કૃષિ કરતા કોર્પોરેટનું NPA પાંચ ગણું

PC: moneycontrol.com

ખેડૂતોને લોન માફ કરવા માટે રાજકીય નેતાઓ જ્યારે તૈયાર થયા છે ત્યારે બેંકો એક કરતા અનેક કારણો આગળ ધરી સરકારને આમ નહિ કરવા માટે સૂચના આપી રહ્યા છે. કેન્દ્ર સરકારે પણ જે રાજ્ય સરકાર પોતે દેવું માફ કરે તેને મદદ નહિ કરવાનો નિર્ણય જાહેર કરી દીધો છે. આ દર્શાવે છે કે કેન્દ્રનું ધ્યાન માત્ર કોર્પોરેટ ઉપર જ કેન્દ્રિત છે.

આ બધાની વચ્ચે સંસદમાં રજૂ થયેલા બે અલગ-અલગ જવાબોમાં નાણા મંત્રાલય સ્વીકારે છે કે દેશમાં કૃષિ ધિરાણ કરતા કોર્પોરેટ ધિરાણની હાલત વધારે કફોડી છે. નાનો ખેડૂત લોન ભરવામાં વધારે શિસ્તબદ્ધ છે પણ વધુ કિસ્સામાં કોર્પોરેટ લોન મેળવી તેની પરત ચુકવણી નથી કરતા. વર્ષ 2013માં કોર્પોરેટને આપેલી દર 100 લોનમાંથી માત્ર ત્રણ લોકો તે પરત કરતા નહિ પણ વર્ષ 2017માં તે પ્રમાણ વધી 15નું થયું છે. એટલે કે દર 100 લોનમાંથી 15 લોન એવી છે જે પરત આવતી નથી.

સંસદમાં રજૂ થયેલા આંકડા અનુસાર રૂ. 62,307 કરોડની કૃષિ અને સંલગ્ન ક્ષેત્રને આપવામાં આવેલી લોન નબળી પડી છે. એવી લોન કે જેમાં વ્યાજ કે હપતાની ચુકવણી સમયસર નથી થઈ રહી. સામે કોર્પોરેટ ક્ષેત્રની આવી લોન રૂ.3,44,355 કરોડની છે. માર્ચ 2017ના રોજ પૂરા થયેલા વર્ષના અંતે આ આંકડા દર્શાવે છે કે કૃષિ કરતા કોર્પોરેટ લોનમાં NPAનું પ્રમાણ પાંચ ગણું વધારે છે.

વાત હજુ અહીં અટકતી નથી. માર્ચ 2015થી માર્ચ 2017ના ત્રણ વર્ષ દરમિયાન કોર્પોરેટ ક્ષેત્રની નબળી પડેલી લોન ત્રણ ગણી વધી છે. માર્ચ 2015ના રોજ આવી લોન રૂ.1,18,967 કરોડ હતી જે વધી માર્ચ 2017ના રૂ. 3,44,355 કરોડે પહોંચી. સામે પક્ષે કૃષિ ક્ષેત્રની નબળી લોન આ સમયગાળામાં રૂ. 37,853 કરોડથી બે ગણી વધી રૂ. 62,307 કરોડ પહોંચી છે. આ દર્શાવે છે કે કોર્પોરેટ લોનમાં પરત નહિ આવતી લોન વધુ ઝડપથી વધી રહી છે.

બેન્કિંગ ક્ષેત્રની કામગીરી અને ખાસ કરીને સરકારની માલિકીની બેંકોની કામગીરી એકદમ નબળી છે. સરકાર પણ તેમની કામગીરી સુધારવા માટે ઉદાસીન છે, આવો અહેવાલ કેગે શુકવારે આપ્યો છે.

રાજકીય લાભ ખાટવા, ખાસ લોકોને લોન અપાવવા માટે રાજકીય નેતાઓનો હસ્તક્ષેપ પણ થાય છે. બેંકોની હાલત અત્યારે એકદમ કથળી ગયેલી છે અને કેન્દ્ર સરકાર કોઈપણ પ્રકારના ધોરણો વગર પ્રજાના પૈસા બેંકોને મૂડીના રૂપમાં આપતી રહે છે. મૂડી એટલાં માટે આપ્યે રાખે છે કે જો બેંકનું ઉઠમણું થઈ જાય તો તેની તપાસ થાય અને રાજકીય નેતાઓ અને કોર્પોરેટ ક્ષેત્રની સાઠગાંઠ ખુલ્લી પડી જાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp