26th January selfie contest

કલ્યાણસિંહની યુદ્ધ કથા, ગુજરાતના નેતાઓ ભૂલી ગયા, પાક જેલમાં 48 વર્ષથી કેદ

PC: Khabarchhe.com

1971ના યુદ્ધ પછી 48 વર્ષથી પાકિસ્તાનની જેલમાં બંધ ભારતીય 54 કેદીઓ હતા. જેમાં ગુજરાતના એક કલ્યાણસિંહ રાઠોડ પણ કેદ છે. તેઓ ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ચાંદરાણી ગામના રહેવાસી છે. ગામ અને તેનું કુટુંબ આજે પણ તેમના આવવાની રાહ જોઈ રહ્યા છે. દર 26મી જાન્યુઆરીએ તેમને આખું ગામ યાદ કરે છે. પણ ગુજરાત સરકાર અને ભાજપ સરકાર ગુજરાતના યુદ્ધ વીરને ભૂલી ગઈ છે. આ ગામની નજીક જ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ 26 જાન્યુઆરી 2019માં ધ્વજવંદન કરીને ત્રીરંગાને સલામી આપી હતી. પણ તેઓ ગુજરાતના કેપ્ટનને પાકિસ્તાન જેલમાંથી છોડાવવા માટે એક શબ્દ બોલ્યા ન હતા. વતન માટે જીવની પરવા ન કરનારા ગુજરાતના સપૂત સૈનિકને ગુજરાત સરકાર હવે ભૂલી ચૂકી છે.

તેમને છોડાવવા માટે ગુજરાત સરકારે ગંભીરતાથી પ્રયાસ કર્યો નથી. જે ભારતની અકંડીતતા માટે લડીને યુદ્ધ કેદીનું જીવન આજે પણ પાકિસ્તાનની જેલમાં જીવી રહ્યા છે. ભારત અને પાકિસ્તાન સાથેના 1971માં પાક યુદ્ધ બાદ યુદ્ધકેદી તરીકે પકડાઈ ગયેલા કલ્યાણસિંહને ગુજરાતમાં રાષ્ટ્રવાદી કહેવાતી ભાજપ સરકાર 28 વર્ષથી સત્તા પર છે અને કેન્દ્રમાં 12 વર્ષ સત્તા ભોગવી ચૂકેલા ભાજપે પણ તેમને છોડાવવા માટે પાકિસ્તાન પર ક્યારેય દબાણ કર્યું નથી.

મોટાભાઈ રાહ જૂએ છે

કલ્યાણસિંહના મોટાભાઈ દિલીપસિંહ અને તેજસિંહ રાહ જોઈ રહ્યા છે કે તેના ભાઈને જેલમાંથી છોડાવવા માટે સરકાર કંઈક કરે. કલ્યણસિંહ સાથે ચાર ભાઈ, તેમના પિતા હરિસિંહ મેજીસ્ટ્રેટ હતા. કલ્યાણસિંહ એચ.એસ.સી. કરીને પુણેમાં નોકરી કરતા હતા. તેમનું કૌવત જોઈને તેમને માલિકે ભારતીય લશ્કરમાં જોડાવાની સલાહ આપી હતી. લશ્કરી તાલીમ લઈને તેઓ આસામ રેજિમેન્ટ-પાંચમાં જોડાઈ ગયા હતા. કલ્યાણસિંહ રાઠોડ સેકન્ડ લેફ્ટનન્ટ, લેફ્ટનન્ટ અને છેલ્લે 1968માં કેપ્ટન બન્યા હતા. વાંચવાનો શોખ હતો. તેમના લગ્ન થવાના હતા તે પહેલા યુદ્ધ મોરચે તેમને મોકલવામાં આવ્યા હતા. પાકિસ્તાન સાથે યુદ્ધ છેડાશે એવા અણસાર મળતા જ તેમને હૈદરાબાદની ફરજથી જમ્મુ કાશ્મિરના છામ્બ સેક્ટર ખાતે બસલારા પોઈન્ટ પર મોરચા પર ફરજ પર મોકલવામાં આવ્યા હતા.

લશ્કર કહે છે તેઓ શહીદ થયા

3 ડિસેમ્બર, 1971ના રોજ ભારત-પાક યુદ્ધ થયું હતું. 6 ડિસેમ્બર કુટુંબને કમાન્ડિગ અધિકારીનો પત્ર મળ્યો હતો કે કેપ્ટન કલ્યાણસિંહ રાઠોડ ગુમ થયા છે. બાદમાં પરિવારને લશ્કર તરફથી સંદેશ મળ્યો હતો કે, કલ્યણસિંહ શહીદ થઈ ગયા છે. પણ 26 જાન્યુઆરી 2019 સુધી ભારતનું લશ્કર કે સરકાર એક પણ પુરાવો આપી શકી નથી કે તે શહીદ થયા છે. તપાસ દરમિયાન કલ્યાણસિંહ રાઠોડના સાથીજવાને આપેલી માહિતી પરથી જાણવા મળ્યું કે પાકિસ્તાન લશ્કરે તેમને યુદ્ધકેદી બનાવ્યા છે. ત્યારથી પરિવાર તેમની રાહ જોઈ રહ્યો છે. પણ ગુજરાત સરકારને તેની પરવા નથી. યુદ્ધ ચાલતું હતું ત્યારે પરિસ્થિતિ જોઈને તેમના અધિકારીઓએ કેપ્ટન રાઠોડને પાછા ફરવાનો આદેશ પણ આપ્યો હતો, પરંતુ તેઓ પરત ફરવાના બદલે યુદ્ધમાં લડી લેવા આગળ વધતા રહ્યા હતા.

ખાડામાં શું મૂકી દીધું

દુશ્મનોથી હવે બચી શકાય એમ નથી એવું લાગતા તેઓ જમીનમાં ખાડો ખોદવા લાગ્યા હતા. તેમના બે સાથીદારો આ જોઈ જ રહ્યા હતા. કેપ્ટન રાઠોડે પોતાના ખિસ્સામાંથી એક તસવીર કાઢી અને એ ખાડામાં મૂકીને ખાડો પૂરી દીધો. કલ્યાણસિંહ આસ્તિક હતા. તેઓ લુણાવાડાના ગુમાનંદજીમાં આસ્થા ધરાવતા હતા. ગુમાનંદજીની એક તસવીર સાથે જ રાખતા હતા. દુશ્મનો પકડી લે તો ગુરુજીની તસવીર દુશ્મનોના હાથમાં ન પહોંચે એ માટે એમણે એક ખાડો ખોદીને એ તસવીર શ્રદ્ધા સાથે એમાં મૂકીને ખાડો પૂરી દીધો હતો.

નિરાશા

પિતા હરિસિંહ 1986માં પુત્રની રાહ જોઈને અવસાન પામ્યા. તેમના ભાઈ પાકિસ્તાની સરકાર, ભારત સરકાર, ન્યાયાલયો, હ્યુમન રાઈટ્સ એસોસિયેશન જેવી અનેક સંસ્થામાં છોડાવવા માટે રજૂઆત કરી ચૂક્યા છે. તેઓ 48 વર્ષથી પોતાના ભાઈને જેલમાંથી છોડાવવા માટે યુદ્ધ ખેલી રહ્યા છે. સાબરકાંઠાથી અમદાવાદ અને દિલ્હી કોર્ટમાં પણ કેસ કર્યો છે. પણ સરકાર પાસેથી નિરાશા મળી છે. સરકાર, સંરક્ષણ મંત્રાલય અને લશ્કરની નિષ્ક્રિયતા સતત જોવા મળી છે. જેલમાં કેદ 54 યુદ્ધ કેદીઓ માટે સૈનિક પરિવાર દ્વારા મિસિંગ ડિફેન્સ એસોસિયેશન બનાવીને કોર્ટમાં રીટપીટીશન કરી હતી. ભારત સરકારે પણ આ 54 મીસીંગ સૈનિકોની યાદી જાહેર કરી હતી.

શાળાનું નામ કલ્યાણસિંહ

ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ચાંદરાણી ગામ આજે પણ પોતાના સપૂતને આવવાની આશા છે. ગુજરાત તો તેમની ભૂલી ગયું છે પણ ગામ યાદ રાખે છે. ચાંદરાણી ગામની શાળાને ‘કેપ્ટન કલ્યાણસિંહ રાઠોડ’નું નામ આપ્યું છે. જ્યાં કલ્યણસિંહનો જન્મ દિવસ દર વર્ષે ઉજવવામાં આવે છે. શાળામાં જે દિવસે કલ્યણસિંહની ફરજનીષ્ઠા, દેશ માટે જીવવાની કથા, લશ્કર પ્રત્યેની તેની વભાદારીની વીરગાથાની કહેવામાં આવે છે. પરિવારે તેમના મકાનમાં કલ્યાણસિંહની પ્રતિમા મૂકી છે. જ્યાં તેમની વીર કથા કહેવામાં આવે છે.

નાથા રામનું બયાન, કલ્યાણસિંહ જીવે છે 

24 માર્ચ 1988માં પાકિસ્તાનની જેલમાંથી છૂટીને દિલ્હી આવેલા નાથા રામે એવું કહ્યું હતું કે, રાવલપિંડીની જેલમાં કેપ્ટન કલ્યાણસિંહ રાઠોડને તેમણે જોયા હતા. વર્ષ 1983માં રાવલપિંડીની જેલના ઈન્ટરોગેશન સેન્ટરમાં નાથા રામ અને કલ્યાણસિંહ ભેગા થઈ ગયા હતા. ત્યાર બાદ જુલાઈ, 1988માં પાકિસ્તાનથી છૂટીને આવેલા મુખ્તિયાર સિંહે પણ કલ્યાણસિંહ રાઠોડને 1988માં લાહોરની કોટલખપત જેલમાં જોયા હોવાની વાત કરી હતી. કલ્યાણસિંહ રાઠોડ પાકિસ્તાનની જેલમાં છે એ વાત અનેક કેદીઓએ કહી છે.

ભાઈ દિલીપસિંહ પાકિસ્તાન ગયા હતા

કલ્યાણસિંહના પૂર્વજો સૈકાઓ પહેલા રાદસ્થાનના જોધપુરથી હિંમતનગર આવેલા હતા. 2007માં ભારતીય યુદ્ધ કેદીઓના પરિવારોનું એક પ્રતિનિધિ મંડળ કેદી બનાવાયેલા પરિવારના સભ્યોની શોધ માટે તપાસ કરવા ગયું હતું. જેમાં કલ્યાણસિંહના ભાઈ દિલીપસિંહ પણ હતા. તેઓ પાકિસ્તાનમાં 15 દિવસ સુધી રહ્યા હતા. બધી જેલમાં ફર્યા હતા. જેલના સુપ્રિટેન્ડેન્ટ વાંચી સંભળાવે, યાદી બતાવે પણ તે ઉર્દુમા લખેલા નામ હતા. જોઈએ એવો સહકાર ત્યાંની સરકાર કે તંત્રએ આપ્યો ન હતો. તેઓ પાકિસ્તાન ગયા બાદ 21 મે 2008માં કોન્યુલર એક્સસેસ કરાર થયા હતા. બન્ને દેશોના વિદેશ મંત્રાલય એકબીજાની જેલમાં રહેલાં કેદીઓની યાદી સોંપે છે. જેમાં પણ નામ આવતું નથી.

ખરાબ જેલ પાકિસ્તાનમાં

વિશ્વની સૌથી ખરાબ જેલોમાં પાકિસ્તાનની 89 ગણાય છે. 89 જેલમાં 42,617 કેદીઓની ક્ષમતા છે, રખાય છે 75થી 1 લાખ સુધી. આ જેલોના સ્ટાફ ટ્રેઇન્ડ નથી. ક્રૂર છે અને જૂનીપુરાણી પરંપરા પ્રમાણે કેદીઓ સાથે વર્તન કરે છે. જે કેદીને ત્રાસ આપે છે. શાસન કરનાર સરકારના જ હુકમ ચાલતા નથી. સૈન્ય પોતાની મનમાની ચલાવે છે, આઇએસઆઇ પોતાની મરજી મુજબ કૃત્યો કરાવે છે. પાકિસ્તાની જેલોની ખરાબ સ્થિતિનો સૌથી વધુ અનુભવ ગુજરાતી માછીમારોને છે. પાકિસ્તાની નેવી કે કોસ્ટગાર્ડ ગુજરાતના માછીમારોને ઉઠાવી જાય છે. મહિ‌નાઓ સુધી તેમને અંડરટ્રાયલ કેદીઓ તરીકે રાખવામાં આવે છે. તેઓ પોરબંદર કે વેરાવળ વતન પાછા ફરીને જેલના ત્રાસનું વર્ણન કરે છે. જે માનવતા વિરુદ્ધનું હોય છે.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp