ગોંડલમાં અક્ષર દેરી સાર્ધ શતાબ્દી મહોત્સવ તૈયારીઓ ધમધમાટ

PC: khabarchhe.com

તીર્થભૂમિ ગોંડલ ખાતે આગામી તા. 20, જાન્યુઆરી થી 30, જાન્યુઆરી સુધી અક્ષર દેરી સાર્ધ શતાબ્દી મહોત્સવ ઉજવાશે. વિશ્વપ્રસિદ્ધ અક્ષર મંદિર, ગોંડલ સ્થિત અક્ષરદેરીને (અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વા મીના અંત્યેષ્ટિવિધિના સ્થળ પર નિર્મિત સ્મારક) 150 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ નિમિત્તે અહીં અગીયાર દિવસીય ભવ્ય કાર્યક્રમો રજૂ થનાર છે. દેશ-પરદેશથી લાખો ભાવિકો આ ઉત્સવમાં સહભાગી થવા પધારશે. બીએપીએસ સંસ્થાના પ્રમુખ પદે બિરાજમાન પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ ગોંડલ ખાતે 19, જાન્યુઆરીની રાત્રે પધારશે. અહીં થનાર વિવિધ કાર્યક્રમોમાં તેમનાં દર્શન અને આશીર્વાદ નો લાભ પ્રાપ્ત થશે.

આટલી મોટી સંખ્યામાં પધારનાર હરિભક્તો માટે વિવિધ સેવા વિભાગોનું આયોજન થયું છે. આ મહોત્સવમાં કુલ 32 સેવાવિભાગોની રચના કરવામાં આવી છે. મંદિરની બાજુમાં આવેલ 200 એકર વિશાળ ભૂમિને સમતલ કરીને સભા સ્થળ તરીકે ઉપયોગમાં લેવાશે. ઉત્સવને સફળ બનાવવા માટે હજારો સ્વયંસેવકો અને સ્વયંસેવિકાઓ ખડે પગે સેવામાં ઊભા છે. આજુબાજુથી અનેક ગામડાઓમાંથી બહેનો અને ભાઈઓ છેલ્લા બે મહિનાથી સેવા આપવા માટે આવે છે. ટ્રાફિકના પ્રશ્ર્નોને પહોંચી વળવા વિશાળ પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. દર્શનાર્થીઓની સુવિધા માટે 24 કલાક મેડિકલ સુવિધા ઉપલબ્ધ રહેશે. આ સાથે જ વિશાળ રક્તદાન યજ્ઞમાં સંતો અને ભક્તો રક્તદાન કરીને સમાજને મદદરૂપ થશે.


મહોત્સવના મુખ્ય સ્થળે અદ્વિતીય વિશાળ મંચ નજરે ચડે છે. 175 ફૂટ લંબાઇમાં, 130 ફૂટ પહોળાઈ અને 70 ફૂટ ઉંચો આ વિશાળ મંચ અનેરું આકર્ષણ જમાવે છે. મંચની મધ્યભાગમાં વિશાળ અક્ષરદેરીની પ્રતિકૃતિ નજરે ચડે છે. પૃષ્ઠભૂમિ પર અનેક દેવતાઓ અક્ષર દેરીનું પૂજન-અર્ચન કરતા દેખાય છે.

18મી તારીખે સૌરાષ્ટ્ર પંથકના 1000 ગામના સરપંચો અક્ષરદેરી સાર્ધ શતાબ્દી મહોત્સવનો ઉદઘોષ કરવા માટે પધારશે. તારીખ 19, જાન્યુઆરીથી 22, જાન્યુઆરી સુધી અહીં વિવિધ સત્સંગના કાર્યક્રમો થશે. જેમાં, સ્વામિનારાયણ નગરનું ઉદઘાટન, યોગી સ્મૃતિમંદિરની વાસ્તુ-પ્રવેશવિધિ, યજ્ઞ અને વિરાટ મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 22, જાન્યુઆરી વસંતપંચમીના દિવસે નૂતન અક્ષરદેરીનું પૂજન અને આરતી કરવામાં આવશે. સાંજે મુખ્ય સભામાં ભારતના માનનીય રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પધારશે. આ સાથે જ આંતરરાષ્ટ્રીય મહિલા સંમેલન અને દિક્ષા મહોત્સવનું આયોજન થયું છે. 23, જન્યુઆરીના રોજ સ્વામિનારાયણ નગરમાં સ્થિત પ્રદર્શન ખંડો જાહેર જનતા માટે ખુલ્લા મૂકવામાં આવશે.

આ પ્રદર્શન ખંડમાં ગુણાતીત ગુરુપરંપરાના ગુરુઓનું જીવન અને કાર્ય વિવિધ માધ્યમોના દ્વારા અભિવ્યક્ત થશે. આધ્યાત્મિકતાની સાથે અનેક જીવન ઉત્કર્ષના કાર્યક્રમો અહીં રજૂ થવાના છે. જેનાથી શુદ્ધ જીવન, રાષ્ટ્ર અને સમાજ માટે નિસ્વાર્થભાવે સેવા કરવાની પ્રેરણા પ્રાપ્ત થશે. ભોજન પ્રસાદનો પંડાલ વિશ્ર્વવિખ્યાત ગોંડલના અક્ષર મંદિરે આગામી તારીખ 20 થી અગિયાર દિવસ માટે શરૂ થતા સાર્ધ શતાબ્દી મહોત્સવમાં લાખો હરિભક્તો આવનાર હોય કોઈ હરિભક્ત ભૂખ્યો ન રહે તે માટે મંદિર તંત્ર દ્વારા ભોજન પ્રસાદનો વિશાળ આયોજન કરવામાં આવ્યું છે.

અક્ષર મંદિરની પાછળ 200 એકર માં આવેલ રાજવાડી ખાતે સાર્ધ શતાબ્દી મહોત્સવ માટે નગર ઊભું કરવામાં આવ્યું આ નગરની બાજુમાં જ 500/500 ફુટનો ભોજન પ્રસાદ માટે પંડાલ ઊભો કરવામાં આવ્યો છે આ પંડાલમાં એકીસાથે સાત હજાર લોકો ભોજન પ્રસાદ લઈ શકશે ભોજન-પ્રસાદ બનાવવા માટે 100 રસોયા ટિમ કાર્યરત કરાય છે, પીરસવા માટે 200 સ્વયંસેવકો રખાયા છે તેમજ વાસણ માંજવાની સેવાઓ ડોક્ટર, એન્જિનિયર સહિતના લોકો સેવા આપનાર છે. ભોજન પ્રસાદ માટે બુફે તેમજ બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે પીરસવા માટે મહિલા અને પુરુષોના ના અલગ અલગ દશ દશ કાઉન્ટર ઉભા કરવામાં આવનાર છે અને જો લોકોની સંખ્યા વધુ જણાશે તો વધુ કાઉન્ટરો પણ ઉભા કરવાની સગવડતા રાખવામાં આવી છે. રોજિંદા 50થી 60 હજાર લોકો જમી શકે તેવા પ્રસાદનું આયોજન કરાયું છે અને જો ભક્તોનો પ્રવાહ વધુ જણાય તો ત્વરિત રસોઈ પણ બનાવવામાં આવશે તેવું રસોડા વિભાગ દ્વારા જણાવાયું છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp