ગુજરાતમાં દરિયો જમીન ખાય છે છતાં સરકાર ગંભીર નથી

PC: khabarchhe.com

ક્લાયમેટ ચેન્જ અને ગ્લેશિયર પિગળવાના કારણે દરિયાની પાણીની સપાટી ઝડપથી ઉપર આવી રહી છે ત્યારે ગુજરાતમાં હજારો હેક્ટર જમીન બરબાદ થઇ રહી છે છતાં સરકારને તેની કોઇ ચિંતા નથી. રાજ્યના દરિયાકિનારે વસતા રહિશો ભયભીત બન્યા છે. સરકારને રિપોર્ટ સોંપવા છતાં કોઇ એક્શન લેવાતા નથી, બીજી તરફ હજારો પરિવારોનું સ્થળાંતર કરવાની નોબત આવી છે.

ગુજરાતમાં હાલ વિધાનસભાની ચૂંટણી છે. કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો આવી ગયો છે અને ભાજપનો ઢંઢેરો બાકી છે. કોંગ્રેસે તેના ઢંઢેરામાં દરિયાકિનારાના વિસ્તારો માટે ચિંતા કરી નથી. આ સ્થિતિનો ઉલ્લેખ પણ નથી. ભાજપના ઢંઢેરામાં આ સ્થિતિ અંગે જો ઉલ્લેખ નહીં હોય તો આ વિસ્તારના લોકો રામભરોસે મૂકાઇ શકે છે. હકીકતમાં ચૂંટણી લડતી રાજકીય પાર્ટીઓએ દરિયાકિનારાની જમીનના ધોવાણને પણ ચૂંટણી મુદ્દો બનાવવો જોઇએ.

ક્લાઇમેટ ચેન્જના કારણે પશ્ચિમ અને પૂર્વ ભારતના અનેક કાંઠાવિસ્તારોમાં સમુદ્રની સપાટીમાં ભયજનક વધારો થઈ રહ્યો છે. 120 જેટલી વિવિધ સંસ્થાઓના 220 વિજ્ઞાનીઓએ વિસ્તૃત અભ્યાસ કર્યા બાદ તૈયાર કરેલા સરકારી રિપોર્ટમાં કેટલીક ચોંકાવનારી હકીકતો રજૂ કરવામાં આવી છે. એમાં જણાવવામાં આવ્યું છે કે પશ્ચિમ કાંઠે ખાસ કરીને મુંબઈ, કોંકણ તથા ગુજરાતમાં કચ્છ અને ખંભાતના કાંઠાવિસ્તારોમાં સમુદ્ર અગાઉ કરતાં વધુ ઝડપથી આગળ વધી રહ્યો છે. આ ઉપરાંત કેરળના કાંઠાવિસ્તારોમાં પણ સમુદ્રની સપાટી વધી રહી છે.

ગુજરાતના સોમનાથ, દ્વારકા સહિત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જમીન વિસ્તારોમાં દરિયાના પાણી ઘૂસી રહ્યાં છે તેવા ભારત સરકારના એક અહેવાલ પછી યુનાઇટેડ નેશન્સના એન્વાયર્નમેન્ટ રિપોર્ટમાં એવો નિર્દેશ કરવામાં આવ્યો છે કે દરિયાની વધતી સપાટીને કારણે 2050 સુધીમાં ભારતના ચાર કરોડ લોકોના અસ્તિત્વ પર ખતરો મંડાશે, તેમણે તેમની રહેવાની જગ્યા શિફ્ટ કરવી પડશે.

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં આવેલા 6 હજારની વસ્તી ધરાવતા માણેકપુર અને ખત્રીવાડા ગામમાં દરિયાના પાણીના ડરથી 50 ટકા વસ્તીએ ગામ છોડી દીધું છે. યુએનના રિપોર્ટ પ્રમાણે ગ્લોબલ વોર્મિગને કારણે 1901 થી 2001 સુધીના એક સદીના સમયગાળામાં દરિયાની સપાટી એક મીટર વધી છે. જેની અસર ગુજરાતમાં દરિયા કિનારાના વિસ્તારમાં પણ વર્તાઇ છે.

ગુજરાતના કચ્છ,જામનગર અને ભરૂચમાં ભયજનક રીતે દરિયો માનવવસ્તી તરફ આગળ વધી રહ્યો છે. ઇન્સ્ટિટયૂટ ઓફ ઓશન મેનેજમેન્ટ રિપોર્ટ પ્રમાણે સૌરાષ્ટ્રના 8 જિલ્લાઓમાં દરિયો ઓછા-વત્તા પ્રમાણમાં આગળ વધી રહ્યો છે,જયારે જામનગર,અમરેલી, ગીર સોમનાથ, અને ભાવનગરમાં સૌથી વધારે નુકસાન થયું છે. જામનગર અને દ્વારકામાં કુલ 90 કિ.મી સુધી દરિયો આગળ વધ્યો છે. ગીર સોમનાથ અને જૂનાગઢમાં 100 કિ.મી, ભાવનગરમાં 60૦ કિ.મી અને અમરેલીમાં 30 કિ.મીનો કિનારોમાં દરિયાના પાણી ફરી વળ્યા છે.

ગુજરાત ક્ષાર નિયંત્રજ્ઞના પગલાં લઇ રહી છે પરંતુ તેમાં વરરાતી ગ્રાન્ટ પુરતી નથી. સરકારે હજી સુધી જમીન ધોવાણનો રિપોર્ટ તૈયાર કર્યો નથી. દરિયા કિનારે વસતા પરિવારોને તેમની જમીન અને ઘર છોડવા પડી રહ્યાં છે ત્યારે તેમના માટે વૈૈકલ્પિક વ્યવસ્થા પણ વિચારવામાં આવી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp