સૌરાષ્ટ્રના પાટીદાર ધારાસભ્યના પરિવારના 22 સભ્યો કોરોના સંક્રમિત થયા

PC: financialexpress.com

રાજ્યમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે જનતાના પ્રતિનિધિઓ પણ હવે કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. સૌરાષ્ટ્રના એક ધારાસભ્યનો આખો પરિવાર કોરોના પોઝિટિવ થયો છે. ધારાસભ્ય અને તેમની પત્નીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે પરંતુ પરિવારના 22 સભ્યોનો રિપોર્ટ પોઝિટિવ આવતા પરિવારના તમામ સભ્યોની સારવાર શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત પરિવારના સભ્યોના સંપર્કમાં આવેલા તમામ લોકોને તંત્ર દ્વારા હોમ ક્વોરેન્ટાઇન કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

રિપોર્ટ અનુસાર ટંકારાના કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરાના પરિવારના 22 સભ્યોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે પરંતુ લલિત કગથરા અને તેમના પત્નીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. લલિત કગથરાના પુત્ર, પુત્રની પત્ની અને ભાઇ સહિતના પરિવારના સભ્યોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આગામી દિવસોમાં આવનાર પેટા ચૂંટણીની તૈયારીમાં ધારાસભ્ય લલિત કગથરા 7 દિવસ ઘરેથી દૂર હતા.

મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રાજકોટની મુલાકાત લીધા બાદ રાજકોટમાં કોરોના ટેસ્ટિંગનું પ્રમાણ વધારવા માટે તેમણે તંત્રને સૂચના આપી હતી અને મુખ્યમંત્રીની સૂચના અનુસાર તંત્ર દ્વારા વધારે ટેસ્ટિંગ હાથ ધરવામાં આવ્યુ હતું. ટેસ્ટિંગ દરમિયાન લલિત કગથરા અને તેમના પરિવારજનોના તંત્ર દ્વારા કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. તે દરમિયાન જાણવા મળ્યું હતું કે, પરિવારના 22 સભ્યો કોરોના પોઝીટીવ છે પરંતુ લલિત કગથરા છેલ્લા કેટલાક દિવસોથી પરિવાર સાથે ન રહેતા હોવાથી તેઓ કોરોના સંક્રમણથી બચી ગયા હતા. કગથરા પરિવારના 22 સભ્યો કોરોના પોઝિટિવ આવ્યા છે તેમાં હાલ કોરોનાના લક્ષણો દેખાઇ રહ્યા નથી. તેથી આરોગ્ય વિભાગ દ્વારા તમામ સભ્યોને હોમ કવોરેન્ટાઇન કરવામાં આવ્યા છે અને ઘરે તમામ સભ્યની સારવાર કરવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, કોરોનાની મહામારી વચ્ચે કોંગ્રેસના ઘણા ધારાસભ્ય કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે અને સારવાર લઈને તેમના ઘરે પણ પરત ફર્યા છે. તો બીજી તરફ રાજ્યસભાની ચૂંટણીના બે દિવસ પછી રાજ્યસભાના કોંગ્રેસના ઉમેદવાર ભરત સોલંકીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને ત્યારબાદ કોંગ્રેસના ત્રણ ધારાસભ્યો કોરોના પોઝિટિવ થયા હતા. કોંગ્રેસ માટે એક માઠા સમાચાર એ કહી શકાય કે, કોંગ્રેસના દિગ્ગજ નેતા ગણાતા પાટીદાર ધારાસભ્ય લલિત કગથરાના  પરિવારના 22 સભ્યો કોરોના સંક્રમિત થયા છે પરંતુ રાહતના સમાચાર એ કહી શકાય કે, ધારાસભ્ય લલિત કગથરા અને તેમની પત્ની સંક્રમિત થયા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp