1 કરોડ કિલોગ્રામ મગફળીની કાયદેસર છેતરપિંડી સરકાર કરશે

PC: hindustantimes.com

8 લાખ ટન મગફળી સરકાર દ્વારા ખરીદી કરવાની છે, જેમાં 30 કિલોના એક બારદાન દીઠ ખેડૂતો પાસેથી ખરીદ કરવામાં આવી રહી છે. ખાલી એક બારદાન દીઠ 1200 ગ્રામ વજન ગણવામાં આવે છે. જે ખરેખર 700થી 750 ગ્રામ વજન હોય છે. તેથી 350 ગ્રામથી 500 ગ્રામ સુધી ખેડૂતો સાથે છેતરપિંડી સરકાર દ્વારા કરવામાં આવી રહી છે. જે એક કરોડ કિલો સુધીની છેતરપિંડી હોય શકે છે.

રાજ્ય સરકારના અણઘડ વહીવટ, સાધન, સંસાધન અને આયોજનના અભાવના કારણે ખેડૂતો હેરાન પરેશાન થઈ રહ્યા છે. દરેક ટેકાના કેન્દ્ર પર અંધાધૂંધ અને અરાજકતા જેવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે. તેની સામે ખેડૂત હીત રક્ષક સમિતિ સતત લડત ચલાવી રહી હતી એક દિવસ ખેડૂતોએ રોષે ભરાઈ મગફળીની હોળી કરી સરકારની નીતિ રીતિનો વિરોધ કર્યો હતો અને મગફળીની ટેકાના ભાવે થતી ખરીદીનો બહિષ્કાર કર્યો હતો. તો બીજા દિવસે ખેડૂતોએ ટેકાના કેન્દ્ર પર જ રસોઈ બનાવી વિરોધ નોંધાવ્યો હતો.

સરકારનો પહેલા દિવસથી જે પરિપત્રો આવ્યા છે અને જ્યાં મગફળીની ટેકાના ભાવે ખરીદી થાય છે ત્યાં ખેડૂતોને આપવામાં આવતા બીલમાં મગફળીની ગુણવત્તાના અલગ અલગ સાત મુદાઓ કે પેરામીટર નક્કી કરવામાં આવ્યા છે. એ ગુણવત્તા મુજબની મગફળી ખેડૂતોએ પુરવાર કરવાની છે. ભરતીની ઝંઝટમાં ખેડૂતોએ તો પડવાનું જ નહોતું તેમ છતાં 35 કિલોગ્રામની ભરતી માટે ખેડૂતોને જ હેરાન કરવામાં આવતા હતા. 

122 કેન્દ્રોમાં દરેક કેન્દ્ર પર 10 વજન કાંટા રાખવાની જાહેરાત થઈ એ મુજબ 10 વજન કાંટા તો રાખ્યા પરંતુ ચાલુ એક જ વજન કાંટો કરવામાં આવ્યો 9 વજન કાંટા શોભાના ગાંઠિયા બની રહ્યા.

બારદાનનો સરેરાશ વજન સામાન્ય રીતે 700 ગ્રામથી 850 ગ્રામ હોય છે પરંતુ કેટલાક ટેકાના કેન્દ્રો પર 1200 ગ્રામ બારદાનનો વજન ગણી એ મુજબ ભરતી કરાતા એક પ્રતિ બારદાન ખેડૂતોએ 350 થી 500 ગ્રામ મગફળી વધારે આપવી પડે છે એમાંય ખાસ જોવા જેવું એ છે કે બધા બારદાન એકજ જગ્યાએથી સરકાર ખરીદી કરે છે તો દરેક કેન્દ્ર ઉપર અધિકારીઓ મનસ્વી રીતે બારદાનનો અલગ અલગ વજન ગણે છે આ કેવી રીતે શક્ય છે જો બારદાન આપનાર એજન્સી એકજ હોય તો બધા જ કેન્દ્રો ઉપર એનો વજન પણ એક સરખો જ રહેવો જોઈએ.

આયોજનના અભાવ, અણઘડ વહીવટના કારણે જે દિવસે જેટલા ખેડૂતોને મેસેજ કરી બોલાવવામાં આવે એના 25% ખેડૂતોની પણ મગફળી ખરીદી થતી નથી જેના કારણે ખેડૂતોએ પોતાના વાહનો ભરી રાહ જોતા રહેવું પડે છે કે ક્યારે વારો આવશે ને ક્યારે મગફળી જોખશે જેના કારણે જે ખેડૂત ભાડે વાહન લઈને આવે છે તેમને તો ટેકાના કારણે થતા ફાયદા કરતા વાહન ભાડું વધારે થઈ જાય તેવી હાલત થઈ છે.

ઉદાહરણ તરીકે દ્વારકા જિલ્લાના ભાણવડ ટેકાના કેન્દ્ર પર તારીખ 15, 16, અને 17 નવેમ્બર દરમિયાન 152 ખેડૂતોને મેસેજ મોકલી બોલાવ્યા હતા તારીખ 17 નવેમ્બર ને શનિવાર સાંજ સુધીમાં 40 ખેડૂતોની મગફળી ખરીદાઈ નહોતી એટલે કે બાકીના 112 ખેડૂતોએ જ્યારે વારો આવે ત્યા સુધી પોતાના વાહનો બ્લોક કરી રાખવા, ઓછામાં ઓછા 2 વ્યક્તિને રોકી રાખવા જો વાહન ભાડું, માનવ કલાકો વગેરેની ગણતરી કરો તો ખેડૂતોએ તો ટેકામાં જે ટેકો મળવાનો છે એનાથી તો વધારે ખર્ચ કરી નાખવાનો અને હેરાન પરેશાન થાય એતો લટકામાં ભોગવવાનું આવે છે

ઉપરોક્ત બાબતે ખેડૂત હીત રક્ષક સમિતિની સતત લડતના ફળ સ્વરૂપે આજે ખંભાળિયા ટેકાના કેન્દ્રની મુલાકાત લેવાની ફરજ પફી હતી. જિલ્લા ખેતીવાડી અધિકારીના જણાવ્યા મુજબ હવે પ્રતી બારદાન 30 કિલોગ્રામ ભરતીની વાત પણ સરકારે સ્વીકારી લીધી છે આમ ખેડૂત હીત રક્ષક સમિતિની લડત સામે સરકારને ઝૂકવું પડ્યું અને ખેડૂતોની તમામ માંગો સ્વીકારવી પડી છે. તેમ ખેડૂત હીત રક્ષક સમિતિના પાલભાઇ આંબલિયાએ જણાવ્યું હતું. 

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp