કોરોનાના સંકટમાં લોકોની મદદ કરવા સુરતના ડૉક્ટરો પ્લેનમાં સૌરાષ્ટ્ર પહોંચ્યા

PC: youtube.com

ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોના સંક્રમણને કાબુમાં લેવા માટે સરકાર દ્વારા 36 જેટલા શહેરોમાં આંશિક લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે હવે શહેરોમાં કોરોનાનું સંક્રમણ ધીમેધીમે ઘટી રહ્યું છે પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના ચિંતાનું કારણ બન્યો છે કારણ કે બીજી લહેરમાં ગ્રામ્ય વિસ્તારમાંથી પોઝિટિવ કેસોની સંખ્યા વધી રહી છે. પોઝિટિવ કેસ હોવાની સાથે-સાથે મૃત્યુઆંકમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે સુરતમાંથી ઉદ્યોગપતિઓ અને સામાજિક સંસ્થાના કાર્યકર્તાઓએ સૌરાષ્ટ્રમાં પોતાના વતનમાં જઇને આઇસોલેશન વોર્ડ શરૂ કરીને લોકોની સારવાર કરવાનો નિર્ણય કર્યો છે. આ જ કારણે સુરતથી ઉદ્યોગપતિઓ, સામાજિક કાર્યકર્તાઓ અને ડૉક્ટરોની ટીમ સૌરાષ્ટ્ર પહોંચી છે.

સુરત એરપોર્ટ ખાતેથી ચાર્ટર્ડ પ્લેનમાં 9 જેટલા ડોકટરોની ટીમ સૌરાષ્ટ્ર પહોંચી હતી અને 9 જેટલા ડૉક્ટરો બાય રોડ સૌરાષ્ટ્ર પહોંચ્યા છે એટલે કે, આજથી 18 જેટલા ડૉક્ટરો અલગ-અલગ ગામડાઓમાં જઇને લોકોને સેવા પુરી પાડશે. જે ડૉક્ટરો ચાર્ટર્ડ પ્લેનમાં ગયા હતા તેઓ પહેલા ભાવનગર પહોંચ્યા હતા અને ભાવનગરથી તેઓ રાજકોટ પહોંચીને સૌપ્રથમ તેમને આઇસોલેશન સેન્ટરની મુલાકાત કરી હતી.

સુરતના ડૉક્ટરોને સૌરાષ્ટ્ર લઈ જવા માટે ચાર્ટર્ડ પ્લેનની વ્યવસ્થા સુરતના એક જાણીતા ઉદ્યોગપતિ દ્વારા કરવામાં આવી હતી. સુરત અને સૌરાષ્ટ્રમાં ઈમરજન્સીના સમયમાં ગમે ત્યારે પહોંચી શકે એટલા માટે ડૉક્ટરો માટે આ પ્લેનની વ્યવસ્થા કરવામાં આવી છે. ચાર્ટર્ડ પ્લેનની મદદથી ડૉક્ટરો સવારે સૌરાષ્ટ્ર પહોંચી શકશે અને સાંજે પરત આવી શકશે અને એક સપ્તાહ સુધી આ સેવાયજ્ઞ શરૂ રહેશે.

સુરતથી ચાર્ટર્ડ પ્લેનમાં સૌરાષ્ટ્ર પહોંચેલા ડૉક્ટર પૂર્વેશ ઢાકેચા જણાવ્યું હતું કે, માતૃભૂમિ ઉપર હાલ કોરોનાનું સંકટ જોવા મળતા તમામ યુવાનો, ડૉક્ટરો અને સેવાભાવી સંસ્થાના કાર્યકર્તાઓ સૌરાષ્ટ્ર તરફ કૂચ કરી રહ્યા છે. આજે સવારે અમે નવ જેટલા ડૉક્ટર સૌરાષ્ટ્રમાં પહોંચ્યા છે. અને અન્ય ડૉક્ટરો પણ અહીં પહોંચી રહ્યા છે. તો પેરામેડિકલ સ્ટાફ પણ અહીં આવી ચૂક્યો છે અને અમે આઇસોલેશન સેન્ટરમાં દર્દીઓને સારવાર આપવાનું પણ શરૂ કરી દીધું છે. ગ્રામીણ વિસ્તારમાં કોરોનાનો ડર ઘણો ફેલાયો છે. તેથી લોકોની શારીરિક સારવારની સાથે-સાથે માનસિક રીતે પણ તેમના મનમાં રહેલા કોરોનાના ડરને દૂર કરવો એ અમારા માટે ખૂબ મોટો પડકાર છે જ્યાં સુધી અમે સૌરાષ્ટ્રમાં કોરોનાના સંક્રમણને નિયંત્રણમાં નહીં લાવીએ ત્યાં સુધી ખડે પગે રાઉન્ડ ધ ક્લોક ફરજ બજાવીશું.

મહત્ત્વની વાત છે કે, સૌરાષ્ટ્રમાં 9 મેથી 12 મે સુધી ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર-સોમનાથ અને બોટાદમાં જે ડૉક્ટરો દર્દીને વિનામૂલ્યે સેવા આપશે તેમાં પ્રતીક સાવજ, ચંદ્રેશ ગેવરીયા, ડૉક્ટર ઊર્મિક ઢોળીયા, ડૉક્ટર રજની પટેલ, ડૉક્ટર રવિ તેજાણી, ડૉક્ટર ગૌતમ સિહોરા, ડૉક્ટર નિશ્ચલ ચોવટીયા, ડૉક્ટર યુર્વેશ ઢાંકેચા, ડૉક્ટર અનિલ સવાણી, ડૉક્ટર શૈલેષ ભાયાણી, ડૉક્ટર ચેતન વાઘાણી, ડૉક્ટર રમેશ નકુમ, ડૉક્ટર નરેન્દ્ર પટેલ અને ડૉક્ટર રોનકનો સમાવેશ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp