લાંચ કેસમાં ભાગેડુ જાહેર જેતપુરના DySP જે.એમ.ભરવાડ ACB સામે હાજર થયા

PC: youtube.com

એક વ્યક્તિને ડરાવીને કોન્સ્ટેબલ વતી લાખો રૂપિયાની લાંચ માંગનારા જેતપુરના DySP જે. એમ. ભરવાડને ભાગેડુ જાહેર કરવામાં આવ્યા હતા. ભાગેડુ જાહેર કર્યા પછી તેમને ACB સમક્ષ હાજર થવા માટે જણાવવામાં આવ્યું હતું. જો કે, જે. એમ. ભરવાડ સુપ્રીમકોર્ટમાંથી આગોતરા જામીન મેળવીને રાજકોટ ACB સમક્ષ હાજર થયા હતા અને તેમને પોતાનું નિવેદન નોધાવ્યું હતું. ત્રણ મહિલા પહેલા લાંચ કેસમાં ફસાયેલા જે. એમ. ભરવાડ પોલીસથી ભાગતા ફરતા હતા. આ ઉપરાંત તેમને આગોતરા જામીન માટે સુપ્રીમ કોર્ટમાં એક અરજી કરી હતી. સુપ્રિમ કોર્ટ દ્વારા તેમના આગોતરા જામીનની અરજી બે દિવસ પહેલા મંજૂર કરવામાં આવતા તેઓ ACB સમક્ષ હાજર થયા હતા.

આ સમગ્ર મામલાની વાત કરવામાં આવે તો ત્રણ મહિના પહેલા જેતપુર સીટી પોલીસમાં ફરજ બજાવતા હથિયારી કોન્સ્ટેબલ વિશાલ સોનારાએ ફરિયાદીને તેના મિત્રનું નામ જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં હથિયારના ગુનામાં ખુલ્યું હોવાનું કહ્યું હતુ, ત્યારબાદ ફરિયાદીને DySP સમક્ષ રજૂ ન કરવા, તેની પૂછપરછ ન કરવા અને માર નહીં મારવાના બદલામાં DySP જે. એમ. ભરવાડ વતી કોન્સ્ટેબલ વિશાલે ફરિયાદી પાસેથી 10 લાખ રૂપિયાની માંગણી કરી હતી. ફરિયાદી અને કોન્સ્ટેબલ વચ્ચે લાંચની રકમને લઇને થોડી રકજક થઈ હતી અને અંતે 10 લાખમાંથી 8 લાખ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતુ.

ફરિયાદી DySP અને કોન્સ્ટેબલને લાંચ આપવા માંગતો ન હતો. જેથી તેને ACBને આ સમગ્ર મામલે જાણ કરી હતી અને ACBના અધિકારીઓ દ્વારા એક છટકું ગોઠવવામાં આવ્યું હતુ. જે સમયે ફરિયાદીએ કોન્સ્ટેબલને લાંચ આપી. તે સમયે કોન્સ્ટેબલ વિશાલે DySP જે. એમ. ભરવાડને ફોન કરીને લાંચ આવી ગયાનું કહ્યું હતુ, ત્યારબાદ આ તમામ પૂરાવાઓના આધારે ACBના અધિકારીઓએ કોન્સ્ટેબલને 8 લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હાથે પકડી પાડ્યો હતો.

ત્યારબાદ ACBએ DySP જે. એમ. ભરવાડની ધરપકડ કરવાની કાર્યવાહી શરૂ કરી હતી પરંતુ DySP જે. એમ. ભરવાડ ફરાર થઈ ગયા હતા અને તમને ધોરાજી કોર્ટમાં આગોતરા જામીનની અરજી કરી હતી. આગોતરા જામીનની અરજી કોર્ટે નામંજૂર કરી હતી, ત્યારબાદ DySP જે. એમ. ભરવાડની કાર અમદાવાદ હાઈ-વે પરથી મળી આવી હતી પરંતુ DySP જે. એમ. ભરવાડ મળી આવ્યા નહોતા. ફરાર થયેલા DySP જે. એમ. ભરવાડને પકડવા માટે કોર્ટ દ્વારા ધરપકડનો વોરંટ ઈશ્યુ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ DySP જે. એમ. ભરવાડે ગુજરાત હાઈકોર્ટમાં વોરંટ નાબુદ કરવાની અરજી કરી હતી અને તે અરજી હાઈકોર્ટે નકારી હતી. 

DySP જે. એમ. ભરવાડ પોલીસ પકડમાં આવતા ન હોવાના કારણે ACBએ તેમને ભાગેડુ જાહેર કરવા માટે ધોરાજી કોર્ટમાં અરજી કરી હતી. અરજી બાદ ACB દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવેલા પૂરાવાઓના આધારે ધોરાજી કોર્ટે DySP જે. એમ. ભરવાડને ભાગેડુ જાહેર કર્યા હતા અને ત્યારબાદ હવે તેઓ સુપ્રીમ કોર્ટમાંથી આગોતરા જામીન લઇને રાજકોટ ACB સમક્ષ હાજર થયા હતા અને તેમનું નિવેદન નોંધાવ્યું હતું. 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp