પત્રકાર પરિષદમાં કાલે નરેશ પટેલ બધા પાના ખોલશે, શું લાગે છે પોલિટિક્સમાં જોડાશે?

PC: khabarchhe.com

ખોડલધામના પ્રમુખ નરેશ પટેલના રાજકીય પ્રવેશ વિશે મહિનાઓથી ચાલતા સસ્પેન્સનો આવતીકાલે અંત આવવાનો હોય તેમ ખોડલધામ ખાતે પત્રકાર પરિષદ બોલાવવામાં આવી છે. જેમાં નરેશ પટેલ કોઇપણ રાજકીય પક્ષમાં નહીં જોડાવાનો નિર્ણય જાહેર કરે તેવા સંકેત છે. મહત્વની વાત એ છે કે મીડિયા સાથે મુલાકાતમાં રાજકીય રણનીતિકાર પ્રશાંત કિશોર પણ વર્ચ્યુઅલી હાજર રહેશે.

મહિનાઓથી ચાલતી રાજકીય અટકળો પર પૂર્ણવિરામ મુકે તેવી સંભાવના તેમના દ્વારા રાજકારણમાં પ્રવેશની વિચારણા વખતે ખોડલધામની રાજકીય કમિટી દ્વારા સર્વે કરાવવામાં આવ્યો હતો. જેમાં સમાજના વડીલોએ રાજકારણથી દૂર રહેવા સલાહ આપી હતી જ્યારે મહિલા અને યુવાનોએ રાજકારણમાં સક્રિય થવાનો અભિપ્રાય દર્શાવ્યો હતો.

સૂત્રોના કહેવા પ્રમાણે રાજકારણમાં પ્રવેશથી ખોડલધામની અને સમાજની સામાજિક પ્રવૃતિને અસર થઇ શકે તેવી વાતનો સ્વીકાર કરવાની સાથોસાથ રાજકીય પક્ષો સાથે પૂર્વ શરતમાં મેળ નહીં પડ્યો હોવાના કારણોસર પણ નરેશ પટેલે છેવટનો રાજકારણથી અલિપ્ત રહેવાનો નિર્ણય લીધો હોવાનું માનવામાં આવી રહ્યું છે. છેલ્લા 100 દિવસથી વધુ સમયથી નરેશ પટેલ રાજકારણમાં જોડાશે કે નહીં તેના પર સસ્પેન્સ ચાલી રહ્યું છે.

ખોડલધામ એટલે નરેશ પટેલ અને નરેશ પટેલ એટલે ખોડલધામ. આ ઓળખ ધરાવનાર પાટીદાર અગ્રણી નરેશ પટેલે 27 ફેબ્રુઆરીએ પ્રથમ વખત રાજકારણની વાત કરી હતી. રાજકારણમાં જોડાવું કે નહીં તે અંગેનો નિર્ણય માર્ચની શરૂઆતમાં જાહેર કરશે તેવી પ્રથમ વખત જાહેરાત કરી હતી. બાદમાં એક બાદ એક તારીખ પાડતા રહ્યા અને તારીખની સંખ્યા 7 પર પહોંચી અને દિવસની સંખ્યા 100થી વધુ થઈ. પરંતુ હજુ સુધી પોતાનો નિર્ણય જાહેર કરી શક્યા નથી અને કઈ પાર્ટીમાં જોડાશે તેના કોઈ ઠેકાણા નથી.

નરેશ પટેલ રાજકારણમાં જોડાઈ એ પહેલા જ રાજનીતિ રમતા હોય એવું ચિત્ર ઉપસી રહ્યું છે. નરેશ પટેલ 100 દિવસથી રાજકારણમાં પ્રવેશવું કે ન પ્રવેશવાની માઈન્ડ ગેમ રમી રહ્યા છે. એક તબક્કે તો નરેશ પટેલ કોંગ્રસમાં જોડાશે એવું નક્કી પણ થઈ ગયું હતું, પરંતુ પ્રશાંત કિશોરનું ગોઠવાયું નહીં અને હવે નરેશ પટેલનું પણ ગોઠવાતું નથી. નરેશ પટેલને આગામી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનો CMનો ચહેરો બનવું છે, પરંતુ આવું ન થાય તો નરેશ પટેલ રાજકારણમાં નહીં જોડાય એ નક્કી જ છે. આવી સ્થિતિમાં પટેલ તારીખોમાં અટવાઇ ગયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp