જામનગરમાં યુવાનને અઢી લાખમાં નવડાવી લૂંટેરી દુલ્હન અડધી રાતે ભાગી ગઈ

PC: khabarchhe.com

જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના કેશીયા ગામના લગ્નવાંછુ યુવાનને ભટકી ગયેલી લૂંટેરી દુલ્હન અને તેના પરિવાર સહિતની ટોળકીએ અઢી લાખમાં નવડાવી દીધો હોવાની ફરિયાદ સામે આવી છે. લૂંટેરી દુલ્હનના માતા અને મળતિયાઓએ લગ્ન પૂર્વે જ કેશીયાના પરિવાર પાસેથી 2.35 લાખની રકમ પડાવી લીધી હોવાની વિગતો જાહેર થઇ છે. લગ્નના છઠ્ઠા દિવસની રાત્રે લૂંટેરી દુલ્હન દુલ્હા અને પરિવારને સુતેલા છોડી નાશી ગયા બાદ સ્થાનિક પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

જોડિયા તાલુકાના કેશીયા ગામનો પટેલ પરિવાર લૂંટેરી દુલ્હનનો ભોગ બની ગયો છે. ખેતી કામ કરતા વિપુલભાઈ ટપુભાઈ જાકાસણીયાએ તેના પરિવાર અને મોટાભાઈના સસરા સહિતનાઓ દ્વારા પોતાની સગાઈ-લગ્નની વાત જુનાગઢ ખાતે રહેતી મધુબેન કોળીની છોકરી રાધિકા સાથે ચલાવી હતી. બંને પરિવારનાઓએ એકબીજાને પસંદ કરી વાત લગ્ન સુધી લઇ ગયા હતા. જેમાં છોકરીના પરિવારજનોએ લગ્ન માટે રૂપિયા અઢી લાખ આપવાની વાત કરી હતી. જેને લઈને કેશિયાનો પરિવાર સહમત થયો હતો.

ગત તા.8/3/22ના રોજ જુનાગઢથી મધુબેન કોળી તેની મોટી પુત્રી, જમાઈ અને પુત્રી રાધિકા સાથે અહી આવી, વિપુલ અને રાધિકાના ફૂલહાર પહેરાવી લગ્ન કરાવ્યા હતા અને પટેલ પરિવાર રૂપિયા બે લાખ પત્રીશ હજાર આપ્યા હતા. બાદમાં તા. 10મીના રોજ વિપુલભાઈના કાકાના દીકરાએ રાધિકા અને તેના માતા અંગે યુ ટ્યુબમાં એક વીડિયો જોયો જેમાં આ બંન્ને અગાઉ પણ આવી જ રીતે લગ્ન કરાવી પૈસા પડાવી લેતા પોલીસે પકડી પાડ્યા હોવાનું સામે આવ્યું હતું. આ વાત વિપુલભાઈના પરિવારે લગ્ન કરાવવા વખતે વાતચીત કરનાર તેના સબંધી અને હિતેચ્છુઓને કરી હતી અને વાત છૂટાછેડા સુધી આવી હતી.

દરમિયાન તા. 13/4ના રોજ રાતે વિપુલભાઈ અને તેના પરિવારને સુતો મૂકી રાધિકા કયાંક ચાલી ગઈ હતી. ત્યારથી મધુબેન દ્વારા કોઈ પ્રત્યુતર નહિ પાઠવવામાં આવતા આ પ્રકરણ પોલીસ દફતરે પહોચ્યું છે. જોડિયા પોલીસના જણાવ્યા મુજબ મધુબેન અને તેની પુત્રી બનીને રાધિકા દ્વારા અગાઉં આવી જ રીતે દસેક યુવાનોને સીસીમાં ઉતારી લગ્નના નામે રૂપિયા પડાવી લેવાયા છે. જુનાગઢની લૂંટેરી દુલ્હન અને તેની માતા સુધી પહોચવા પોલીસે તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp