે છે, જેમણે સવારે ઓફિસ જવાનું હોય. એ જ રીતે કેટલાક પરિવારોમાં છોકરીઓ માટે કર્ફ્યૂ ટાઈમ નક્કી હોય છે. આવી સ્થિતિમાં પણ જો વહુ ઓફિસથી મોડી આવે, તો તેણે તેને લઈને સાસુ-સસરાનો ટોણો સાંભળવો પડે છે. મહિલાઓ માટે જ્યારે આવી સ્થિતિમાં અડજસ્ટ કરવું મુશ્કેલ બની જાય છે, તો તે અલગ રહેવામાં જ સમજદારી સમજે છે.

પતિ સાથે ટાઈમ ના મળી શકવો

ભલે લવ મેરેજ હોય કે અરેન્જ, દરેક કપલે લગ્ન બાદ પોતાના સંબંધો પર નવેસરથી કામ કરવું પડતું હોય છે. ઘણીવાર પતિ-પત્ની પારિવારિક જવાબદારીઓ નિભાવવામાં જ એટલા બિઝી થઈ જતા હોય છે કે તેમને એકબીજા માટે ટાઈમ જ નથી મળી શકતો. આ સ્થિતિ પતિ-પત્ની માટે ચેલેન્જિંગ બની જતી હોય છે અને પતિ સાથે ટાઈમ સ્પેન્ડ ન કરી શકવાને કારણે ચીડિયાપણુ આવી જતું હોય છે, જેને કારણે ઝઘડા શરૂ થઈ જાય છે. આવી સ્થિતિને સંભાળવા માટે પત્નીઓ પતિ સાથે અલગ ઘરમાં શિફ્ટ થવા અંગે વિચારવા માંડે છે.

માનસિક શાંતિ અને વધુ સારા સંબંધો માટે

સાસુ-સસરા અથવા સાસરીના અન્ય કોઈ સભ્યની સાથે અણબનાવ, પતિ સાથે સમય ન મળવો અને સાસરામાં અડજસ્ટ ન કરવી શકવા જેવી બાબતોને કારણે મેન્ટલ સ્ટ્રેસ ઉત્પન્ન થાય છે. આવી સ્થિતિમાં મહિલામાં ચીડિયાપણું આવી જાય છે અને ઝઘડા વધવા માંડે છે. આવી સ્થિતિને અવોઈડ કરવા અને માનસિક શાંતિ માટે ઘણીવાર પત્નીઓ પોતાના સાસુ-સસરાથી અલગ થવાનો નિર્ણય લેતી હોય છે.

આ નિર્ણય ઘણીવાર સાસુ-સસરા માટે પણ ફાયદાકારક સાબિત થતો હોય છે, કારણ કે તેઓ પણ રોજ-રોજના ઝઘડાથી હેરાન થઈ ગયા હોય છે. ઘણીવાર અલગ રહેવાની સ્થિતિમાં પરિવાર વધુ સુખી રહેતું હોય છે, કારણ કે તેમાં તેમની એકબીજાના જીવનમાં દખલ ઓછી થઈ જાય છે, જેને કારણે પરિવારમાં શાંતિ જળવાઈ રહે છે.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp