રશિયાથી ભારતે ખરીદેલા દરેક ઓઇલના ટીપામાં યુક્રેનના લોકોનું લોહી: યુક્રેની મંત્રી

PC: ukrinform.net

રશિયા અને ભારત વચ્ચે તેલની ખરીદી વચ્ચે યુક્રેનના વિદેશ મંત્રી દિમિત્રી કુલેબાએ મોટું નિવેદન આપ્યું છે. યુક્રેનના વિદેશ મંત્રીએ કહ્યું કે રશિયાથી ભારત જે પણ બેરલ તેલ પહોંચી રહ્યું છે તેમાં યુક્રેનનું લોહી ભળેલું છે.

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ભારત રશિયા પાસેથી સતત તેલ ખરીદી રહ્યું છે. અમેરિકા સહિત ઘણા દેશો ભારતના આ પગલાથી નારાજ છે. આ દરમિયાન યુક્રેનના વિદેશ મંત્રી દિમિત્રી કુલેબાએ રશિયા અને ભારત વચ્ચે ઓઈલ ડીલ અંગે તીખી ટિપ્પણી કરી છે. યુક્રેનના વિદેશ મંત્રી દિમિત્રી કુલેબાએ કહ્યું કે, રશિયાથી ભારતમાં લઈ જવામાં આવતા દરેક બેરલ તેલમાં યુક્રેનિયન લોકોનું લોહી ભળેલું છે.

વિદેશ મંત્રીએ ભારતને યાદ અપાવવાના સ્વર સાથે વધુમાં કહ્યું કે તેઓએ યુદ્ધ દરમિયાન યુક્રેનમાંથી ભારતીય વિદ્યાર્થીઓને પરત મોકલવામાં મદદ કરી હતી.

બુધવારે વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સમાં, યુક્રેનના વિદેશ પ્રધાન દિમિત્રોએ વધુમાં કહ્યું કે અમે હંમેશા કૃષિ ઉત્પાદનો ખાસ કરીને સરસવના તેલમાં ખૂબ જ પ્રતિબદ્ધ સપ્લાયર અને વેપારી છીએ. તેમણે વધુમાં કહ્યું કે અમને ભારત તરફથી યુક્રેનને મજબૂત સમર્થનની અપેક્ષા હતી.

વિદેશ મંત્રીએ કહ્યું કે યુક્રેન હંમેશા ભારતનું વિશ્વસનીય ભાગીદાર રહ્યું છે, પરંતુ રશિયા પાસેથી તેલ ખરીદીને ભારત યુક્રેનના લોકોનું લોહી ખરીદી રહ્યું છે.

યુક્રેનના વિદેશ મંત્રીએ કહ્યું કે જ્યારે ભારત રશિયા પાસેથી ડિસ્કાઉન્ટમાં ક્રૂડ ઓઈલ ખરીદી રહ્યું છે ત્યારે તેમણે સમજવું જોઈએ કે તેમને જે ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે તેની કિંમત યુક્રેનના લોકોના લોહીથી ચૂકવવામાં આવશે. વિદેશ મંત્રીએ કહ્યું કે યુક્રેન અને ભારત બંનેમાં ઘણી આવશ્યક સમાનતાઓ છે અને બંને દેશોએ એકબીજા માટે ઉભા રહેવું જોઈએ.

યુક્રેનના વિદેશ મંત્રીએ વધુમાં કહ્યું કે, રશિયા પાસેથી તેલ ખરીદવાનો ભારતનો નિર્ણય જરાય આશ્ચર્યજનક નથી, પરંતુ એ સ્પષ્ટ છે કે રશિયાને યુક્રેન સાથેના યુદ્ધ દ્વારા પોતાના ઓઈલ માર્કેટમાંથી પૈસા કમાવવાની તક મળી ગઈ છે.

ભારત અને રશિયા વચ્ચે ઓઈલ ડીલ પર તેમણે વધુમાં કહ્યું કે, માનવજાતના ઈતિહાસમાં દરેક વિવાદમાં, દરેક યુદ્ધમાં એક પક્ષે નુકસાન ઉઠાવ્યું છે અને કોઈ એકે પૈસા કમાયા છે. વિદેશ મંત્રીએ કહ્યું કે ભારત અને રશિયા વચ્ચેના ગાઢ બનેલા સંબંધો ભવિષ્યમાં મ્યાનમારને લઈને ભારતના પક્ષને પણ અસર કરશે.

અમેરિકા ભારત પર રશિયા પાસેથી તેલ ન ખરીદવા માટે સતત દબાણ કરી રહ્યું છે. જોકે, રશિયા પાસેથી ડિસ્કાઉન્ટ પર તેલ ખરીદવા અંગે ભારતનું વલણ સ્પષ્ટ છે કે જે દેશ પાસેથી તેને સારો સોદો મળશે, તે તેના નાગરિકોના હિતને ધ્યાનમાં રાખીને તેની સાથે વ્યવહાર કરશે.

તાજેતરમાં થાઈલેન્ડ પહોંચેલા ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકરે ફરી એકવાર સ્પષ્ટ કર્યું છે કે રશિયા અને ભારત વચ્ચે તેલની ખરીદી ચાલુ રહેશે. વિદેશ મંત્રીએ કહ્યું કે અમેરિકા અથવા અન્ય કોઈ દેશ રશિયા પાસેથી તેલ ખરીદવાના ભારતના નિર્ણયની ભલે સરાહના ન કરે, પરંતુ તેમણે એ વાત સ્વીકારી લીધી છે કે ભારત પોતાના રૂખ માટે બચાવની મુદ્રામાં નથી.

જયશંકરે  સ્પષ્ટ કર્યું કે જે ડીલથી ભારતીય લોકોને ફાયદો થશે, ભારત તે ડીલ કરશે. વિદેશ મંત્રીએ કહ્યું કે દરેક દેશ પોતાના નાગરિકોના હિતોનું ધ્યાન રાખે છે. વિદેશ મંત્રીએ કહ્યું હતું કે ભારત એક એવો દેશ છે જ્યાં માથાદીઠ આવક 2 હજાર ડોલરથી ઓછી છે અને દેશના લોકો તેલ કે ગેસની ઊંચી મોંઘવારીનો બોજ સહન કરી શકતા નથી. આવી સ્થિતિમાં, તેમની પણ ફરજ છે કે ભારતના લોકોના હિતોને ધ્યાનમાં રાખીને, એવા દેશો સાથે ડીલ કરવી જોઈએ જ્યાંથી શ્રેષ્ઠ ઓફર ઉપલબ્ધ હોય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp