સુરાપુરાએ માનતા પુરી કરવા જતા રાજપુત પરિવારનો ચોટીલા-રાજકોટ હાઈવે પર અકસ્માત

PC: news18.com

ચોટીલા-રાજકોટ હાઈવે ફરી ચોમાસું સીઝનમાં ગોઝારો પુરવાર થયો છે. હાઈવે પર નાની મોલડી નજીક છોટા હાથી અને ડમ્પર વચ્ચે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં રાજકોટના એક જ પરિવારના 10થી વધુ લોકોને ગંભીર ઈજા થતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. રાજપુત પરિવાર સોમવારે સુરાપુરાએ માનતા પુરી કરવા રાજકોટથી ખાટડી ગામે જતો હતો એ સમયે આ ઘટના બની હતી.

આ ઘટનામાં રાજકોટ શહેરના કોઠારિયા વિસ્તારમાં આવેલા રણુજા મંદિર પાસે શિવધારામાં રહેતા ભાનુબેન મકવાણા નામના 40 વર્ષના મહિલાનું મૃત્યુ થયું છે. ચોટીલા નજીક આવેલા આપાગીગાના ઓટલા પાસે છોટા હાથી તથા ડમ્પર વચ્ચે ટક્કર થઈ હતી. અકસ્માત એટલો જબરદસ્ત હતો કે છોટા હાથી વાહન પલટી ખાઈ ગયું હતું. કુલ 13 લોકોને ગંભીર ઈજા થઈ હતી. તાત્કાલિક સારવાર માટે ચોટિલાની હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યારે વધુ સારવાર માટે કેટલાક લોકોને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન ભાનુંબેનનું મૃત્યુ થયું હતું. ચોટીલા-રાજકોટ હાઈવે પર આ ઘટનાની જાણ થતાં લોકોનાં ટોળા એકઠા થયા હતા.

આ સાથે બચાવ કામગીરી શરૂ કરી હતી. આ ઘટના અંગેની જાણ થતા ચોટીલા પોલીસે ઘટના સ્થળે દોડી જઈ અકસ્માત અંગેનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે ઘટના સ્થળ પર રહેલા પ્રત્યક્ષદર્શીના નિવેદન નોંધ્યા છે. આ ઉપરાંત કેટલાક ઈજાગ્રસ્તના નિવેદન પણ નોંધ્યા છે. રાજકોટ શહેરના બે રજપુત કુટુંબના 13 લોકો છોટાહાથીમાં બેસીને ખાટડી ગામે આવેલા પોતાના સુરાપુરાના દર્શને જઈ રહ્યા હતા. ડમ્પર ચાલક છોટા હાથીને ટક્કર મારીને ત્યાંથી પલાયન થઈ ગયો હતો.

છોટા હાથી વાહનને પાછળથી ટક્કર વાગતા વાહન પલટી મારી ગયું હતું. અંદર બેઠેલા તમામ લોકોને ગંભીર ઈજા થઈ હતી. આ અકસ્માતમાં એક મહિલાનું મૃત્યુ થતા બંને પરિવારોમાં માતમનો માહોલ જોવા મળ્યો છે. પોલીસ તપાસમાંથી એવું જાણવા મળ્યું હતું કે, ભાનુંબેનના પતિ કાનખાનામાં કામ કરીને પોતાના કુટુંબનું ગુજરાત ચલાવે છે. મૃતકને કોઈ સંતાન ન હોવાનું પણ સામે આવ્યું છે. આ ઘટનામાં એક નાના બાળકનો બચાવ થયો છે. જોકે, સુરેન્દ્રનગર પોલીસે આ ડમ્પર ચાલક સામે કાયદેસરની તપાસ કરી છે. અકસ્માતને પગલે થોડા સમય માટે હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp