મોરબીમાં મહિલાની લાશનો ભેદ ઉકેલાયો

PC: malayalamnewsdaily.com

મોરબીના જોધપર ગામ પાસે કેનાલમાંથી બે દિવસ પૂર્વે કોથળામાં બાંધેલી હાલતમાં મળેલી અજાણી સ્ત્રીની લાશના કેસનો ભેદ એલસીબી તથા તાલુકા પોલીસે ગણતરીની કલાકોમાં ઉકેલી નાંખ્યો છે. આ સ્ત્રીની હત્યા તેના જ પતિએ બે મિત્રો સાથે મળીને આડા સંબંધની આશંકાએ કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે. પોલીસે પતિ સહિતના ત્રણેય શખ્સોને દબોચી પણ લીધા છે.

આ અંગે પોલીસનાં જણાવ્યા પ્રમાણે મોરબી તાલુકાના જોધપર ગામે મચ્છુ -૨ ડેમમાં નર્મદા કેનાલના પાણીમાં ગત તારીખ 20 ઓક્ટોબરે કોથળામાં બાંધેલી હાલતમાં એક અજાણી સ્ત્રીની લાશ મળી હતી. મહિલાની ડેડબોડી અત્યંત કોહવાયેલી હાલતમાં મળી આવતા લાશ ની ઓળખ થઇ શકી નહોતી. આશરે 25 થી 30 વર્ષની ઉંમર હોવાનું પોલીસે જણાવ્યું હતું. પોલીસે મૃતદેહને ફોરેન્સિક પીએમ અર્થે રાજકોટ ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.  જે મામલે એલસીબી અને તાલુકા પોલીસે સંયુકત તપાસ આદરી હતી. તપાસ દરમિયાન આ સ્ત્રી ઊંચી માંડલ ગામની સીમમાં આવેલ સિબોન સિરામિકમાં લેબરની ઓરડીમાં રહેતા મૂળ મધ્યપ્રદેશના દુર્ગાબહેન હોવાનું બહાર આવ્યું હતું.

બાદમાં પોલીસે  ઊંચી માંડલ ગામની સીમમાં આવેલ સિબોન સિરામિક કારખાનામાં શંકાસ્પદ જણાતા ત્રણ શખ્સો ભુરો શંકર ડામોર, સત્યનારાયણ ખેમરાજ ડોડીયા અને નટવર અર્જુન ભાભોરની અટકાયત કરી હતી. ત્રણે શકમંદોની પ્રાથમિક પૂછપરછમાં માલુમ પડ્યું હતું કે મૃતક દુર્ગાબહેન આરોપી ભૂરા શંકર ડામોરની બીજી પત્ની હોઈ, દુર્ગાબહેનને કોઈ વ્યક્તિ સાથે આડા સંબંધ હોવાની શંકાએ ત્રણેયે મળીને ઓરડીમાં જ દુર્ગાબહેનની ગળે ટૂંપો દઈને હત્યા કરી નાંખી હતી. બાદમાં ત્રણેયે લાશને કોથળામાં બાંધીને જોધપર ગામ પાસે નર્મદા કેનાલમાં નાંખી દીધી હતી.

આ મર્ડર મિસ્ટ્રી બનાવમાં ચોંકાવનારી બાબત સામે આવી હતી કે મૂળ મધ્યપ્રદેશના વતની અને મોરબી નજીકના સિરામિક કારખાનામાં રહીને મજૂરી કરતા શ્રમિક ભુરાએ દુર્ગાને ઉપપત્ની તરીકે રાખી હતી અને દુર્ગાને અન્ય શખ્સ સાથે આડાસંબંધની શંકાથી આ બનાવનો કરૂણ અંત આવ્યો છે. એ વાત નિશ્ચિત છે કે આડા સંબંધોનો કયારેય સુખદ અંત આવતો નથી.   

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp