ડુંગળીના 1000થી 1600 ભાવ મળતા ગોંડલ માર્કેટિંગ યાર્ડ ડુંગળીથી ઉભરાયું

PC: youtube.com

દેશમાં કેટલીક જગ્યાઓ પર ભારે વરસાદના કારણે ખેડૂતોનો ડુંગળીનો પાક નિષ્ફળ ગયો હતો, જેના કારણે દેશમાં ડુંગળીની અછત સર્જાય હતી અને ડુંગળીના ભાવ આસમાને પહોંચી ગયા હતા. ડુંગળીના ભાવ વધતા હોટેલ અને રેસ્ટોરન્ટમાં પણ ડુંગળીની જગ્યા પર કોબીજ, કાકડી અને મૂળાને સલાડ તરીકે પીરસવામાં આવે છે. ડુંગળીની માર્કેટમાં અછત સર્જાવાના કારણે જે ખેડૂતોના ખેતરમાં ડુંગળીનો પાક ઉભો છે, તે ખેડૂતો સારો ભાવ મળવાની આશા વ્યક્ત કરી રહ્યા છે. તો બીજી તરફ રાજકોટના ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં તો ડુંગળીની આવાક શરૂ પણ થઈ ગઈ છે અને ગત વર્ષની તુલનામાં ખેડૂતોને ડુંગળીના ભાવ સારા મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

એક રિપોર્ટ અનુસાર, સૌરાષ્ટ્રના ખેડૂતોના ખેતરમાં ડુંગળીનો પાક તૈયાર થઇ જતા તેઓ ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે ડુંગળીના પાકનું વેચાણ કરવા માટે પહોંચ્યા હતા. ખેડૂતોને એક મણ દીઠ ડુંગળીના 1000થી 1600 રૂપિયા મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ડુંગળીના સારા ભાવ મળવાની જાણ અન્ય ખેડૂતોને થતા તેઓ પણ પોતાની ડુંગળીનો પાક લઇને માર્કેટિંગ યાર્ડમાં પહોંચ્યા હતા અને ગણતરીના કલાકોમાં જ માર્કેટિંગ યાર્ડમાં 80,000 ગુણીની આવક થઇ ગઈ હતી. આટલી મોટી સંખ્યામાં ડુંગળીની આવક થતા માર્કેટિંગ યાર્ડમાં વધારે ડુંગળી આવી શકે તેવી સ્થિતિ નહોતી એટલા માટે માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો દ્વારા આગામી ચારથી પાંચ દિવસ સુધી ડુંગળીની આવક બંધ કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, માર્કેટમાં ડુંગળીની અછત સર્જાતા વિદેશથી સરકાર દ્વારા ડુંગળીની આયાત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને સરકારના આ નિર્ણયનો કેટલાક ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો કારણ કે, ખેડૂતોનું કહેવું હતું કે, તેમના ખેતરમાં ડુંગળીનો પાક તૈયાર થવા આવ્યો છે તેવા સમયે સરકાર દ્વારા આ પ્રકારનો નિર્ણય લેવામાં આવતા ખેડૂતોની ડુંગળીના ભાવ ઓછા મળી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp