ઘરકંકાસ બાદ સમાધાન માટે અરજી કરી, દીકરીના પિતાએ છૂટાછેડા માટે રૂ. 1 કરોડ માગ્યા

PC: divyabhsakar.co.in

દીકરી એના સાસરે ખુશ રહે એવું દરેક માતા-પિતા ઈચ્છતા હોય છે. દીકરીના દરેક અરમાન પૂરા થાય એ માટે માતા-પિતા દરેક પ્રયત્ન કરતા હોય છે. પણ કળયુગમાં આનાથી વિપરીત કિસ્સો સામે આવ્યો છે. જેમાં દીકરી માટે રૂપિયાવાળો પરિવાર મળતા પિતાએ દીકરીના અભ્યાસમાં બ્રેક મરાવી મુંબઈથી રાજકોટ બોલાવી લીધી. એના લગ્ન પણ કરાવી દીધા.

લગ્નના થોડા જ સમયમાં વિખવાદ શરૂ થઈ ગયો અને વાત છેક છૂટાછેડા સુધી પહોંચી ગયા. જેમાં હવે દીકરીના પિતા છૂટાછેડાની માગ કરી રહ્યા છે.જેમાં દીકરીના પિતાએ રૂ.1 કરોડની માગ કરી છે. બીજી તરફ દીકરીએ સમાધાન માટેની અરજી કરી છે. એ સમાધાન કરવા માટે તૈયાર છે અને પોતાના પિતાને પણ મનાવી રહી છે. જ્યારે પિતા કહે છે કે, તું ભવિષ્યમાં હેરાન ન થાય એ માટે આ વ્યવસ્થા કરૂ છું. વિજયભાઈ (નામ બદલ્યું છે) પોતાની દીકરી રીયા(નામ બદલ્યું છે) માટે યોગ્ય પાત્રની શોધમાં હતા. આ દરમિયાન એક ધનિક પરિવાર મળી જતા નજીકના સંબંધી સૌમિલભાઈ (નામ બદલ્યું છે)ના પુત્ર જયેશ (નામ બદલ્યું છે) સાથે દીકરી રીયાનો મનમેળ થયો.

બંનેએ એકબીજાને પસંદ કરતા સગપણ નક્કી થયું. રીયા મુંબઈમાં ફેશન ડિઝાઈનરનો અભ્યાસ કરતી હતી પણ યોગ્ય પાત્ર મળતા પિતાએ રાજકોટ બોલાવીને સંસાર મંડાવી દીધો. લગ્નને માંડ બે વર્ષ થયા હશે ત્યાં વિવાદ અને ઝઘડા શરૂ થઈ ગયા. રીયાના સાસરીવાળાએ એવો પણ આક્ષેપ કર્યો કે, દીકરીને ઘરકામ નથી આવડતું. સમગ્ર કેસ સમાધાન પંચ સુધી પહોંચ્યો. બે વર્ષમાં ચાર વખત કેસ સમાધાન સુધી પહોંચી જતા બંને પરિવાર વચ્ચે બેઠક થઈ હતી.

પણ કેટલીક બાબતમાં દીકરાની તો કેટલીકમાં દીકરીની ભૂલ હતી. દીકરી સમાધાન માટે તૈયાર થઈ ગઈ પણ પિતાએ છૂટાછેડાની જીદ પકડી છે. આ સાથે પિતાએ છૂટાછેડા સાથે સામે પક્ષે રૂ.1 કરોડ મોટી રકમની પણ માગ કરી છે. જ્યારે દીકરી રીયાએ ફરી સમાધાન માટે અરજી કરી હતી. એ સમાધાન કરી ફરી સંસાર શરૂ કરવા માટે તૈયાર થઈ હતી. પણ પિતાએ આટલી મોટી રકમની માગ અને છૂટાછેડાનો નિર્ણય લેતા દીકરીની ચિંતામાં એકાએક વધારો થઈ ગયો છે. સમાધાન પંચના કાઉન્સિલરે આ અંગે વિગત કહી હતી. દીકરીનું ઘર ન તૂટે એવા પ્રયત્નો સ્વજનોએ શરૂ કર્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp