સૌરાષ્ટ્રમાં નશામાં ધૂત ST બસના ડ્રાઇવરને કારણે બસ 30 મુસાફરો સાથે પૂલ પર લટકી

PC: Youtube.com

સરકાર દ્વારા ST બસમાં સલામત સવારીના દાવા કરવામાં આવે છે. પરંતુ અવાર-નવાર ST બસના અકસ્માતની ઘટનાઓ સામે આવે છે. ત્યારે આજે પણ ST બસના ડ્રાઈવરની બેદકારીના કારણે 30 જેટલા મુસાફરોના જીવ જોખમમાં મુકાઈ ગયા હતા. બસ ચાલકે સ્ટીયરીંગ પર કાબુ ગુમાવતા બસ જીવાપર અને કાતર ગામને જોડાતા બ્રિજ પર લટકી ગઈ હતી. બસના પાછળના ટાયર નીચે લટકી ગયા અને બસ આગળના ટાયરો પર અટકી ગઈ હતી. સદનસીબે બસ બ્રિજ પરથી નીચે પડતા અટકી ગઈ અને તેમાં સવાર 30 મુસાફરોનો જીવ બચી ગયા હતા.

એક રીપોર્ટ અનુસાર, બગસરા-બગદાણા રૂટની ST બસ જે સમયે ખંભા-જીવાપર ગામ નજીક બનાવવામાં આવેલા પુલ પરથી પસાર થઈ રહી હતી. તે સમયે બસ ચાલકે બસના સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા બસ પુલ પર લટકી ગઈ હતી. જે સમયે આ ઘટના બની હતી, તે સમયે બસમાં 30 કરતા વધારે મુસાફરો સવાર હતા. ઘટનાને પગલે ગામ લોકો ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને પુલ પરથી લટકી ગયેલી બસમાંથી મુસાફરોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી. ભારે જાહેમત બાદ ગામ લોકોએ તમામ લોકોને બસની બહાર કાઢી લીધા હતા.

ઘટનાને પગલે પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને તેમણે ડ્રાયવરની અટકાયત કરી તેને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો. આ ઘટનામાં 7થી 8 લોકોને નાની-મોટી ઈજાઓ થવા પામી હતી. જેમને સારવાર માટે નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ગામ લોકો અને બસના મુસાફરો દ્વારા ડ્રાયવર નશાની હાલતમાં હોવાનું જણાવવામાં આવ્યું હતું. આ ઘટના અગાઉ રેતી ભરેલું એક ટ્રેક્ટર આ પુલ પરથી નીચે ખાબક્યું હતું.

ઉલ્લેખનીય છે કે, આ ઘટનામાં સ્થાનિક તંત્રની પણ બેદરકારી સામે આવી રહી છે. કારણે કે, તંત્ર દ્વારા બે ગામને જોડતો પુલ તો બનાવવામાં આવ્યો, પણ પુલની સાઈડમાં કોઈ પણ પ્રકારની સુરક્ષા દીવાલ બનાવવામાં આવી નથી. જો વાહન ચાલક પોતાના વાહન પરથી કાબુ ગુમાવે તો સુરક્ષા દીવાલ ન હોવાના કારણે વાહન સીધું બ્રિજ પરથી નીચે ખાબકે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp