ગુજરાતની આ બેંકના 14 કર્મચારી કોરોના પોઝિટિવ

PC: twitter.com

રાજકોટમાં કોરોનાનો કહેર દિન-પ્રતિદિન વધી રહ્યો છે. રાજકોટ મહાનગરપાલિકા અને રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા રાજકોટમાં કોરોનાનું સંક્રમણ ઓછું કરવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. છતાં પણ કોરોના પોઝિટિવ કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજકોટમાં ભાજપના પ્રદેશ પ્રમુખની રેલી અને કાર્યક્રમો બાદ ભાજપના કાર્યકર્તાઓ અને નેતાઓમાં પણ કોરોનાનું સંક્રમણ વધ્યું છે. ત્યારે રાજકોટમાં સી.આર. પાટીલની સાથે જોવા મળેલા કેબિનેટ મંત્રી અને રાજકોટ જિલ્લા સહકારી બેંકના ચેરમેન એવા જયેશ રાદડીયાનો પણ કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા ખડભળાટ મચી ગયો હતો.

જયેશ રાદડીયાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમને એક ટ્વીટ કરીને તેમના સંપર્કમાં આવેલા લોકોને પણ પોતાનો ટેસ્ટ કરાવવાનું કહ્યું હતું. તો બીજી તરફ જયેશ રાદડીયા જે બેંકના ચેરમેન છે તે રાજકોટ જિલ્લા સહકારી બેંકમાં પણ કોરોનાનો પગપેસારો થઇ રહ્યો છે. રાજકોટ જિલ્લા સહકારી બેંકના કર્મચારીઓનો ટેસ્ટ કરતા બેંકમાં કામ કરતાં 14 જેટલા કર્મચારીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જયેશ રાદડીયાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ બેંક કર્મચારીના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં જે 14 કર્મચારીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો તેમને હાલ સારવાર માટે હોમ આઇસોલેટ કરવામાં આવ્યા છે.

રાજકોટમાં પ્રતિદિન 100 જેટલા પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યા છે અને પોઝિટિવ કેસોની સાથે-સાથે મૃત્યુઆંકમાં પણ વધારો થઇ રહ્યો છે. છેલ્લા 4 દિવસમાં જ રાજકોટમાં 100 કરતાં વધુ લોકોના મોત નિપજ્યા છે અને છેલ્લા 24 કલાકમાં 26 લોકોના મોત થયા છે. 26 લોકોમાંથી 20 લોકો રાજકોટના, 4 લોકો ગ્રામ્યના અને 2 લોકો અન્ય જિલ્લાના હતા. હાલ રાજકોટમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 4,632 થઈ ગઈ છે અને જેમાંથી રાજકોટની અલગ-અલગ હોસ્પિટલમાં 1,332 દર્દીઓ સારવાર લઇ રહ્યા છે.

રાજકોટમાં રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજને પણ ફેફસામાં વ્યાપક તકલીફ ઊભી થવાના કારણે ફેફસામાં લોહીના ગઠ્ઠા જામી ગયા હોવાથી તેમને પૂરતો ઓક્સિજન ન મળતો હોવાથી વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે અને તેમને લોહી પાતળું કરવાની તેમજ લોહીના ગઠ્ઠા ઓગાળવા સહિતની દવાઓ આપવામાં આવી રહી છે. રાજકોટમાં કોરોનાના કેસ વધતાં કેટલાક વેપારીઓ હવે પોતાની રીતે જ બંધ પાળી રહ્યા છે. રાજકોટમાં સ્ટેશનરીની દુકાન ધરાવતા લોકોએ સવારે 8થી સાંજે 5 વાગ્યા સુધી જ તેમની દુકાનો ખુલ્લી રાખવાનો નિર્ણય કર્યો છે. તો આ અગાઉ સોની બજાર, દાણાપીઠ અને દીવાનપરા કાપડ માર્કેટ વેપારીઓએ આંશિક લોકડાઉનની પણ જાહેરાત કરી છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp