કોંગ્રેસનો આંતરિક ઝઘડો ચરમસીમાએ, રાજકોટ કોંગ્રેસનું વોટ્સએપ ગ્રુપ બંધ થયું

PC: youtube.com

ગુજરાત કોંગ્રેસમાં દિન પ્રતિદિન આંતરિક જુથવાદ વધી રહ્યા છે. લોકસભાની ચૂંટણી હોય, વિધાનસભાની ચૂંટણી હોય, મહાનગરપાલિકાની કે, નગરપાલિકાની ચૂંટણી હોય કોંગ્રેસના નેતાઓમાં સત્તાની ખેંચતાણને લઇ વિવાદ વકરી રહ્યો છે. જેના કારણે કોંગ્રેસના નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે. લોકસભાની ચૂંટણી સમયે કોંગ્રેસના ધારાસભ્યો અને કાર્યકર્તાઓએ ભાજપનો કેસરિયો ખેસ ધારણ કર્યો હતો.

હમણાં થોડા દિવસો પહેલા પ્રસિદ્ધ સાહિત્ય કલાકાર અને હાસ્ય કલાકાર ઘનશ્યામ લાખાણી ભાજપના સદસ્યતા અભિયાનમાં પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે ભાજપમાં જોડાયા હતા. તેઓ પહેલા કોંગ્રેસના સભ્ય હતા. કોંગેસના દિગ્ગજ નેતાઓ સાથે અને કોંગ્રેસના કાર્યક્રમોને ઘનશ્યામ લાખાણીની ઉપસ્થિતિ જોવા મળતી હતી. ત્યારે હવે ફરી એક વાર કોંગ્રેસના આંતરિક જુથવાદના કારણે રાજકોટ કોંગ્રેસને વોટ્સએપનું એક ગ્રુપ બંધ કરવાનો વારો આવ્યો છે.

એક રીપોર્ટ અનુસાર ક્યારેક કોંગ્રેસનો આંતરિક વિવાદ મીટીંગોમાં જોવા મળે છે, તો ક્યારેક આંતરિક વિવાદ કાર્યક્રમોમાં જોવા મળે છે. ત્યારે હવે રાજકોટ કોંગ્રેસના એક વોટ્સએપ ગ્રુપમાં પણ કોંગ્રેસનો આંતરિક વિવાદ જોવા મળ્યો છે. રાજકોટ શહેર કોંગ્રેસના હોદ્દેદાર બહાદુરસિંહ ઝાલાએ વર્તમાન કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગરને લઇને ગ્રુપમાં એવી ટીપ્પણી કરી હતી કે, અશોકભાઈ ભાજપમાં પાછા નહીં જાવને એની શી ખાતરી, તમે કોર્ટમાં સોગંધનામું કરો. આ ટીપ્પણી કરતાની સાથે ગ્રુપ એડમીન દ્વારા બહાદુરસિંહ ઝાલાને તરત ગ્રુપમાંથી રીમૂવ કરવામાં આવ્યા હતા અને અંતે ગ્રુપ એડમીનને ગ્રુપ બંધ કરવાની ફરજ પડી હતી. 

આ બાબતે અશોક ડાંગરે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતુ કે, હું સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતો નથી. ગઈ કાલે વોર્ડ નંબર 10માં ધ્વજ વંદનનો કાર્યક્રમ યોજાયો હતો, તેમાં મને કોર્પોરેટર મનસુખ કાલરીયાએ જણાવ્યું હતું કે, કોઈ માથાકૂટની ઘટના બની નથી.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp