...તો સચિન પહેલાં આ ખેલાડીઓએ ડબલ સેન્ચુરી બનાવી હોત

PC: Google.image.in

ક્રિકેટની રમતમાં ભવિષ્યવાણી કરી શકાતી નથી. એમાંય તેના સૌથી નાના બે ફોર્મેટ્સમાં તો એ પ્રમાણે બિલકુલ થઇ શકતું નથી. વન-ડેમાં રન ફટાફટ બનાવવાના હોય છે અને દરેક બેટ્સમેન પર એમ કરવાનો બોજ સતત રહેતો હોય છે. એક સમયમાં બેટ્સમેન વન-ડેમાં 50-60 રન કરે તો પણ બહુ કહેવાતું. ધીરે-ધીરે બેટ્સમેનો વન-ડે ક્રિકેટની ટેક્નિક અપનાવવા માંડ્યા અને પછી વન-ડેમાં કોઈ બેટ્સમેન સેન્ચુરી બનાવે તો પણ નવાઈ લાગતી. જો કે અહીં મજાની બાબત એ છે કે એ જમાનામાં કોઈ બેટ્સમેન વન-ડેમાં સેન્ચુરી બનાવે તો પણ ટીમનો સ્કોર તો 220-250ની આસપાસ જ રહેતો.

ત્યારબાદ ફરી એકવાર વન-ડે ક્રિકેટ આગળ વધ્યું અને કોઈ બેટ્સમેન 200 રન પણ બનાવી શકે તેવી શક્યતા ઉભી થઇ. સૌથી પહેલા આપણા કપિલ દેવ ઝિમ્બાબ્વે સામે વર્લ્ડ કપ 1983માં 175* બનાવીને ડબલ સેન્ચુરીની નજીક પહોંચ્યા હતા. પરંતુ એ 60 ઓવરોની મેચ હતી. જો કે એમ તો ત્યાર પછીના એટલે કે 1987ના વર્લ્ડ કપમાં વિવયન રિચર્ડ્સ પણ શ્રીલંકા સામે રમતા 181 રન બનાવી ચૂક્યા હતા. પરંતુ વન-ડેમાં 200 રનની સાવ નજીક પહોંચનાર પ્રથમ બેટ્સમેન હતા. પાકિસ્તાનના સઈદ અનવર, જેમણે ચેન્નાઈ ખાતે ભારત સામે 194 રન બનાવ્યા હતા. પણ વન-ડેમાં ડબલ સેન્ચુરી કરવાનું બહુમાન છેવટે સચિન તેંદુલકરને મળ્યું. સચિને સાઉથ આફ્રિકા સામે ગ્વાલિયરમાં 147 બોલમાં 200 રન બનાવ્યા.

પણ સચિન પહેલા પણ તેના જ સમયમાં ક્રિકેટ રમતા બેટ્સમેનો 200 રન બનાવી શક્યા હોત, પરંતુ કોઈ ને કોઈ કારણોસર નિષ્ફળ નિવડ્યા હતા. આજે સચિન તેંદુલકરના જન્મદિવસ પ્રસંગે આપણે એ જ પાંચ બેટ્સમેનો વિશે વાત કરીશું.

ચાર્લ્સ કોવેન્ટ્રી 194* - બુલાવાયો (બાંગ્લાદેશ વિરુદ્ધ)

વન-ડે મેચોમાં 200 કરવામાંથી કોઈ બેટ્સમેન નિષ્ફળ ગયો હોય એ લિસ્ટમાં ઝિમ્બાબ્વેના ચાર્લ્સ કોવેન્ટ્રીનું નામ કદાચ સૌથી પહેલું મૂકવું પડે. પોતાની જ ઘરેલું પીચ એટલે કે બુલાવાયોમાં બાંગ્લાદેશ સામે વન-ડે સિરીઝની એક મેચમાં કોવેન્ટ્રીએ 194* બનાવ્યા હતા. કોવેન્ટ્રી એ દિવસે જબરદસ્ત ફોર્મમાં હતો અને તેણે માત્ર 156 બોલ રમીને 194 રન બનાવ્યા હતા. કોવેન્ટ્રીની આ ઇનિંગમાં તેણે 16 ચોગ્ગા અને 7 છગ્ગા ફટકાર્યા હતા. પાંચ મેચોની આ સિરીઝને લેવલ કરવા માટે ઝિમ્બાબ્વેએ આ મેચ કોઇપણ ભોગે જીતવી જ પડે એમ હતી અને કોવેન્ટ્રીની આ યાદગાર ઇનિંગની મદદથી તેમણે 312 રનનો મોટો સ્કોર ઉભો કર્યો. પરંતુ ઝિમ્બાબ્વેના બદનસીબે બાંગ્લાદેશના ડાબોડી ઓપનિંગ બેટ્સમેન તમિમ ઇકબાલે પણ તે દિવસે ફોર્મ બતાવ્યું અને તેના 154 રનની ઇનિંગના સહારે બાંગ્લાદેશ આરામથી એ મેચ જીતી ગયું.

કોવેન્ટ્રી આ વખતે લગભગ છ મહિના સુધી વન-ડે ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની રહ્યો અને તેનો રેકોર્ડ સચિને ગ્વાલિયરમાં તોડ્યો. ઝિમ્બાબ્વેનો બેટ્સમેન હોવાથી કોવેન્ટ્રીના રેકોર્ડની નોંધ રેકોર્ડ બનાવતી સમયે જરૂરથી લેવાઈ પરંતુ સચિને તેનો રેકોર્ડ તોડ્યા બાદ આજે ચાર્લ્સ કોવેન્ટ્રીને કોઈ જ યાદ કરતું નથી.

સઈદ અનવર 194 –ચેન્નાઈ (ભારત વિરુદ્ધ)

આપણે સઈદ અનવરની આ ઇનિંગની આગળ થોડીક ચર્ચા કરી ચૂક્યા છીએ. એ સમયે ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને શ્રીલંકાએ એક-બે વર્ષમાં જ પોતપોતાના ઈન્ડિપેન્ડન્સ કપ રમિયા હતા. ભારત અને પાકિસ્તાનની આઝાદીના 50 વર્ષ ઉજવવા આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતના ઈન્ડિપેન્ડન્સ કપની એક મેચમાં સઈદ અનવરે ભારતીય બોલરો જેવા કે વેંકટેશ પ્રસાદ, અનિલ કુંબલે અને સુનિલ જોશીને ચેપોકની ચારેબાજુ ફટકાર્યા હતા. અમસ્તુંય ટેસ્ટ હોય કે વન-ડે સઈદ અનવરને ભારતીય બોલિંગ ખૂબ ગમતી અને તે કાયમ ભારત સામે જોરદાર પ્રદર્શન જ કરતો. પોતાના ટ્રેડમાર્ક બની ચૂકેલા કવર ડ્રાઈવ્સ અને ફ્લિક્સની પ્રદર્શન કરીને સઈદ અનવરે જબરદસ્ત બેટિંગ દેખાડી હતી. જો કે તેની ઇનિંગના મોટાભાગના સમય દરમિયાન ચેન્નાઈની ફેમસ ગરમીને લીધે તેણે શાહિદ આફ્રિદીની રનર તરીકે મદદ લેવી પડી હતી. છેવટે આ ગરમીએ તેનો પરચો દેખાડ્યો અને જ્યારે વન-ડે ક્રિકેટના ઈતિહાસની સૌથી પહેલી ડબલ સેન્ચુરી નજર સામે જ હતી, ત્યારે સઈદ અનવરે સચિનની બોલિંગમાં એક લૂઝ શોટ માર્યો અને સૌરવ ગાંગુલીના હાથે કેચ થઇ ગયો. સઈદ અનવરે પોતાના 194 રન માત્ર 146 બોલમાં કર્યા હતા. વન-ડે ક્રિકેટનો એ હાઈએસ્ટ સ્કોર બાર વર્ષથી પણ વધુ સમય રહ્યો હતો.

સર વિવયન રિચર્ડ્સ 189 – ઓલ્ડ ટ્રેફોર્ડ, માન્ચેસ્ટર (ઇંગ્લેન્ડ વિરુદ્ધ)

આપણે આગળ ચર્ચા કરી એમ એ સમય એવો હતો જ્યારે કોઈ ખેલાડી વન-ડેમાં 50-60 રન કરે તો પણ બહુ કહેવાતું. એવા સમયમાં સર વિવયને ઇંગ્લેન્ડ સામે આ 189 રનની ઇનિંગ રમી હતી. સર વિવયન એ સમયમાં પણ પોતાનું ક્રિકેટ કેવી નિશફીકરતાથી રમતા તેનું શ્રેષ્ઠ ઉદાહરણ તેમની આ ઇનિંગમાં મળે છે. એ સમયે કોઈ બેટ્સમેન તો શું એક આખેઆખી ટીમ પણ માંડ-માંડ 200-250 રન કરી શકતી એવા સમયમાં સર વિવયન વન-ડેની ડબલ સેન્ચુરીથી માત્ર 11 રન દૂર રહી ગયા હતા. સર વિવયનના 189 રન પછી પણ વેસ્ટ ઇન્ડિઝ તેની 55 ઓવરમાં માત્ર 272/9 રનનો સ્કોર જ કરી શક્યું હતું. કારણ કે તેના બાકીના બેટ્સમેનો નિષ્ફળ ગયા હતા. સર વિવયન પછી છેક નવમે નંબરે આવેલા એલ્ડિન બેપ્ટીસ્ટ જ ડબલ ફિગરમાં રન બનાવી શક્યા હતા. આ ઇનિંગ કપિલ દેવની ઝિમ્બાબ્વે સામેની ઇનિંગના બરોબર એક વર્ષ બાદ રમાઈ હતી. આમ સર વિવયને કપિલનો તે સમયનો વન-ડેનો સૌથી હાઇએસ્ટ સ્કોરનો રેકોર્ડ તોડ્યો હતો.

સનત જયસુર્યા 189 – શારજાહ (ભારત વિરુદ્ધ)

1996ના વર્લ્ડ કપના લગભગ એક વર્ષ અગાઉ સુધી શ્રીલંકાના ઓલરાઉન્ડર સનત જયસુર્યા લોઅર ઓર્ડર બેટ્સમેન હતા. પરંતુ કપ્તાન અર્જુન રણતુંગા અને કોચ ડેવ વ્હોટમોરની રણનીતિ અનુસાર જયસુર્યાને ઓપનિંગ બેટ્સમેન બનાવવામાં આવ્યા અને પહેલી પંદર ઓવર દરમિયાન જ્યારે સર્કલની બહાર માત્ર બે જ ખેલાડીઓ રહેતા એમને ફટકાબાજી કરવાનું લાયસન્સ આપી દેવામાં આવ્યું હતું. બસ એ વર્લ્ડ કપના વર્ષ અગાઉ થી વર્લ્ડ કપ પત્યાના અમુક વર્ષ સુધી જયસુર્યાનો એ ટ્રેડમાર્ક બની રહ્યો. સઈદ અનવરની જેમ જયસુર્યાને પણ ભારતની બોલિંગને ફટકારવી બહુ ગમતી અને તેમની આ 189 રનની ઇનિંગ શારજાહમાં ભારત સામે જ રમાઈ હતી. 2000ની કોકોકોલા ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં સનત જયસુર્યાએ ભારતીય બોલરોની ધોલાઈ કરી હતી અને એકસમયે એવું લાગતું હતું કે તેઓ ડબલ સેન્ચુરી બનાવીને જ રહેશે. જો કે બીજા છેડે શ્રીલંકાના અન્ય બેટ્સમેનોને રન બનાવવામાં તકલીફ પડી રહી હતી. તેમ છતાં જયસુર્યાના 189 રનની ઇનિંગની મદદથી શ્રીલંકાએ 299 રન બનાવ્યા અને જવાબમાં ભારતનું માત્ર 54 રનમાં ફીંડલુ વળી ગયું હતું.

ગેરી કર્સ્ટન 188* - રાવલપિંડી (યુએઈ વિરુદ્ધ)

1996ના વર્લ્ડ કપની આ બીજી જ મેચ હતી. આ એ સમય હતો જ્યારે હજી એક ઇનિંગમાં 300 રન બનાવવા એ તાજી ઘટના ગણાતી હતી. યુએઈની ટીમ નબળી હોવાથી સાઉથ આફ્રિકા કશીક નવા જૂની કરશે એવી આશા તો પહેલેથી હતી જ, પરંતુ ગેરી કર્સ્ટને તો કમાલ કરી દીધી. માત્ર 159 બોલમાં કર્સ્ટને 4 સિક્સર અને 13 બાઉન્ડ્રીની મદદથી 188* બનાવ્યા. સાઉથ આફ્રિકા ધાર્યા મુજબ 321 રનનો પહાડ ઉભો કરવામાં સફળ રહ્યું અને છેવટે 169 રને મેચ પણ જીતી ગયું. ગેરી કર્સ્ટનનો આ સ્કોર લાંબા સમય સુધી વર્લ્ડ કપનો હાઈએસ્ટ સ્કોર પણ બની રહ્યો, જેને આ વર્ષે વેસ્ટ ઇન્ડિઝના ક્રિસ ગેલે ઝિમ્બાબ્વે સામે વર્લ્ડ કપની પહેલી ડબલ સેન્ચુરી (215 રન) બનાવીને તોડ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp