ગુજરાતમાં બ્લડ ટ્રાન્ઝફ્યુઝનથી HIVનો ભોગ બનેલા દર્દીની સંખ્યા દેશમાં સૌથી વધુ

PC: youtube.com

દેશમાં બ્લડ ટ્રાન્ઝફ્યુઝનથી એઇડસનો સૌથી વધુ ફેલાવો ગુજરાતમાં થાય છે. મતલબ કે અજાણ્યાનું લોહી લેતાં પહેલાં સો વખત નહીં લાખ્ખો વખત વિચાર કરવો પડશે.
એઇડસ એ એવી બિમારી છે, જેમાં તમારી રોગ પ્રતિકાર શક્તિ નાશ પામે છે અને તેને કારણે તમે રીબાઇ રીબાઇને મૃત્યુ પામો છો. હજુ એઇડસની દવા શોધાઇ નથી. હા, તમારી જીવન દોરી લંબાવતી દવા ઉપલબ્ધ છે. તેને કારણે તમારૂં જીવન લાંબુ થઇ શક્યું છે, પણ તેથી કાંઇ તમે એઇડસ મુક્ત થઇ શકતા નથી.

એઇડસ જાતિય સબંધથી ફેલાતો રોગ છે. જાતિય સબંધમાં સ્વચ્છંદતા ભારી પડી શકે છે. પરંતુ કરમની કઠણાઇ એ છે કે ઘણીક વખત અસુરક્ષિત શારીરિક સબંધ ન બાંધ્યા હોય તો પણ એ રોગ ભરખી જતો હોય છે, તેનું કારણ એ છે કે એઇડસનો રોગીનું લોહી કે લાળ પણ તેનો ચેપ આપી શકે એમ છે. આ સંજોગોમાં કોઇ દર્દીને અજાણતામાં એઇડસના રોગીનું લોહી આપવામાં આવે તો નવાણિયો કૂટાઇ જતો હોય એમ પેલો દર્દી સારવાર કોઇ બીજા રોગની લેતો હોય, તેમાંથી સાજો થઇ જાય, પણ તેની સાથે એઇડસનો ચેપ લાગી જતો હોય છે.

ગુજરાતમાં આ પ્રકારે એઇડસનો ફેલાવો દેશભરમાં વધુ છે, એ વાત ચોંકાવનારી છે. બલ્કે આપણા માટે ચેતવણીજનક છે. આપણે ત્યાં રક્તદાતાઓની ચકાસણી પૂરતી થતી નથી, એમ કહી શકાય. દેશભરમાં 14774 એચાઇવી ગ્રસ્ત લોકો એવા છે કે તેઓ રોગીઓના લોહી આપવાને કારણે એચઆઇવીનો ભોગ બન્યા છે. એઇડસ માટે જવાબદાર એચઆઇવી વાઇરસ શરીરમાં પહોંચે પછી વર્ષો બાદ તે શરીર ઉપર ભરડો લેતો હોય છે, તેથી વર્ષો સુધી તો આપણને ખ્યાલ જ નથી આવતો કે આપણે એચઆઇવીનો ભોગ બની ચૂક્યા છે. વક્રતા તો એ છે કે થેલેસેમિયાના દર્દીઓને વારંવાર લોહી આપવું પડતું હોય છે.

આ દર્દીઓ બાળકો જ હોય છે અને મહિનામાં બે કે ત્રણ વખત પણ લોહી આપવું પડતું હોય છે. આ સંજોગોમાં પૈસા ખર્ચીને લોહી ચઢાવવું સામાન્ય વર્ગના લોકો માટે મુશ્કેલ હોય છે. આ સ્થિતિમાં સરકારી હોસ્પિટલોમાં એ દર્દીઓને લોહી અપાતું હોય છે. જુનાગઢની સરકારી હોસ્પિટલમાં એક વખત લોહી ચકાસણી વગર આપી દેવાયું હતું, તેને કારણએ 35 બાળકો એચઆઇવી ગ્રસ્ત બની ગયા હતા, જેમાંથી લગભગ નવેક બાળકો તો મૃત્યુ પામ્યા હતા.

ગુજરાતમાં એચઆઇવીગ્રસ્તનું લોહી સારી વ્યક્તિને આપી દેવાથી સાજોસમો વ્યક્તિ પણ એચઆઇવીગ્રસ્ત થઇ ગયાના 2518 કેસો નોંધાયા છે, જે દેશમાં સૌથી વધુ છે, એ જોતાં તમારે પણ તમારા પરિવારમાં કોઇને લોહી આપવાની જરૂર ઊભી થાય તો નજીકના જાણિતા સબંધીઓનું જ લોહી અપાય એની કાળજી રાખવી પડશે, નહીંતર પાછલા બારણે એચઆઇવી ઘૂસી જઇને જીંદગી બગાડી નાંખશે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp