હેપી બર્થ ડે સચિન રમેશ તેંદુલકર...

PC: twitter.com

સચિન તેંદુલકર વિશે કોણ નથી જાણતું? પરંતુ આવા મહાન ખેલાડી વિશે જેટલું જાણીએ તેટલું ઓછું છે બરોબરને? સચિનનું વ્યક્તિત્વ જે એટલું વિશાળકાય છે અને તેની 24 વર્ષોમાં ફેલાયેલી લાંબી કારકિર્દીની એટલી બધી વાતો અને હકીકતો છે કે ઘણીવાર એનાં વિશે જાણવાનું રહી પણ જાય એવું પણ બને. ‘khabarchhe.com’ આજે સચિન વિશે એ તમામ જરૂરી માહિતીનો ખજાનો લઈને આવ્યું છે, જેના વિશે આપણને કાયમ ઉત્સુકતા રહેતી હોય છે, તો ચાલો આજે મન ભરીને માણીએ આપણા ‘તેંડલ્યા’ ને!

શરૂઆતનાં દિવસો

24 એપ્રિલ, 1973ના દિવસે મધ્યમવર્ગીય મહારાષ્ટ્રીયન પરિવારમાં જન્મેલા સચિન તેંદુલકરના પિતા રમેશ તેંદુલકર એક જાણીતા લેખક હતાં અને માતા રજની તેંદુલકર એક ઇન્શ્યોરન્સ કંપની સાથે જોડાયેલા હતા. પિતા રમેશ તેંદુલકરે સચિનનું નામ તેમના પ્રિય સંગીતકાર સચિન દેવ બર્મનની યાદગીરીમાં રાખ્યું હતું. સચિનને ત્રણ ઓરમાન ભાઈ-બહેન છે. નીતિન, અજીત અને સવિતા. મુંબઈના બાંદ્રા ઇસ્ટના સાહિત્ય સહવાસ કો-ઓપ હાઉસિંગ સોસાયટીમાં સચિનનું બાળપણ વીત્યું હતું. સચિનને ક્રિકેટ સાથે ઓળખાણ તેના ભાઈ અજીતે કરાવી હતી. 1984માં શિવાજી પાર્ક દાદરમાં કોચ રમાકાંત આચરેકરની નિશ્રામાં સચિનને ક્રિકેટ શીખવા માટે મૂકવામાં આવ્યો. સચિનમાં રહેલી પ્રતિભાથી પ્રભાવિત થયેલા આચરેકરે અજીત તેંદુલકરને સચિનને શારદાશ્રમ વિદ્યા મંદિરમાં મૂકવાનું કહ્યું, કારણ કે આ સ્કૂલમાં ક્રિકેટ તરફ વિશેષ ધ્યાન આપવામાં આવતું હતું. કોચ આચરેકર સચિનને નેટમાં સખત પરિશ્રમ કરાવતા અને જ્યારે એમ લાગતું કે સચિન થાકી ગયો છે, ત્યારે તે બોલરોને સ્ટમ્પ ઉપર મૂકેલા એક રૂપિયાના સિક્કાને ઉડાવીને સચિનને આઉટ કરવાનું કહેતાં, જો બોલરો આમ કરવામાં નિષ્ફળ જાય તો એ સિક્કો સચિન પોતાને ઘરે લઇ જતો. કહેવાય છે કે સચિન પાસે આવાં 13 સિક્કાઓ છે.

આ જ શારદાશ્રમ સ્કૂલ તરફથી રમતા સચિને વિનોદ કાંબલી સાથે મળીને હેરીસ શિલ્ડ ઇન્ટર સ્કૂલ મેચમાં સેંટ ઝેવિયર્સ હાઈસ્કૂલ સામે 1988માં 664 રનની રેકોર્ડ પાર્ટનરશિપ બનાવી હતી. આ પાર્ટનરશિપમાં સચિને એકલાએ નોટ આઉટ રહીને 326 રન બનાવ્યા હતા. આ રેકોર્ડ છેક 2006ની સાલ સુધી અકબંધ રહ્યો હતો. આ પાર્ટનરશિપે કેટલાંય લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. જો કે 1987-88ની રણજી સિઝનમાં સચિનને મુંબઈની ટીમમાં સિલેક્ટ કરવામાં આવ્યો હતો, પરંતુ આ આખીએ સિઝનમાં તેને એક પણ મેચ રમવા મળી ન હતી, પરંતુ ત્યાર પછીના વર્ષે 11 ડિસેમ્બર 1988ના દિવસે સચિને ગુજરાત સામે ફર્સ્ટક્લાસ ડેબ્યુ કર્યો હતો અને આ મેચમાં સેંચુરી પણ બનાવી હતી. ત્યાર પછી તો રણજી ટ્રોફી હોય કે દુલીપ ટ્રોફી કે પછી દેવધર ટ્રોફી સચિન એક પછી એક સેંચુરીઓ બનાવવા લાગ્યો અને ભારતીય સિલેક્ટરોનું ધ્યાન સતત તેની તરફ આકર્ષતો રહ્યો.

સચિન અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ

આમ તો સચિન પોતાની પહેલી ટેસ્ટ સિરીઝ વેસ્ટ ઇન્ડિઝ સામે રમત, પરંતુ ભારતીય સિલેક્ટરો એ તે સમયે સારી એવી ધાર ધરાવતી વેસ્ટ ઇન્ડિયન બોલિંગ સામે સચિનને રમાડવાનું યોગ્ય ન માન્યું, પરંતુ એ જ વર્ષે પાકિસ્તાન સામે માત્ર 16 વર્ષ અને 205 દિવસની ઉંમરે સચિને પોતાની પ્રથમ ટેસ્ટ મેચ કરાચી ખાતે રમી. ઇમરાન ખાન, વસીમ અકરમ અને વકાર યુનિસ (તેની પણ આ ડેબ્યુ સિરીઝ હતી) જેવા બોલરો ધરાવતી પાકિસ્તાની બોલિંગ સામે સચિન જાજુ કશું કરી ન શક્યો, પરંતુ તેનામાં રહેલી ટેલેન્ટનો તમામને ખ્યાલ જરૂર આવી ગયો હતો. પેશાવર ખાતે એક પ્રદર્શન મેચમાં સચિને માત્ર 18 દડામાં 53 રન બનાવ્યા હતા, જેમાં અબ્દુલ કાદિરની એક ઓવરમાં તેણે ચાર સિક્સર અને એક ફોર મારીને 28 રન બનાવ્યા હતા. કાદિરે પોતે આ મેચ બાદ સચિનના વખાણ કર્યા હતાં. ત્યાર બાદ ન્યુઝિલેન્ડમાં રમાયેલી સિરીઝમાં પણ સચિનનો દેખાવ સામાન્ય રહ્યો હતો, પરંતુ તેણે સિલેક્ટરોનો વિશ્વાસ બિલકુલ ગુમાવ્યો ન હતો. ઓલ્ડ ટ્રેફોર્ડ માન્ચેસ્ટરમાં ઇંગ્લેન્ડ સામે રમતા 14 ઓગસ્ટ 1990ના દિવસે સચિને તેની પ્રથમ આંતરરાષ્ટ્રીય સેંચુરી બનાવી અને આમ કરતાં તે સદી બનાવવાનાં મામલામાં વિશ્વનો તે સમયનો સહુથી નાની ઉંમરનો ક્રિકેટર બની ગયો હતો. બસ, સચિનની ખરેખરી સફર અહીંથી શરૂ થઇ. જે અવિરતપણે કુલ 24 વર્ષ ચાલુ રહી અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સચિને કુલ 34,357 રનનો પહાડ ખડો કરી દીધો. માન્ચેસ્ટર ટેસ્ટ પછી સચિને બીજી 99 આંતરરાષ્ટ્રીય સદીઓ પોતાનાં ખાતામાં જમા કરાવી જે એક એવો રેકોર્ડ છે, જે કદાચ ક્યારેય નહીં તૂટે. આટલું ઓછું હોય તેમ સચિન વન-ડે ક્રિકેટમાં બેવડી સદી બનાવનાર પ્રથમ ક્રિકેટર બન્યો હતો.

સચિને સામનો કરેલા કેટલાંક મહાન બોલરો

ઇમરાન ખાન, વસીમ અકરમ, વકાર યુનિસ, અબ્દુલ કાદિર, સકલેન મુશ્તાક, મુશ્તાક અહમદ, શોએબ અખ્તર, ક્રેગ મેકડરમટ, બ્રુસ રીડ, મર્વ હ્યુજ, શેન વોર્ન, ગ્લેન મેક્ગ્રા, બ્રેટ લી, એલન ડોનાલ્ડ, જેક કાલિસ, ડેલ સ્ટેઈન, માલ્કમ માર્શલ, કર્ટલી એમ્બ્રોસ, કોર્ટની વોલ્શ, ઇયાન બોથમ, જેમ્સ એન્ડરસન, ક્રીસ કેન્સ, ડેનિયલ વેટ્ટોરી, ચામિંડા વાસ, મુથૈયા મુરલીધરન, હીથ સ્ટ્રીક.

સચિન અને કપ્તાની

મહાન ખેલાડીઓ હંમેશાં મહાન અથવા તો સારા કપ્તાન બને જ એવું જરૂરી નથી. સચિન તેંદુલકર આ હકીકતનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. કુલ 25 ટેસ્ટ જેમાં સચિને કપ્તાની કરી હતી, તેમાંથી તે માત્ર 4 ટેસ્ટ જીતી શક્યો હતો, જ્યારે વન-ડેમાં કુલ 73 માંથી માત્ર 23 મેચોમાં ભારત સચિનની કપ્તાની હેઠળ જીતી શક્યું હતું. આમ થવા પાછળ કદાચ સચિનનો સૌમ્ય સ્વભાવ આડે આવ્યો હતો. આ ઉપરાંત પહેલેથી જ ભારતની ટીમનો ભાર સચિનના ખભે રહેતો અને કપ્તાની સમયે કદાચ સચિન વધુ ભાર અનુભવતો હોય એવું બને.

સચિન અને ઈજાઓ

જે ખેલાડીની કારકિર્દી 24 વર્ષના લાંબા સમયગાળામાં પથરાયેલી હોય, એ ઈજાગ્રસ્ત ન થાય એવું ભાગ્યે જ બને. સચિન સાથે પણ આવું વારંવાર બન્યું હતું, પરંતુ દરેક વખતે તે વિજયી બનીને બહાર આવ્યો હતો. 1999માં પીઠની ઈજા, 2001માં પગના અંગુઠાની ઈજા, 2003માં ઘૂંટણ અને આંગળીમાં ઈજા, 2004માં જાંઘમાં થયેલી ઈજા, 2006ની ખભાની સર્જરી એવી ઈજાઓથી સચિન પોતાના શરીરનાં લગભગ તમામ અંગોને પોતાની રમત પ્રત્યેની નિષ્ઠાને કારણે ઈજાગ્રસ્ત કરી ચૂક્યો હતો. પરંતુ સચિનને સહુથી ગંભીર કહી શકાય તેવી ઈજા થઇ હતી. 2004-05માં જ્યારે સચિનને ટેનિસ એલ્બોમાં થયેલી ઈજાને લીધે મહત્તમ સમય ક્રિકેટથી દૂર રહેવું પડ્યું હતું. આ ઈજા એટલી બધી ભયજનક હતી કે એક સમયે એવું પણ લાગ્યું હતું કે, સચિને અકાળે નિવૃત્તિ પણ લેવી પડે. પરંતુ એવું બન્યું નહીં અને સચિને ફરી એકવાર આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ધમાકેદાર પુનરાગમન કર્યું.

સચિન અને વર્લ્ડ કપ

1989માં પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દી શરૂ કરનાર સચિન તેંદુલકર પોતાનો પહેલવહેલો વર્લ્ડ કપ 1992માં રમ્યો હતો અને ત્યાર બાદ તેણે બીજા પાંચ વર્લ્ડ કપ (1996, 1999, 2003, 2007, 2011) રમ્યા. વર્લ્ડ કપ સચિનને કાયમ થાપ આપતો રહ્યો હતો. ક્યારેક તો એવું પણ લાગતું હતું કે કપ્તાનીની જેમ સચિન વર્લ્ડ કપ જીતવા બાબતે પણ નિષ્ફળ જશે. એમાં પણ જયારે 1996માં ભારત સેમીફાઈનલ અને 2003માં તો છેક ફાઈનલ સુધી પહોંચીને હારી ગયું, ત્યારે ફેન્સને તેમની આ માન્યતા સાચી પડી રહી હોય એવું લાગતું હતું. 2003નાં વર્લ્ડ કપમાં તો સચિન પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ પણ પસંદ થયો હતો, પરંતુ મહાન ઓલ રાઉન્ડર સર ગેરી સોબર્સના હાથે આ સન્માન સ્વીકારતી વખતે ફાઈનલ હારવાનું દર્દ સચિનના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. પણ સચિન વર્લ્ડ કપ વિહોણો ન રહ્યો. 2011માં ભારતમાં જ રમાયેલા વર્લ્ડ કપમાં ભારત 28 વર્ષ બાદ ફરીથી વર્લ્ડ ચેમ્પિયન બન્યું અને તેની વિજયયાત્રામાં સચિનનો ફાળો પણ નાનોસૂનો ન હતો. ફાઈનલમાં મળેલા વિજય બાદ લગભગ આખી ટીમે સચિનને પોતાના ખભે લઈને વાનખેડે સ્ટેડિયમમાં ફેરવ્યો હતો.

સચિન અને વિવાદો

સચિન કાયમ વિવાદોથી દૂર રહેતો હોય છે. જો કે તેનું આમ કરવું પણ ઘણીવાર વિવાદ બની જતું હતું. ઘણીવાર ટીમના લાભમાં કોઈ વાત બોર્ડને ભારપૂર્વક કહેવાની હોય તો પણ સચિન મૂંગા રહેવાનું પસંદ કરતો. આ ઉપરાંત પણ સચિન જેવા સાલસ સ્વભાવનાં ક્રિકેટરે પણ કેટલાંક વિવાદોમાંથી પસાર થવું પડ્યું હતું.

1997માં એશિયા કપ માટે પસંદ થયેલી ટીમ B ગ્રેડની છે એમ કહીને સચિને વિવાદ ઉભો કર્યો હતો. સચિને સમયે કપ્તાન હતો અને તેને ટીમમાં વિનોદ કાંબલી અને નયન મોંગિયા જોઈતા હતા, જેને સિલેક્ટરોએ પસંદ નહોતા કર્યા.

2001ની સાઉથ આફ્રિકા ટૂરમાં પોર્ટ એલિઝાબેથ ટેસ્ટ પછી મેચ રેફરી માઈક ડનેસે વધુ પડતી અપીલ કરવા માટે ભારતના ચાર ખેલાડીઓ પર એક મેચનો પ્રતિબંધ મૂકી દીધો, જેમાં કપ્તાન સૌરવ ગાંગુલીનો પણ સમાવેશ થતો હતો. જ્યારે સચિન પર બોલ ટેમ્પરિંગનો આક્ષેપ મુકાયો હતો. ખરેખર તો સચિન પર બોલની સીમ સાફ કરી રહ્યો હતો, પરંતુ ડનેસ આ ઘટનાને કોઈ અલગ જ ચશ્માંથી જોઈ રહ્યા હતા. આ બાબતે ખાસ્સો વિવાદ થયો અને ભારતે ડનેસને રેફરી તરીકે હટાવવાની માંગણી કરી, આઈસીસીએ આ માંગણી ફગાવી દીધી. સાઉથ આફ્રિકન બોર્ડ બીસીસીઆઈની સાથે રહ્યું અને ત્રીજી ટેસ્ટ મેચ અનઓફિશિયલ ટેસ્ટ તરીકે રમાઈ.

2002માં સર ડોન બ્રેડમેનનો 29 સદીનો રેકોર્ડ બરોબર કરવા બદલ ફરારીએ સચિનને એક કાર ભેટમાં આપી હતી. આ કાર પર ઈમ્પોર્ટ ડ્યુટી ભરવાને બદલે સચિને તેને માફ કરાવવાનાં પ્રયત્નો કર્યા હતા. છેવટે અમુક મહિના કસ્ટમ્સમાં પડી રહ્યા બાદ ફિયેટ ઇન્ડિયાએ તેની ડ્યુટી ભરીને આ કાર છોડાવી હતી.

2006ની પાકિસ્તાન સામેની મુલતાનમાં રમાયેલી ટેસ્ટમાં સચિન પોતાની ડબલ સેંચુરીની નજીક પહોંચતા ધીમો પડી ગયો હતો. મેચની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કાર્યકારી કપ્તાન રાહુલ દ્રવિડ ઇનિંગને ડિકલેર કરવા માંગતો હતો. છેવટે સચિન જ્યારે 194 રને રમી રહ્યો હતો, ત્યારે દ્રવિડે ભારતની ઇનિંગ ડિકલેર કરી દીધી હતી. આ સમયે સચિન રીતસર દિગમૂઢ થઇ ગયો હતો. મેચ બાદ સચિને પત્રકારોને જણાવ્યું હતું કે, બેવડી સદી ન કરી શકવાથી તે નિરાશ થયો હતો. જો કે આ ઘટના બાદ પણ સચિન અને દ્રવિડના સંબંધોમાં જરાય કડવાશ આવી ન હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp