રાજકોટનો 2 વર્ષનો વેદ 3 લોકોને નવજીવન આપી થઈ ગયો અમર, સમાજને આપી નવી રાહ

PC: zeenews.com

ઘણા લોકો નાની ઉંમરે પણ મોટાં કામ કરી જાય છે અને વર્ષો સુધી તેમને લોકો યાદ કરે છે. આવું જ કંઈક રાજકોટના એક નાનકડા બાળકે કર્યું છે. બીમારીના કારણે બે વર્ષનું બાળક આ દુનિયામાં નથી, પરંતુ તે ત્રણ વ્યક્તિઓમાં જીવે છે. આ કહેવાનું કારણ એ છે કે, અંગદાનને મહાદાન કહેવામાં આવ્યું છે અને બે વર્ષના બાળકના પરિવારજનોએ બાળકના અંગદાનનો નિર્ણય લઈ ત્રણ વ્યક્તિઓને નવું જીવન આપ્યું છે. રિપોર્ટ અનુસાર ભાવેશ ઝિંઝુવાડીયા બોટાદમાં પત્ની વિભૂતિ ઝિંઝુવાડીયા અને બે વર્ષના પુત્ર વેદની સાથે રહે છે. સાત દિવસ પહેલા બે વર્ષના વેદને ઉલ્ટી થતા તેને રાજકોટની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો હતો. ડૉક્ટરે વેદની તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, વેદને બ્રેઈન ટ્યુમર છે. સારવાર શરૂ થયાના થોડાં સમય બાદ જ વેદ બ્રેઈન ડેડ થઈ ગયો હતો.

જેથી વેદના પરિવારના સભ્યોને હોસ્પિટલના ડૉક્ટરો દ્વારા અંગ દાન કરવાની સલાહ આપી હતી અને ડૉક્ટરોની સમજાવટ બાદ ભાવેશ ઝિંઝુવાડીયા અને વિભૂતિ ઝિંઝુવાડીયા દીકરાના અંગોનું દાન કરવા માટે સહમત થયા હતા. જેથી વેદની બે કિડની અને આંખો દાન કરવામાં આવી હતી.

વેદની બંને કિડની અમદાવાદના એક તરુણને દાન કરવામાં આવી છે અને બે આંખો બે અન્ય બાળકોને દાન કરવામાં આવી છે. બે વર્ષના બાળકના અંગોનું દાન કરવાનો નિર્ણય લઈને પરિવારના સભ્યોએ સમાજને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. વેદ તો અત્યારે આ દુનિયામાં નથી પરંતુ તે એક નહીં ત્રણ વ્યક્તિઓમાં તે જીવી રહ્યો છે. પરિવારના સભ્યોએ બે વર્ષના દીકરાના અંગોનું દાન કરવાનો નિર્ણય લઈને ત્રણ લોકોને નવજીવન આપીને સમાજને એક નવી રાહ ચીંધી છે.

રાજકોટમાં સૌપ્રથમ વખત સૌથી નાની વયના બાળકની કિડની અને આંખોનું ટ્રાન્સપ્લાન્ટ અન્ય વ્યક્તિમાં કરવામાં આવ્યું છે. કોરોનાની મહામારીને ધ્યાનમાં લઈને વેદના કિડની અને આંખોને ટ્રાન્સપ્લાન્ટ કરતા પહેલા મૃતક વેદનો કોરોનાનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો. રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ જ બે વર્ષના વેદની કિડની અને આંખોનું ટ્રાન્સપ્લાન્ટ અન્ય વ્યક્તિમાં કરવામાં આવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp