રાજકોટ સિવિલ હોસ્પિટલના ડૉક્ટરોની પોલ છતી થતા મીડિયાકર્મી સાથે કરી દાદાગીરી

PC: youtube.com

રાજ્યમાં ડેન્ગ્યુંએ હાહાકાર મચાવ્યો છે. દિન પ્રતિદિન ડેન્ગ્યુંના કેસમાં વધારો થતો જાય છે. જામનગરમાં ડેન્ગ્યુંના વધારે કેસ જોવા મળી રહ્યા છે. જામનગરના દર્દીઓની સંખ્યામાં વધારો થવાના કારણે રાજકોટથી ડૉક્ટરની ટીમ બોલાવવામાં આવી છે. બીજી તરફ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પણ જેટલા ખાટલા છે, તેના કરતા ડબલ દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હોસ્પિટલમાં બેડની સંખ્યા ઓછી હોવાના કારણે દર્દીઓને જમીન પર ગાદલા પાથરીને સારવાર આપવામાં આવી રહી છે પરંતુ રાજકોટની સિવિલ હોસ્પિટલના એક વોર્ડમાં એવા દૃશ્યો જોવા મળ્યા હતા કે, ડૉક્ટરો એક બેડનો ઉપયોગ દવાઓ અને ફાઈલ રાખવા માટે કરતા હતા, જ્યારે આ બાબતે મીડિયાના કર્મીઓએ ડૉક્ટરને પૂછ્યું ત્યારે ડૉક્ટરો રોષે ભરાયા અને મીડિયાકર્મીઓ સાથે દાદાગીરી કરવા લાગ્યા હતા.

આ સમગ્ર મામલે હોસ્પિટલના અધિકારીઓને જાણ થતા તેઓ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા, ત્યારબાદ સમગ્ર મામલો થાળે પડ્યો હતો. અધિકારીઓએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, આજે ખાટલાઓ પર દવા અને ફાઈલ રાખવાની વાત મારા ધ્યાન પર આવી છે. જેથી ખાટલા પરથી તમામ વસ્તુઓ હટાવવા માટે ડૉક્ટરોને કહેવામાં આવ્યું છે અને આ ખાટલાનો ઉપયોગ દર્દી માટે જ કરવો તેવી સુચના પણ આપવામાં આવી છે.

આ સમગ્ર ઘટનાને લઇને કોંગ્રેસના નેતાએ જણાવ્યું હતું કે, 60 બેડની જગ્યા છે ત્યાં 130 દર્દીઓ સારવાર લેવા આવી રહ્યા છે. દર્દીઓને લોબીમાં સુવું પડે છે. ખાટલાની વ્યવસ્થા નથી, તેમ છતાં પણ આ ભાજપના લોકો પોતાની વાહ વાહ દેખાડવા માટે ઉદ્ઘાટન કરવા આવ્યા હતા. શરમ રાખવી જોઈએ કારણ કે, સિવિલ હોસ્પિટલની વાત આવે અને ગુજરાતના લોકોના આરોગ્યની વાત આવે ત્યારે તેનું કાયમી નિરાકરણ આવે તેવા પ્રયત્ન કરવા જોઈએ. રાજકોટ સિવિલના ડૉક્ટરોએ મીડિયાકર્મીઓ જોડે દુરવ્યવહાર કર્યો છે, તેને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp