Notification

Favourite List

દ્વાદશ જ્યોતિર્લિંગ પ્રાગટય અને માહાત્મ્ય - ભાગ 1

14 Aug, 2017
06:31 AM
PC: blessingsonthenet.com

(૧) સૌરાષ્ટ્રમાં સોમેશ્વર - સોમનાથ:

સોમનાથ એટલે ચંદ્રના સ્વામી, અમૃતની વર્ષા કરનાર, શીતલતા પ્રદાન કરનાર ભગવાન શિવ જે સૌરાષ્ટ્રમાં છે. સૃષ્ટિના સર્જન વખતે ચંદ્ર અતિસ્વરૂપમાન હતો. રાજા દક્ષ પ્રજાપતિ એ પોતાની સુપુત્રીઓમાંથી 27 સુપુત્રીઓના લગ્ન ચંદ્ર સાથે કર્યા હતા. ચંદ્રને પોતાના સૌંદર્ય અને સ્વરૂપનું વધુ ગર્વ હતો. 27 પત્નીઓમાંથી રોહિણી ચંદ્રને વધુ પ્રિય હતી. શરૂઆતમાં રોહિણી સિવાયની બાકીની 26 પત્નીઓ અપમાનીત થઈને પોતાના પિતાશ્રી દક્ષ પ્રજાપતિ પાસે પહોંચી ત્યારે દક્ષ પ્રજાપતિ બહુ જ ક્રોધિત થયા અને ચંદ્રને શ્રાપ આપ્યો કે હે ચંદ્ર, તમને તમારા સૌદંર્ય, તેજ અને કાંતિનું જે ગર્વ છે તેનાથી તાત્કાલિક વંચિત થાવ અને તમને ક્ષય નામનો મહારોગ લાગુ પડે.આ શ્રાપને કારણે ચંદ્રની ધીમે ધીમે સુંદરતા ઘટવા લાગી. ઈન્દ્રાદિ દેવો ભગવાન બ્રહ્માજી પાસે ગયા અને શ્રાપના નિવારણ માટે ઉપાય જાણવા નિવેદન કર્યુ ત્યારે ભગવાન બ્રહ્માજી એ દેવોના દેવ મહાદેવના મહામૃત્યુજંય મંત્રનું અનુષ્ઠાન કરી શિવપૂજન અને આરાધના કરવાનું સૂચવ્યું. ચંદ્રએ શિવલિંગની સ્થાપના કરી તપ કરવાનું શરૂ કર્યું. પૂજા કરી તેનાથી ભગવાન શિવ પ્રસન્ન થયા અને વરદાન માંગવા કહ્યું. ત્યારે ચંદ્રએ વિનંતી સાથે જણાવ્યું કે, હે ભગવાન મહાદેવ મને આ ક્ષય રોગથી મુક્ત કરો. અને ફરી તેજસ્વી બનાવો. શ્રાપના પ્રભાવને હળવું કરતાં ભગવાન શિવે કહ્યું કે મહિનાના કૃષ્ણપક્ષમાં તમારી કલા ક્ષીણ થશે અને શુકલ પક્ષમાં તમારી કલા વૃદ્ધિ પામશે અને પૂર્ણિમાના દિવસે પૂર્ણ તેજસ્વી બની આકાશમાં વિચરણ કરી શકશો. તેજ વખતે ભગવાન શિવ આર્શીવાદ આપી ત્યાંજ જ્યોતિર્લિંગ સ્વરૂપે સ્થાપિત થયાં. ચંદ્રમાની ઉપાસનાથી ભગવાન શિવ પ્રસન્ન થયા તે હેતુથી આ જ્યોતિર્લિંગનું નામ સોમનાથ પડ્યું. પ્રભાસપાટણમાં ભગવાન સોમનાથનું મંદિર છે. એમની પૂજા, અર્ચના કરવાથી ચામડીના રોગ, ક્ષય રોગ, હૃદય ફેફસાં સંબંધી રોગો નાશ પામે છે. મસ્તિષ્ક પર ચંદ્રમય ભગવાન શિવશંકરનું ધ્યાન કરતાં આજ્ઞાચક્ર અને સહસ્ત્રાર ચક્ર તેજસ્વી, ગતિમાન થાય છે અને શરીરમાં મસ્તિષ્ક અને ગળામાંથી વિશેષ પ્રકારના રસો ઝરતાં મનુષ્યોના અસાધ્ય રોગો દૂર થાય છે. શરીરની ગરમી, શરીરમાં પ્રસરી ગયેલા વિષાણુઓના કારણે તન-મનની ગરમી વધી હોય તો તે શાંત થાય છે.

(૨) શ્રી શૈલ પર મલ્લિકાર્જુન:

કાર્તિકેય અને ગણપતિ ભગવાન સદાશિવના કહેવાથી પૃથ્વીની પરિક્રમા કરવા નીકળ્યા. પરિક્રમા કરીને જ્યારે કૈલાસ પર આવ્યાં ત્યારે ગણપતિના વિવાહની વાત નક્કી થતાં કાર્તિકેય ધર્મપ્રચાર અર્થે શૈલ પર્વત પર ગયાં એથી વ્યથિત શિવ-પાર્વતીએ કાર્તિકેયને મનાવવા માટે દેવર્ષિઓને મોકલ્યા અંતે શિવ-પાર્વતી શૈલ પર્વત પર ગયાં અને ત્યાં જ્યોર્તિમય સ્વરૂપ ધારણ કરી સ્થાપિત થયાં.
મલ્લિકાર્જુન ભગવાન શિવશંકરનું જ્યોતિર્લિંગ તામિલનાડુમાં કૃષ્ણાનદીના કિનારે શૈલ પર્વત પર છે. ભગવાન મલ્લિકાર્જુનની પૂજા અર્ચન કરવાથી, દર્શન કરવા માત્રથી જીવનની અનેક મહત્ત્વાકાંક્ષાઓ પૂર્ણ થાય છે અને ભક્ત-સાધકનું હંમેશાં કલ્યાણ થાય છે. શરીરમાં વિશેષ પ્રકારની શક્તિ વધે છે. તેનાથી વ્યક્તિ બળવાન બને છે. 

(ક્રમશઃ)