ચૂંટણી હાર્યા પછી અશોક ડાંગરે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ પદેથી આપ્યું રાજીનામું

PC: facebook.com/Ashok-Dangar-112170683889933

રાજ્યમાં છ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ ભવ્ય વિજય તરફ આગળ વધી રહ્યું છે. સુરત અને રાજકોટ આ બે શહેરોમાં કોંગ્રેસ હજુ સુધી ખાતું પણ ખોલાવી શકી નથી. મુખ્યમંત્રી વિજય રૂપાણીના શહેરમાંથી કોંગ્રેસના સુપડા સાફ થઇ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી ભલે કોરોનાના કારણે મહાનગરપાલિકાનો ચૂંટણી પ્રચાર ન કરી શક્યા પણ રાજકોટના લોકોએ ભાજપને ખોબલેને ખોબલે મત આપ્યા છે. ત્યારે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર પણ રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 17માંથી ચૂંટણી લડ્યા હતા પરંતુ તેઓ ભાજપના ઉમેદવારની સામે હારી ગયા. રાજકોટમાં વોર્ડ નંબર 7, 10 અને 13માં ભાજપનો ભવ્ય વિજય થયો છે. અશોક ડાંગર ચૂંટણીમાં હારી જતા તેમણે શહેર કોંગ્રેસ પ્રમુખ પદેથી રાજીનામું ધરી દીધું છે.

મહત્ત્વની વાત છે કે, રાજકોટમાં બેલેટ પેપરની મત ગણતરી કરવામાં આવી તેમાં પણ ભાજપના ઉમેદવારને મત મળ્યા છે અને EVM ખોલીને મત ગણતરી કરવામાં આવી ત્યારે પણ રાજકોટની એક પછી એક બેઠકો ભાજપના ફાળે જઈ રહી છે. રાજકોટ મનપાની ચૂંટણીમાં 18 વોર્ડમાંથી 273 ઉમેદવારો ચૂંટણી મેદાને ઉતર્યા હતા. ફેબ્રુઆરી 2021ના રોજ રાજકોટમાં 50.75% મતદાન થયું હતું. રાજકોટ અને સુરતમાં કોંગ્રેસનું ખૂબ જ ખરાબ પ્રદર્શન રહ્યું હતું. ત્યારે રાજકોટમાં કોંગ્રેસની કપરી પરિસ્થિતિને જોઈને શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગરે રાજીનામું આપ્યું છે.

જામનગર કોંગ્રેસના પ્રમુખે કોંગ્રેસના ઉમેદવારની હારની જવાબદારી પ્રભારીઓ પર નાંખી છે. શહેર પ્રમુખે જણાવ્યું હતું કે, અહિયાં જે કોંગ્રેસના પ્રભારીઓ આવ્યા હતા તેમને સુચવેલા નામોમાં ક્યાંકને કયાંક નામ ફેર કરવામાં આવ્યા છે. કયાંક જ્ઞાતિ સમીકરણના કારણે ઉમેદવારો આપવાના હોય તે ન થયા એટલે આ પરિણામ કદાચ આવ્યું છે તેવું મારું માનવું છું. અમારી પાર્ટીએ જીત મેળવવા માટે ખૂબ મહેનત કરી હતી પણ ક્યાંક જનતા સમક્ષ વાતો મૂકવામાં ખામી રહી હોય અથવા ટિકિટ ફાળવણીમાં ઉપરથી પ્રભારીઓએ જે નિર્ણય કર્યા હતા તેમાં પણ ક્યાંકને ક્યાંક ખામી સર્જાય છે. એટલે આવતા દિવસોમાં આનું મનોમંથન કરીશું અને અમે અમારી હારનો સ્વીકાર કરીએ છીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp