26th January selfie contest

ઝેલેન્સ્કી આપી રહ્યા છે પુતિનને ઝટકા,અન્ય એક શહેરમાંથી પણ રશિયન સૈનિકોને ભગાડ્યા

PC: livehindustan.com

યુક્રેનની સેના સતત રશિયન સૈનિકોને ઝટકો આપી રહી છે. જવાબી હુમલો કરીને તેમને ભગાડી રહી છે. સમાચાર આવી રહ્યા છે કે, યુક્રેને હવે વોવચાન્સ્ક પર પણ નિયંત્રણ મેળવી લીધું છે. આ શહેર રશિયાથી માત્ર 3 કિમી દૂર આવેલું છે. રશિયન સૈનિકોએ યુદ્ધના પહેલા દિવસે જ તેના પર કબ્જો કરી લીધો હતો. આ સિવાય રશિયન સૈનિકો દક્ષિણી શહેર મેલિટોપોલને પણ છોડીને ભાગી રહ્યા છે. રિપોર્ટ મુજબ, મેયર ઇવાન ફેડોરોવે ટેલિગ્રામ પર આ વિશે માહિતી આપી છે.

આ પહેલા રશિયાએ શનિવારના રોજ ઉત્તરપૂર્વીય યુક્રેનમાં તેનો મુખ્ય ગઢ છોડી દીધો હતો. યુદ્ધના શરૂઆતના દિવસો પછી અત્યાર સુધીમાં આ રશિયાની સૌથી ખરાબ હાર છે. યુક્રેનિયન સૈનિકોએ રશિયાને ચોંકાવતા આશ્ચર્યજનક બદલાવ કર્યો છે. તેઓએ તેમના ડઝનેક શહેરો પર ફરીથી કબ્જો કરી લીધો છે. યુક્રેનના નાયબ સંરક્ષણ પ્રધાન હન્ના મલયારે જણાવ્યું હતું કે, લગભગ 150,000 લોકોને રશિયન શાસનમાંથી મુક્ત કરવામાં આવી ચૂક્યા છે. આ સ્થળો પર ફરીથી યુક્રેનિયન ધ્વજ લહેરાવામાં આવ્યા છે.

મલયારે રોઇટર્સને જણાવ્યું હતું કે, પૂર્વોત્તર ખાર્કિવ ક્ષેત્રમાં અન્ય સ્થળે લડાઈ જારી છે. યુક્રેનની સેના સારી પ્રગતિ કરી રહી છે. તેમણે કહ્યું, ખાર્કિવ ક્ષેત્ર અને તેનાથી આગળ- રશિયન સંઘના કબ્જાવાળા તમામ ક્ષેત્રોને મુક્ત કરવું મુખ્ય લક્ષ્ય છે. યુક્રેનનું બીજું સૌથી મોટું શહેર ખાર્કિવ છે. બાલાક્લિયાના ઉત્તર-પશ્ચિમના એક ગામ વર્બીવકામાં 76 વર્ષિય નાદિયા ખ્વોસ્તોકે યુક્રેનિયન સૈનિકોના આગમનનું વર્ણન કરતા કહ્યું કે, અમે અમારી આંખોમાં આંસુ સાથે તેમનું સ્વાગત કર્યું. તેમણે કહ્યું, અમે વધુ ખુશ નહીં થઈ શકતા હતા. મારા પૌત્ર-પૌત્રીએ અઢી મહિના ભોંયરામાં વિતાવ્યા. જ્યારે ઘરનો ખૂણે-ખૂણો તૂટી ગયો ત્યારે બાળકો ધ્રૂજવા લાગ્યા અને ડરવા લાગ્યા.

વર્બીવકા આવેલા ખાર્કિવ ક્ષેત્રના ગવર્નર ઓલેહ સિનેહુબોવે જણાવ્યું હતું કે, અધિકારીઓ ક્ષેત્રના કબ્જા દરમિયાન રશિયનો દ્વારા કરવામાં આવેલા ગુનાઓને રેકોર્ડ કરવા અને પીડિતોના મૃતદેહોને પુનઃપ્રાપ્ત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે કહ્યું, 'અમે તમામ લોકોને તે તમામ દફન સ્થળો વિશે પૂછી રહ્યા છે જે મળી શકે છે. અમને નાગરિકોના દફનના કેટલાક સ્થાનો મળ્યા છે. અમે ખોદકામની પ્રક્રિયા ચાલુ રાખી છે. જો કે, મોસ્કો એ વાતને નકારે છે કે તેના દળોએ તેના નિયંત્રણ હેઠળના વિસ્તારોમાં અત્યાચાર કર્યો છે.

આ દરમિયાન, યુક્રેનની સેનાએ મંગળવારના રોજ પ્રથમ વખત દાવો કર્યો હતો કે, તેણે યુદ્ધના મેદાનમાં રશિયા દ્વારા ઉપયોગમાં લેવામાં આવેલા ઈરાનના એક ડ્રોનને તોડી પાડ્યું હતું. અમેરિકી ગુપ્તચર એજન્સીએ જુલાઈમાં જણાવ્યું હતું કે, ઈરાને રશિયા માટે બોમ્બ લઈ જવામાં સક્ષમ સેંકડો ડ્રોન મોકલવાની યોજના બનાવી છે જેથી કરીને યુદ્ધમાં યુક્રેનની સામે તેનો ઉપયોગ કરવામાં આવી શકે. ઈરાને શરૂઆતમાં આ વાતનો ઈન્કાર કર્યો હતો, પરંતુ તેના રિવોલ્યુશનરી ગાર્ડના પ્રમુખે હાલના દિવસોમાં વિશ્વની ટોચની સત્તાઓને શસ્ત્રો પૂરા પાડવાનો દાવો કર્યો છે.

યુક્રેનિયન સેનાના વ્યૂહાત્મક સંચાર નિર્દેશાલયે ડ્રોનના કાટમાળના ફોટા પ્રકાશિત કર્યા છે. સેના અને તેની સાથે જોડાયેલી વેબસાઈટે જણાવ્યું હતું કે ઈરાની ડ્રોનને કુપિયાંસ્કની નજીક તોડી પાડવામાં આવ્યું હતું. સંયુક્ત રાષ્ટ્રમાં ઈરાનના મિશને ટિપ્પણી માટેની વિનંતીનો તરત જવાબ નહીં આપ્યો. અહીં તમને જણાવી દઈએ કે, યુક્રેન અને ઈરાન વચ્ચેના સંબંધો તણાવપૂર્ણ રહ્યા છે. ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડે 2020મા એક યુક્રેનિયન પેસેન્જર પ્લેનને તોડી પાડ્યું હતું, જેમાં સવાર તમામ 176 લોકો માર્યા ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp