કેશોદમાં વરરાજાએ કર્યું હતું હવામાં ફાયરીંગ, બે મહિના પછી જવું પડ્યું જેલ

PC: youtube.com

ગુજરાતમાં અમુક ગામડાઓમાં અને શહેરોમાં લગ્ન પ્રસંગે હવામાં ફાયરીંગ કરવાની ઘટનાઓ ઘણીવાર પ્રકાશમાં આવે છે. જાહેર રસ્તાઓ પર હવામાં ફાયરીંગ કરવાના કારણે ઘણીવાર મિસફાયરની ઘટના બને છે અને તેમાં કોઈ વ્યક્તિનું મોત પણ નીપજે છે, જેના કારણે સુરક્ષાને ધ્યાનમાં લઇને પોલીસ દ્વારા ફાયરીંગ કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જેથી આવી કોઈ પણ ઘટના જો પોલીસના ધ્યાને આવે તો પોલીસ દ્વારા ફાયરીંગ કરનાર વિરુદ્ધ કડક પગલાં લેવમાં આવે છે. ત્યારે કેશોદમાં બે મહિના પહેલા એક લગ્ન પ્રસંગમાં વરઘોડા દરમિયાન વરરાજાએ ઘોડા પર બેસીને ફાયરીંગ કરવાની ઘટનામાં પોલીસે વરરાજાની અટકાયત કરી છે.

મળતી માહિતી અનુસાર, 27 ફેબ્રુઆરી 2019ના રોજ કેશોદ તાલુકાના મઢડા ગામે વરરાજાએ વરઘોડા દરમિયાન ઘોડા પર બેસીને બંદુકમાંથી હવામાં ફાયરીંગ કર્યું હતું અને આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેના કારણે જે-તે સમયે જ પોલીસના ચોપડે સમગ્ર મામલે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પરતું સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો વીડિયો સાચો છે કે નહીં તે જાણવા માટે પોલીસ દ્વારા એક પ્રોસેસ કરીને વીડિયોની ફોરેન્સિક ખરાઈ કરાવવામાં આવી હતી અને ફોરેન્સિક ખરાઈમાં વીડિયો સાચો હોવાનું જાણવા મળતા પોલીસ દ્વારા હવામાં ફાયરીંગ કરી રહેલા વરરાજા કુલદીપ મોડની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, થોડા મહિનાઓ પહેલા સુરત શહેરમાં રાત્રિના સમયે એક વરઘોડા દરમિયાન જાનૈયાઓ દ્વારા હવામાં ફાયરીંગ કરવામાં આવતા વરઘોડાને નિહાળી રહેલી એક મહિલાને માથાના ભાગે ગોળી વાગી હતી અને તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp