સરકારે જાહેર કરેલી સહાયને જૂનાગઢના ખેડૂતોએ મજાક ગણાવી

PC: youtube.com

રાજ્ય સરકાર દ્વારા ભારે વરસાદના કારણે જે ગામડાઓના ખેડૂતોને નુકસાન થયું હતું. તે ખેડૂતો માટે પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું. જૂનાગઢ જિલ્લાના 135 ગામડાઓમાં અતિવૃષ્ટિને લઇને સહાય કરવાનું કહેવામાં આવ્યું છે. પણ જૂનાગઢ જિલ્લાના 9 તાલુકામાંથી માત્ર 5 તાલુકાના ખેડૂતોને સહાય રાજ્ય સરકારે કરતા સહાયથી વંચિત રહેલા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. કેશોદ તાલુકાના 13 ગામ, માણાવદર તાલુકાના 19 ગામ, માંગરોળના 15 ગામ, વંથલીના 13 ગામ અને વિસાવદર તાલુકાના 68 ગામ માટે જ સહાય પેકેજની જાહેરાત કરવામાં આવી નથી. જૂનાગઢ, મેંદરડા, ભેંસાણ અને માળીયા તાલુકામાં સહાયના પેકેજની જાહેરાત કરવામા આવી નથી. તેથી જૂનાગઢ તાલુકાના ગાલિયાવાડા ગામના ખેડૂતોમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ બે હેક્ટર એટલે કે 6 વીઘા જમીન માટે 13 હજાર રૂપિયાની સહાય પેકેજને ખેડૂતોએ સરકારની મજાક ગણાવી હતી. ખેડૂતોનું કહેવું છે કે અમારે એક વીઘા દીઠ 8થી 10 હજાર રૂપિયાનો ખર્ચ થાય છે.

જૂનાગઢ તાલુકાના ગલીયાવાડા ગામના ખેડૂતો મહંમદ સીડાએ જણાવ્યું હતું કે, વરસાદ થયો તેના કારણે અમને નુકસાની થઇ છે. આ સહાયમાંથી જૂનાગઢના કેટલાક ગામડાને બાકાત કરવામાં આવ્યા છે. તો શું અમારે નુકસાન નથી થયું. અમારે પણ નુકસાન થયું છે. બીજા તાલુકાને લેવામાં આવ્યા હોય તો અમારા તાલુકાનો શું વાંક છે? અમને પણ સહાય મળવી જોઈએ. અમારા ગામમાં કોઈ સરકારી અધિકારી જોવા પણ નથી આવ્યા. અમે અવાર નવાર રજૂઆત કરી છે. સરકારની 13 હજારની સહાય કઈ ન કહેવાય. અમારે એક વીઘા દીઠ 7થી 8 હજાર રૂપિયાનો ખર્ચ આવી જાય છે. એટલે 6 વીઘાના 13 હજાર એટલે કે એક વીઘે 2 હજાર રૂપિયા સહાય થઇ આ કઈ ન કહેવાય. આ સહાય ગેરવ્યાજબી છે.

રાજુ સોજીત્રા નામના ખેડૂતે જણાવ્યું હતું કે, નુકસાનીની વાત જવાદો. સહાયથી આ કોઈ ભેગું ન થયું, મજૂરી પણ ન નીકળે. અમારા ગામની અંદર સરવે કરવામાં આવ્યો નથી.

ધીરુભાઈ નામના ખેડૂતે જણાવ્યું હતું કે, અમારા ગામમાં 5થી 6 દિવસ વરસાદ પડ્યો હતો. એટલે ખેડૂતોએ વાવેલા કપાસ અને મગફળીમાં નુકસાની થઇ છે. અમારા ગામમાં ઘણી નુકસાની થઇ છે પણ સરકારે અમારા ગામ બાબતે કોઈ નિર્ણય કર્યો નથી અને સરકારને એવું પણ નથી થયું કે આપણે આ બાબતે સરવે કરાવીએ.

ગોવિંદભાઈ નામના ખેડૂતે જણાવ્યું હતું કે, અમે ખેતી કરીએ ત્યારે અમારે એક વીઘા દીઠ 8થી 10 હજાર રૂપિયાનો ખર્ચ થાય છે. અમને કઈ મળે તેમ જ નથી. અમારું ગામ જૂનાગઢની બાજુમાં આવેલું છે છતાં પણ કોઈ પણ સરકારી અધિકારી જોવા માટે આવ્યા નથી. અમે જે વાવેતર કર્યું હતું તે અમારા પૈસા ગયા. અમારા ગામનો કપાસ ફેલ થઇ ગયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp