ભાજપ ઉમેદવાર બ્રિજેશ મેરજા ફોન ન ઉપાડતા હોવાનું કહી સ્થાનિકોએ ઉધડો લીધો

PC: Divyabhaskar.com

પેટાચૂંટણીના પ્રચારમાં નીકળેલા અનેક એવા ઉમેદવાર-આગેવાનોને પ્રજાના રોષનો ભોગ બનવું પડ્યું છે. હાલના સમયે કોંગ્રેસ-ભાજપ બંને પક્ષના નેતાઓ જોરશોરથી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. મોરબીના માળીયા વિસ્તારમાં મત માગવા માટે પ્રજા વચ્ચે પહોંચેલા ભાજપ ઉમેદવાર બ્રિજેશ મેરજાનો સ્થાનિકોએ ઉધડો લીધો હતો. આવો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

પ્રચાર કરી રહેલા બ્રિજેશ મેરજાને સ્થાનિક લોકોએ ફોન કરતા લોકના ફોન ન ઉપાડતા હોવાનું કહીને લોકોએ ખખડાવ્યા હતા. આ વીડિયોમાં જોવા મળ્યું છે કે, મોરબી-માળીયા વિસ્તારમાં પ્રચાર કરી રહેલા બ્રિજેશ મેરજાનો સ્થાનિકોએ ઉઘળો લીધો હતો. કામ ન કરતા હોવાનું અને ફોન ન ઉપાડતા હોવાનું કહીને લોકોએ ઉમેદવારની ઝાટકણી કાઢી હતી. વીડિયોમાં સ્થાનિકો કહે છે કે, અમારો કોઈ પ્રશ્ન હોય તો તમે ક્યારેય ફોન ઉપાડતા નથી. તમને ફોન કરીએ તો તમે બહાર હોવ,આમા રજૂઆત ક્યાં કરવી. પૂર્વ ધારાસભ્ય કાંતિ અમૃતિયા વિશે જણાવ્યું કે, ખડૂતના કોઈ પણ કામ માટે તેઓ તરત આવી પહોંચે છે. જ્યારે તમને ફોન ઉપાડવાનો પણ સમય નથી. કોરોના વાયરસના કાળમાં અરજી માટે આવ્યા ત્યારે તમે લેખિત અરજી કરવા માટે જણાવ્યું. અમે અરજી પણ કરી પણ તમે ક્યાં દેખાયા જ નહીં. સૌરાષ્ટ્રમાં પાણીનો સૌથી સંવેદનશીલ મુદ્દો હજુ પણ ઉકેલાયો નથી. પાણી મુદ્દે સ્થાનિકોએ રોષની લાગણી વ્યક્ત કરતા કહ્યું કે, પાણી આવતું નથી. આ અંગે ક્યાં રજૂઆત કરવી. જેને લઈને મામલો ઉગ્ર બન્યો હતો. આ વીડિયોમાં સ્થાનિકો એવું પણ કહે છે કે, છેલ્લા કેટલાય વર્ષોથી DDO કચેરીએ ધક્કા ખાય રહ્યા છીએ પણ કોઈ કામ થતું નથી.

બ્રિજેશ મેરજાએ સ્થાનિકોને આશ્વાસન આપતા કહ્યું કે, તમારા તમામ પ્રશ્નોનો નીવેડો આવશે. જોકે, મોરબી બેઠક પરથી બ્રિજેશ મેરજાને ભાજપે ટિકિટ આપી છે. અગાઉ તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપ પ્રવેશ કર્યો હતો. અગાઉ કોંગ્રેસના ઉમેદવાર કિરિટસિંહ જાડેજા સામે સ્થાનિક લોકોએ પોતાની વ્યથા ઠાલવી હતી. જેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. કરજણની પ્રજાએ નેતાને ખખડાવ્યા હતા. આ સાથે કહ્યું હતું કે, મત લેવા આવો છો મુશ્કેલી વખતે દેખાતા નથી. માત્ર કરજણમાંથી જ નહીં પણ નવી જીથરડી ગામમાં પ્રચાર માટે આવેલા ભાજપના ઉમેદવાર અક્ષય પટેલને આ રીતે પ્રજાનો ભોગ બનવું પડ્યું છે. પ્રચાર માટે આવતા નેતાઓ ચૂંટણીના સમયને સાચવવા માટે મોટા વાયદાઓ કરી જાય છે. પછી એના દર્શન દુર્લભ થઈ જાય છે. આ વખતે પ્રજાએ આવા અનેક કારનામાને યાદ રાખીને સીધા નેતા પાસે જ પોતાની સમસ્યાનો જવાબ માગ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp