જસદણ વિવાદમાં બોઘરાએ જાણો કુંવરજી બાવળિયા વિશે શું કહ્યું

PC: youtube.com

કેબીનેટ મંત્રી કુંવરજી બાવળીયા અને ભાજપના પૂર્વ ધારાસભ્ય ભરત બોઘરા વચ્ચે વિવાદની વાતની વચ્ચે બંને એક સાથે જોવા મળ્યા હતા. રાજકોટમાં યોજાયેલી ભાજપની બેઠકમાં બંને નેતાઓ એક બીજાની બાજુમાં બેઠેલા અને હસતા હસતા વાત કરતા જોવા મળ્યા હતા.

ભરત બોઘરાએ જણાવ્યું હતું કે, કુંવરજી બાવળીયા અમારા કેબીનેટ મંત્રી છે, અમે સંગઠનમાં કામ કરીએ છીએ અને તેઓ સરકારમાં કામ કરે છે. મતભેદનો કોઈ પ્રશ્ન નથી પણ સ્થાનિક લેવલે કોઇકને દુઃખતું હોય પેટમાં અને કૂટે માથું તેવી વાત છે. કુંવરજી બાવળીયા સરકારના પ્રતિનિધિ છે, તે સરકારનું કામ કરતા હોય, હું સંગઠનનો માણસ છું, હું સંગઠનનું કામ કરતો હોય વાત એમ છે.

આ વિવાદ મામલે મંત્રી કુંવરજી બાવળીયાએ જણાવ્યું હતું કે, હું પહેલાની જેમ જે પદ્ધતિથી પ્રજાની વચ્ચે રહીને કામ કરતો હતો, તે પદ્ધતિથી કામ કરું છું. ક્યાંય જૂથવાદ જેવું છે જ નહીં. ક્યાંક કોઈ ખોટી નાની મોટી વાત ઊભી કરતા હોય છે. તેઓ પણ કાલે ગાંધીનગરમાં હતા અને હું પણ કાલે મારી ઓફિસમાં ગાંધીનગરમાં હતો. એટલે એવું કંઈ નથી અમે લોકોના કામ કરીએ છીએ અને જે જવાબદારી અમારા પર સોંપવામાં આવી છે તે નિષ્ઠાથી નિભાવીએ તે અમારી ફરજમાં આવે છે.

આ બાબતે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, ભરત બોઘરા તેમના વિસ્તારના લોકોના પ્રશ્નોને લઇને કુંવરજી બાવળીયાની ઓફિસમાં આવે છે એટલે બંને વચ્ચે કોઈપણ પ્રકારનો મતભેદ કે મનદુઃખ છે તે વાત સાવ ખોટી છે.

ઉલ્લેખનીય છે કે, કુંવરજી બાવળીયા અને ભરત બોઘરા વચ્ચેનો આંતરિક વિવાદ ઘણીવાર પોસ્ટર વોરમાં બહાર આવી ચુક્યો છે. કેટલીકવાર ભરત બોઘરાના કાર્યક્રમમાં મંત્રી કુંવરજીને આમંત્રણ આપવામાં આવતું નથી અને મંત્રી કુંવરજી બાવળીયાના પ્રોગ્રામમાં ભરત બોઘરાનું નામ લખવામાં આવતું નથી. આ પ્રકારના કિસ્સાઓ ઘણીવાર પ્રકાશમાં આવ્યા છે અને અત્યારે બંને નેતાઓ પોતાની વચ્ચે મતભેદ અને મનભેદ ન હોવાનું કહી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp